લાડકી

પુરુષોના પેંગડામાં પગ નાખીને પદ્મશ્રી મેળવનાર મહિલા ફૂટબોલર ઓઈનમ બેમ્બેમ દેવી

કવર સ્ટોરી -કવિતા યાજ્ઞિક

ફૂટબોલનું નામ આવે એટલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતા એક એકથી ચડિયાતા પુરુષ ખેલાડીઓના નામ લોકોની જીભે આવે. એમના ફોટાવાળા ટીશર્ટ બાળકોને ગમે છે. ભારતની વાત કરીએ તો ભાઇચુંગ ભૂતિયા, સુનિલ છેત્રી જેવા પુરુષ ખેલાડીઓના નામ આવે. આમ પણ આપણે ત્યાં હોકી કે ફૂટબોલ જેવી વધારે શારીરિક શ્રમ માંગી લેતી રમતો “મહિલાઓ માટે નથી તેવી એક વ્યાપક માન્યતા ઘણો લાંબો સમય પ્રબળ રહી છે. ફૂટબોલમાં પણ બંગાળ અને ઈશાન ભારતના ખેલાડીઓ અને જનતાની રુચિ વિશેષ છે એ તો જાણીતી વાત છે. આ માહોલ વચ્ચે ભારતના ફૂટબોલ જગતમાં એક મહિલાનું નામ ચમક્યું, જેણે પુરુષોનું ક્ષેત્ર ગણાતી રમતમાં પુરુષોના પેંગડામાં પગ નાખવાની હિંમત કરીને દેશમાં મહિલા ફૂટબોલનું ચિત્ર બદલવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને પદ્મશ્રીનો ઈલકાબ મેળવ્યો.

મણિપુરનું નામ અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટા કારણોસર ગાજ્યું છે, પણ એ જ મણિપુરની આ મહિલા ફૂટબોલરે ૨૧ વર્ષ સુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં ૮૫ કેપ અને ૩૨ ગોલ તેના નામે બોલે છે, તેમ છતાં તેને જોઈએ તેવી પ્રસિદ્ધિ મળી નથી. આમ તો કરકિર્દીનો સમયગાળો જોઈએ તો આ આંકડા બહુ નાના લાગે છે, પરંતુ આ આંકડા જ દેશમાં મહિલા ફૂટબોલની દયનીય સ્થિતિ પણ દર્શાવે છે. આ મહિલાનું નામ છે ઓઈનમ બેમ્બેમ દેવી, જે “ભારતીય ફૂટબોલની દુર્ગા તરીકે પણ જાણીતી છે.

૪ એપ્રિલ, ૧૯૮૦ ના રોજ ઇમ્ફાલ પશ્ર્ચિમમાં પિશુમથોંગ ઓઇનમ લેઇકાઇના ઓઇનમ નાગેશોર સિંઘ અને ઓઇનમ ઓંગબી રુહિની દેવીને ત્યાં જન્મેલી, બેમ્બેમને બાળપણથી જ ફૂટબોલ પ્રત્યે લગાવ અને પ્રેમ હતો. તેણે સ્થાનિક છોકરાઓ સાથે લગભગ નવ-દસ વર્ષની ખૂબ જ નાની ઉંમરે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. ૧૯૯૧માં તેને ઇમ્ફાલમાં યુથ એમેચ્યોર વેલ્ફેર એસોસિયેશન ક્લબ ઓફ સિંગજામેઇમાં જોડાવાનો મોકો મળ્યો અને એક વ્યાવસાયિક ખેલાડી તરીકે રમવાનું શરૂ કર્યું. ત્યારથી તેણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનું શરૂ કર્યું. તે ભારતીય મહિલા ફૂટબોલ ટીમ માટે ૨૧ વર્ષથી વધુ અને મણિપુર માટે ૨૬ વર્ષથી વધુ સમયથી રમી રહી છે અને દેશમાં મહિલા ફૂટબોલરોના ઉત્થાન માટે જાગૃતિ ફેલાવી રહી છે.

મણિપુરમાં જન્મ લેવા બદલ ગર્વ વ્યક્ત કરતાં
તે આનંદ સાથે કહે છે કે, “મને ક્યારેય વિચિત્ર લાગતું નથી. મને ક્યારેય કોઈ નકારાત્મક ટિપ્પણીઓ મળતી નથી. ફૂટબોલમાં મારી કારકિર્દીને આગળ વધારવા માટે મને હંમેશાં મણિપુરના લોકોનો ટેકો મળે છે. તે ઉમેરે છે કે મણિપુરમાં અનંતકાળથી લિંગભેદ જેવી કોઈ વસ્તુ નથી. તેથી છોકરી હોવાને કારણે ક્યારેય પાછળ રહેવું પડ્યાનો અહેસાસ થતો નથી.

