ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા સુધારા ઉપરાંત ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલની ઐતિહાસિક નીચી સપાટીએથી સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૩૭ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં જોવા મળેલ સુધારા તેમ જ આજે ગત નવેમ્બર મહિનાનો સર્વિસીસ પીએમઆઈ ઈન્ડેક્સ ઑક્ટોબરનાં ૫૮.૪ સામે ઘટીને ૫૬.૯ની સપાટીએ રહ્યો હોવાનું એસ ઍન્ડ પી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસીસ બિઝનૅસે તેના માસિક સર્વેક્ષણમાં જણાવ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૮ના બંધ સામે ૮૩.૪૧ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૧ અને ઉપરમાં ૮૩.૩૭ની રેન્જમાં અથડાઈને અંતે સત્રની નીચી ૮૩.૩૭ની સપાટીએ બંધ રહ્યો હતો.