વાનખેડેમાં બુમરાહ અસલ ફૉર્મમાં આવશે તો હૈદરાબાદની હાર નક્કી…
ગુરુવારે રોહિત, સૂર્યાના પર્ફોર્મન્સ પર પણ સૌની નજર, અભિષેકથી બચવું પડશેઃ ગુરુવારે સાંજે 7.30 વાગ્યાથી જંગ

મુંબઈઃ આઇપીએલની 18મી સીઝનમાં છ માંથી ચાર મૅચ હારી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ આવતી કાલે (ગુરુવારે, 17મી એપ્રિલે) વાનખેડેમાં (સાંજે 7.30 વાગ્યાથી) ખાસ કરીને એના પીઢ ખેલાડીઓના ફૉર્મ પર મોટો આધાર રાખશે અને જો તેઓ સારું રમશે તો આતશબાજી માટે જાણીતા બૅટ્સમેન ધરાવતી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની ટીમ માટે જીતવું મુશ્કેલ થઈ જશે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદની ટીમ પણ છમાંથી ચાર મૅચ હારી ચૂકી છે.
એમઆઇના ચારમાંથી બે પરાજય એવા હતા જેમાં એમઆઇની ટીમ જરાક માટે વિજયથી વંચિત રહી ગઈ હતી. રવિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પણ એમઆઇની ટીમ હારી શકી હોત, પરંતુ દિલ્હી કૅપિટલ્સ (ડીસી)ના છેલ્લા ત્રણેય બૅટ્સમેન ઉપરાઉપરી ત્રણ બૉલમાં રનઆઉટ થયા અને હાર્દિક પંડ્યા ઍન્ડ કંપનીએ અભૂતપૂર્વ જીતનું સેલિબ્રેશન કર્યું હતું.
આઈપીએલ (IPL)ના પાંચ ટાઇટલ જીતી ચૂકેલી એમઆઇની ટીમના ખાસ કરીને ત્રણ ખેલાડી રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહના પર્ફોર્મન્સ પર સૌની નજર રહેશે.
રોહિત સદંતર ફ્લૉપ રહ્યો છે, જ્યારે ત્રણ મહિના બાદ ઈજામુક્ત થઈને ફરી રમવા આવેલો બુમરાહ હજી અસલ ફૉર્મમાં નથી જોવા મળ્યો. રવિવારે બુમરાહ અસલ યૉર્કર નહોતો ફેંકી શક્યો અને દિલ્હીના કરુણ નાયરે પૂરો ફાયદો ઉઠાવ્યો હતો. બુમરાહે દિલ્હીના કૅપ્ટન અક્ષર પટેલ (નવ રન)ની વિકેટ લીધી હતી, પરંતુ બુમરાહની ચાર ઓવરમાં કુલ 44 રન મુંબઈની ટીમ માટે તે સૌથી વધુ ખર્ચાળ બન્યો હતો. ચાર ઓવરમાં તેનો ઇકોનોમી-રેટ 11.00 જેટલો ઊંચો હતો. હવે બુમરાહની હૈદરાબાદના હાર્ડ-હિટર્સ અભિષેક શર્મા, ટ્રૅવિસ હેડ, ઇશાન કિશન અને હિન્રિક ક્લાસેન સામે કસોટી છે.
સૂર્યકુમારની એક જ હાફ સેન્ચુરી
સૂર્યકુમાર યાદવની તમામ છ મૅચમાં (29, 48, 27 અણનમ, 67, 28 અને 40 રન) એક જ હાફ સેન્ચુરી છે. એ જોતાં, સૂર્યકુમાર પાસેથી પણ ટીમને હવે ઘણી અપેક્ષા છે. તે અસલ, અનોખી અને આક્રમક સ્ટાઇલમાં લાંબા સમય સુધી વિસ્ફોટક બૅટિંગ કરવા માટે જાણીતો છે જે આ વખતે હજી જોવા નથી મળ્યું.