ઇમ્ફાલમાં એરપોર્ટ રોડ પરથી નીચે ઉતર્યા પછી, યુનાઇટેડ પાયોનિયર્સ ક્લબની ઑફિસ પહોંચવામાં ૨૦ મિનિટનો સમય લાગે છે. આ એ જ ક્લબ છે જ્યાં બેમ્બેમે ૧૯૮૮માં ફૂટબોલની દુનિયામાં પ્રવેશ કર્યો. છોકરાઓએ મને તેમની સાથે રમવાનું કહ્યું. ત્યારે મારા વાળ ટૂંકા હતા, તેથી તે સરળ હતું. તેઓએ મને બોબો નામ આપ્યું, જે મણિપુરમાં એક સામાન્ય છોકરાનું નામ છે. ભીડમાં ઘણા લોકોને શંકા હતી કે હું એક છોકરી છું, અલબત્ત, કોઈ તેને સાબિત કરી શક્યું નથી! તે હસતાં હસતાં કહે છે “અમે તે ટૂર્નામેન્ટ જીતી હતી. હકીકતમાં, ટ્રોફી હજુ પણ મારા ભાઈના ઘરે છે. તે ઉમેરે છે.

તે રમત બેમ્બેમ માટે એક જ મેચ હતી, જે તેના ભાઈઓ સાથે પિશુમથોંગ ઓઈનમ લેઈકાઈમાં પરિવારના ઘરના આંગણામાં રમવામાં ખુશ હતી. પહેલેથી જ રાષ્ટ્રીય ટીમ માટે રમી રહેલા એક પિતરાઈ ભાઈ એન. રોનીબાલા, હોવા છતાં તે સમયે, તે મણિપુરમાં ફૂટબોલ રમતની અપીલ પ્રત્યે બેધ્યાન હતી, જે વર્ષોથી ભારતીય ફૂટબોલનું પારણું રહ્યું છે. ધોરણ પાંચમા સુધી, તે તેની યુજેબી શાળામાં તેના વર્ગમાં ટોચના ત્રણમાં સ્થાન મેળવતી હતી. પરિણામે, તેના પિતા, ઓઈનમ નાગેશોર સિંહ, પોતે ફૂટબોલના ઝનૂની ચાહક હોવા છતાં, તેને રમતમાં લઈ જવાની વિરુદ્ધ હતા, પણ તેમને ક્યાં ખબર હતી કે શાળામાં, બેમ્બેમ ધીમે ધીમે શિક્ષણશાસ્ત્ર ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ પોતાની છાપ છોડી રહી હતી. તેથી, એક બાજુ તે છોકરીઓ સાથે ૧૦૦ મીટરની દોડમાં ભાગ લેતી હતી, ત્યારે બીજી બાજુ ‘બ્લુ હાઉસ’ના છોકરાઓ ફૂટબોલમાં તેમના મુખ્ય ખેલાડી વિના ક્યારેય રમવાનું વિચારી શકતા નહોતા. સખત રમત પછી ઉઝરડા સાથે પાછા આવવું, જોકે, ઘરના લોકોને જરાય પસંદ નહોતું.

‘મારી માતાને હાયપરટેન્શનની સમસ્યા છે અને જ્યારે મને ઉઝરડા સાથે જુએ એટલે તે ગભરાઈ જતી. તેથી, મારી ઇજાઓ છુપાવવા માટે હું ફુલ પેન્ટ પહેરતી. બીજી બાજુ, મારા પિતાનો આગ્રહ હતો કે હું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરું અને મને ઘણીવાર માર પડતો હતો અને મારા ભાઈઓ મને પપ્પાના મારથી બચાવતા, તે કહે છે. સંયુક્ત પરિવારમાં ઉછરેલી હોવાથી તેના ભાઈ-બહેન તેનો સહારો હતા. જ્યારે તેના પિતા આસપાસ ન હોય ત્યારે બેમ્બેમ ઘરની બહાર નીકળી જતી, પોતાની છુપાવેલી કીટ બેગ ઉપાડતી અને પછી તેની દીદીને મળતી જે તેની સાઇકલ સાથે રાહ જોતી હતી. આ એક નિત્યક્રમ બની ગયો હતો.

૧૯૯૧માં જ જ્યારે તે સ્ટેન્ડમાં ઊભા રહીને ઈમ્ફાલમાં રાષ્ટ્રીય મહિલા ચેમ્પિયનશિપ જોઈ રહી હતી ત્યારે જ તેને સમજાયું કે ભારતમાં ફૂટબોલ રમતી ઘણી બધી મહિલાઓ છે. તે ટૂર્નામેન્ટે તેના જીવનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેને લાગ્યું કે જો તેણી સખત મહેનત કરશે, તો તે પણ તે કરી શકશે. એ જ વર્ષે તે મણિપુર માટે સબ-જુનિયર કક્ષાની મેચ રમવા પસંદગી પામી અને પહેલીવાર મણિપુરની બહાર જઈને રોહતકમાં સ્પર્ધામાં ભાગ લીધો.

