`ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ’: પત્ની પૂજાએ લખેલું પુસ્તક પુજારાએ લૉન્ચ કર્યું…

રાજકોટઃ ભારતના ટેસ્ટ-સ્પેશિયલિસ્ટ ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara)એ પત્ની પૂજા દ્વારા લિખિત ધ ડાયરી ઑફ અ ક્રિકેટર્સ વાઇફ’ પુસ્તક લૉન્ચ કર્યું છે. ભારત વતી 2010થી 2023 સુધીમાં 103 ટેસ્ટ રમનાર પુજારાએ પત્ની પૂજા સાથે મળીને ઇન્સ્ટાગ્રામ વીડિયો મારફત (અંદાજે 600 રૂપિયાની કિંમતના) આ પુસ્કત વિશેની પ્રારંભિક જાણકારી આપી છે. પુસ્તક (book) 29મી એપ્રિલે રીલીઝ કરવામાં આવશે. પુજારાએ 2013માં પૂજા સાથે લગ્ન કર્યા હતા.
મૅરેજ પહેલાં પૂજાની અટક પાબારી હતી. પુજારા સાથેના લગ્ન પહેલાં પૂજા ક્યારેય ક્રિકેટ ફૉલો નહોતી કરતી અને આ રમત વિશે તે કંઈ જાણતી પણ નહોતી. જોકે પુજારા સાથેના મૅરેજ બાદ તેને ક્રિકેટમાં રસ પડતો ગયો અને એના વિશે તેણે ઘણું જ્ઞાન મેળવ્યું. એ તો ઠીક, તેણે નમિતા કાલા (Namita Kala) સાથે મળીને જે પુસ્તક લખ્યું છે એમાં તેણે (પૂજાએ) ક્રિકેટરની પત્ની તરીકેના અનુભવો શૅર કર્યા છે. પૂજાનું કહેવું છે કેચેતેશ્વર જિદ્દી ખરા, પણ મદદકર્તા અને ઍડજસ્ટમેન્ટમાં માનનારા છે. તેઓ આધ્યાત્મિક ખરા, પરંતુ ધર્માભિમાની નહીં. રમૂજી સ્વભાવના ચેતેશ્વરે ક્રિકેટમાં રાજકોટના રસ્તાઓથી માંડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધીની જે સફર કરી એ અનોખી રહી અને તેમની એ ક્રિકેટિંગ-સફરનો હિસ્સો બનવાનો મને લહાવો મળ્યો છે.
પૂજાએ ક્રિકેટરના દૈનિક જીવનમાં શું બનતું હોય છે એની નજરે જોયેલી ક્ષણેક્ષણને શબ્દોમાં વણી લીધી છે. કોઈ સ્પોર્ટ્સમૅનની ખેલકૂદને લગતી કહાણીને તેની પત્નીએ પોતાના શબ્દોમાં (પુસ્તકરૂપે) જનતા સમક્ષ વ્યક્ત કરી હોય એવું પહેલી જ વાર બન્યું છે.
આપણ વાંચો : પુજારાને સ્ટીફન ફ્લેમિંગના કયા નિવેદનથી ખૂબ નવાઈ લાગી?