આ ત્રણેય દિગ્ગજ ખેલાડી જો સારું પર્ફોર્મ કરશે તો હૈદરાબાદના સ્ટાર ખેલાડીઓએ કદાચ પરાજય જોવો પડશે. એમઆઇને માત્ર તિલક વર્મા અને નમન ધીર પર અપેક્ષાનો બોજ રાખવો નહીં પરવડે. બીજું, એમઆઇનું ઓપનિંગ પણ સારું થયું હોવું જોઈશે. છ મૅચમાં રોહિત શર્મા, રાયન રિકલ્ટન, વિલ જૅક્સ દ્વારા ઓપનિંગ સારા નથી થયા. છ મૅચમાં ભારતના ઓપનર્સે પ્રથમ વિકેટ માટે બનાવેલા રનની વિગત આ પ્રમાણે છેઃ એક રન, આઠ રન, 46 રન, 11 રન, 21 રન અને 47 રન.
રોહિત શર્મા સફળ કે અભિષેક શર્મા?
મુંબઈ ઇન્ડિયન્સના 37 વર્ષીય ઓપનર રોહિત શર્માએ આ વખતે ઓપનિંગમાં સિલસિલાબંધ ફ્લૉપ શૉ બતાવ્યા એને પગલે ભૂતપૂર્વ ભારતીય મહિલા કૅપ્ટન અંજુમ ચોપડાએ મંગળવારે એક સૂચન કર્યું હતું કે રોહિતને ઓપનિંગના વમળમાંથી બહાર લાવીને બૅટિંગમાં નીચેના કોઈ ક્રમે મોકલવો જોઈએ.
જો રોહિત શર્મા સફળ થશે એમઆઇનો બેડો પાર થઈ શકે. બીજી બાજુ, હૈદરાબાદ પાસે પણ એક શર્મા છે. 24 વર્ષનો અભિષેક શર્મા પાંચ દિવસ પહેલાં પંજાબ સામે 141 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો એ એમઆઇના પ્રત્યેક બોલરને યાદ હશે જ. અભિષેકે પંજાબ સામેની મૅચમાં પંચાવન બૉલમાં 10 સિક્સર અને 14 ફોરની મદદથી 141 રન બનાવ્યા હતા. તેની અને ટ્રૅવિસ હેડ વચ્ચે પ્રથમ વિકેટ માટે 171 રનની વિક્રમજનક ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. અભિષેક એ ઇનિંગ્સથી (ગયા વર્ષની જેમ) અસલ ફૉર્મમાં આવી ગયો છે.
હૈદરાબાદે એ મૅચ આઠ વિકેટે જીતી લીધી હતી.
બન્ને ટીમની સ્ક્વૉડમાં કોણ-કોણ છે?
મુંબઈઃ હાર્દિક પંડ્યા (કૅપ્ટન), રોહિત શર્મા, રાયન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જૅક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, કૉર્બિન બૉશ્ચ, બેવન જેકબ્સ, રૉબિન મિન્ઝ, નમન ધીર, મિચલ સૅન્ટનર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બૉલ્ટ, દીપક ચાહર, રીસ ટૉપ્લી, અશ્વની કુમાર, રાજ બાવા, અર્જુન તેન્ડુલકર, કર્ણ શર્મા, મુજીબ-ઉર-રહમાન, વિજ્ઞેશ પુથુર, સત્યનારાયણ રાજુ, ક્રિષ્ણન શ્રીજીથ.
હૈદરાબાદઃ પૅટ કમિન્સ (કૅપ્ટન), હિન્રિક ક્લાસેન (વિકેટકીપર), અભિષેક શર્મા, ટ્રૅવિસ હેડ, ઇશાન કિશન, નીતીશ કુમાર રેડ્ડી, વિઆન મુલ્ડેર, સચિન બૅબી, અનિકેત વર્મા, અથર્વ ટેઇડ, રવિચન્દ્રન સ્મરણ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી, રાહુલ ચાહર, એશાન મલિન્ગા, અભિનવ મનોહર, કામિન્ડુ મેન્ડિસ, ઝીશાન અન્સારી, જયદેવ ઉનડકટ અને સિમરનજીત સિંહ.
આપણ વાંચો : રોહિતના નબળા ફૉર્મ વિશે અંજુમ ચોપડાએ એમઆઇને બતાવ્યો ઉપાય…