તેના પિતાને પણ ખ્યાલ આવી ગયો હતો કે તેનો જીવ ફૂટબોલમાં છે. એટલે તેમણે પણ કડકાઈ છોડી દીધી. તેના શિક્ષકો પણ તેને પૂર્ણ સહકાર આપતા. તેની મેચ અને ટ્રેનિંગનો ખ્યાલ રાખીને તેને અલગથી બેસાડીને ભણાવતા જેથી તેની રમત અને અભ્યાસ બંને સારી રીતે ચાલે. સાતમું ધોરણ તો તેણે પરીક્ષામાં બેઠા વગર જ પાસ કર્યું તે શિક્ષકો અને શાળાના સહકારથી જ, પણ ખરી સમસ્યા નાણાંની હતી. રાજ્ય સ્તરનું ખેલ સંગઠન કોઈ પ્રકારની મદદ કરતું નહોતું. ખેલાડીઓને ગાંઠના ગોપીચંદન કરીને સ્પર્ધાઓમાં ભાગ લેવો પડતો, પોતાની કીટ ખરીદવી પડતી અને કપડાં પાછળ પણ ખર્ચ કરવો પડતો હતો. તે કહે છે કે એક વખત મેં મારી મા પાસે રૂપિયા માંગ્યા. તેણે આપવાની ના પાડી, ત્યારે અકળામણ અને ગુસ્સાને કારણે મેં તેના ઉપર પથ્થર ફેંક્યો હતો, પણ મારી મા શું કરતી? એની પાસે રૂપિયા હોય તો આપે ને?

પણ આ સંઘર્ષ આખરે રંગ લાવ્યો અને ૧૯૯૫માં તેને ભારતીય મહિલા ફૂટબોલની રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ મળ્યો. વિચાર કરો કે કેટલી પ્રતિભાશાળી ખેલાડી હશે કે એક પણ રાષ્ટ્રીય જુનિયર ટીમની સભ્ય બન્યા વિના તેને સીધો સિનિયર રાષ્ટ્રીય ટીમમાં પ્રવેશ મળ્યો. ૨૦૦૩માં તે ભારતીય મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન નિયુક્ત થઇ. તેણીની કારકિર્દીની વિશેષતા ત્રણ એસએએફએફ કપ ટાઇટલ (૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૪) અને બે એસએજી જીત (૨૦૧૦, ૨૦૧૬) હતી. તેનું પ્રદર્શન એટલું સારું રહ્યું હતું કે ૨૦૦૧ અને ૨૦૧૩માં તેને ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશનની વુમન્સ પ્લેયર ઓફ ધ યર ઘોષિત કરવામાં આવી હતી. (તેની વચ્ચે મહિલા ફૂટબોલરોને કોઈ એવૉર્ડ આપવામાં આવ્યો નહોતો). ૨૦૧૪માં, તે માલદીવમાં ન્યૂ રેડિયન્ટ સ્પોર્ટ્સ ક્લબ માટે વિદેશમાં રમનારી ભારતની પ્રથમ મહિલા ફૂટબોલર બની હતી. તેણે પોતાની લીગને ખિતાબ જીતવામાં મદદ કરી એટલું જ નહીં, પરંતુ તે લીગમાં ટોચની સ્કોરર પણ બની હતી અને તેને કારણે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવૉર્ડ મેળવ્યો.

દેશ માટે લગભગ બે દાયકા રમીને ૨૦૧૫માં તેણે રિટાયર થવાનો નિર્ણય લીધો હતો, પણ તેની સાથી ખેલાડીઓએ તેને નિર્ણય પાછો ખેંચવા મજબૂર કરી. ૩૫ વર્ષની ઉંમરે ૨૦૧૬માં દક્ષિણ એશિયાઈ રમતમાં ભાગ લઈને ફાઇનલમાં નેપાળને હાર આપીને ભારત ચેમ્પિયન બન્યું. આમ એક ઉજ્જવળ કારકિર્દીને લાયક એવો વિજયી અંત મળ્યો.

હાલમાં, બેમ્બેમ મણિપુર પોલીસ વિભાગમાં નિરીક્ષક તરીકે સેવા આપી રહી છે અને મણિપુર મહિલા ફૂટબોલ ટીમને કોચિંગ આપી રહી છે. તેણે પોતાનું જીવન ફૂટબોલને સંપૂર્ણ રીતે સમર્પિત કર્યું હોવા છતાં, સ્નાતક પણ પૂર્ણ કર્યું. ૨૦૧૭માં, તેને યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા અર્જુન એવૉર્ડથી નવાજવામાં આવી હતી. (નોંધનીય છે કે એ પહેલા ત્રણ વખત એવૉર્ડ માટે તેનું નામ મોકલવામાં આવ્યું હતું, પણ દરેક વખતે નકારી દેવામાં આવ્યું હતું). તેના ત્રણ વર્ષ પછી ૨૦૨૦માં તેને પદ્મશ્રી આપીને વર્ષોની તેની મહેનતની કદર કરવામાં આવી. અભાવોની વચ્ચે પણ નિભાવી જવાની કળામાં માહેર આવા રત્નો ભારતનું નામ રોશન કરે છે. તેમની જ્યારે કદર થાય ત્યારે ખરેખર આનંદ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button