મેટિની

સુન સુન સુન, અરે બેટા સુન, ઈસ ચંપી મેં બડે બડે ગુન!

બસ ક્ધડક્ટરમાંથી કમાલના કોમેડિયન બનેલા જોની વોકરની જન્મ શતાબ્દીનું વર્ષ આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે ત્યારે એમની કેટલીક ઓછી જાણીતી વાતો એમના જ શબ્દોમાં જાણીએ

(ડાબેથી) કોમેડિયનની લાક્ષણિક મુદ્રા અને ગુરુ દત્ત અને રેહમાન સાથે ‘ચૌદહવી કા ચાંદ’માં

‘કાગઝ કે ફૂલ’ સુપરફ્લોપ થવાથી ગુરુ દત્તને આર્થિક નુકસાન તો થયું જ હતું, પણ માનસિક રીતે સુધ્ધાં ખાસ્સા ભાંગી પડ્યા હતા. કોન્ફિડન્સ જાણે કે વરાળ થઈ ગયો હતો. ‘ટીમ ગુરુ દત્ત’ તરીકે ઓળખાતા નિકટવર્તી તેમને મળવા ગયા. તેમાંથી સૌથી પહેલા જોની વોકર બોલ્યા કે ‘બહુ રોદણાં રડી લીધાં. હવે બસ કર. હમ સબ બનાતે હૈં ના ફિલ્મ સાથ મેં, મિલકર.’ અહીં વાત માત્ર ફિલ્મમેકિંગની નહોતી. ગુરુ દત્તની પડખે ઊભા રહેવાની વાત હતી. એ ગુરુ દત્ત જે ‘ટીમ ગુરુ દત્ત’ના સભ્યોના કપરા કાળમાં પડખે ઊભા રહી તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવામાં નિમિત્ત બન્યા હતા. જીવનમાં વાવાઝોડું ત્રાટક્યું હતું, પણ જોની વોકર અને મિત્રોએ આપેલો સધિયારો ટોનિક સાબિત થયો. ગુરુ દત્ત પડકાર ઝીલી લેવા તૈયાર થયા અને ‘ચૌદહવી કા ચાંદ’ બની. ફિલ્મને જબરદસ્ત સફળતા મળી અને ‘કાગઝ કે ફૂલ’ નામના દુ:સ્વપ્નની કબર ખોદાઈ ગઈ. આ વાત માત્ર ગુરુ દત્તના કમબેકની નથી, પણ તેમની અતૂટ દોસ્તીની છે અને એ દોસ્તીની માળાનો એક મહત્ત્વનો મણકો એટલે જોની વોકર. જેમના એક વાક્યએ ગુરુ દત્તમાં નવા ઉત્સાહનો સંચાર કર્યો, એક નંખાઈ ગયેલી મન:સ્થિતિમાં નવો પ્રાણ પૂર્યો. દેવ આનંદ-ગુરુ દત્તની બેમિસાલ મૈત્રી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક મિસાલ ગણાય છે, પણ જોની વોકર-ગુરુ દત્તની દોસ્તીનું શિખર સુધ્ધાં એવરેસ્ટથી કમ નથી. આવતીકાલથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બેમિસાલ કોમેડિયન જોની વોકર (મૂળ નામ બદરુદ્દીન કાઝી)ની જન્મ શતાબ્દી (જન્મ: ૧૧ નવેમ્બર, ૧૯૨૪)નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જોની વોકર સાહેબની કેટલીક વાતો તેમણે જ લખેલા એક લેખ દ્વારા જાણીએ. પ્રસ્તુત લેખ દિલ્હીથી પ્રકાશિત થતા ‘ગુલફામ’ નામના ફિલ્મ સામયિકમાં ૧૯૮૩માં પ્રગટ થયો હતો જેનો અંગ્રેજીમાં અનુવાદ કેટલીક ફિલ્મોમાં સિનેમેટોગ્રાફી કરનાર અને હિન્દી ફિલ્મ ઇતિહાસના અભ્યાસુ શ્રી યાસિર અબ્બાસીએ કર્યો છે. આ હપ્તામાં ગુરુ દત્ત સાથેની દોસ્તીની વાત જોની વોકરજીના શબ્દોમાં જ જાણીએ.
* *
હું બસ કંડકટરની નોકરી કરતો હતો એ સમયે જાતજાતના ને ભાતભાતના લોકોના સંપર્કમાં આવવાનું બનતું. પ્રવાસ દરમિયાન મારી રમૂજથી તેમને આનંદ કરાવતો. મારી શૈલી જોઈ કેટલાક લોકોએ ફિલ્મમાં નસીબ અજમાવવા મને સલાહ આપી હતી. એમની વાત સાંભળીને મને હસવું આવતું, કારણ કે એ દિવસોમાં રૂપાળો ચહેરો ધરાવતા હેન્ડસમ લોકોને જ ફિલ્મમાં ચાન્સ મળતો. મારા ઘરમાં એક અરીસો હતો જે મારા ચહેરાનું સતત ભાન કરાવતો રહેતો. જોકે, કેટલાક લોકોના હૃદયપૂર્વકના આગ્રહને માન આપી મેં સ્ટુડિયોના ચક્કર લગાવવાનું શરૂ કરી દીધું. કામ મળવા લાગ્યું પણ પૈસા તો પરચૂરણ બરાબર મળી રહ્યા હતા. અચાનક કે. આસિફની ‘હલચલ’ મારા જીવનમાં વળાંક લાવનારી સાબિત થઈ. ફિલ્મમાં બલરાજ સાહની પણ હતા. એક દિવસ અમે શૂટિંગ કરી રહ્યા હતા એ સ્ટુડિયોમાં તેમને ગુરુ દત્તની ઓફિસમાં જગદીશ સેઠીને મળવાનું હતું ત્યારે મને સાથે આવવા કહ્યું. અમે પહોંચ્યા ત્યારે બલરાજજીએ મને દારૂડિયાનો અભિનય કરી ગુરુ દત્તની ઓફિસમાં દાખલ થવા કહ્યું. એમની આજ્ઞાનું મેં પાલન કર્યું અને ‘નશાની હાલતમાં ગુરુ દત્ત સાથે ઝઘડો કર્યો.’ આ બધું જોઈ પહેલા તો ડઘાઈ ગયેલા અને પછી રોષે ભરાયેલા ગુરુ દત્તે સહાયકને બોલાવી મને ઓફિસમાંથી ધક્કો મારી બહાર કાઢવા જણાવ્યું, પણ બરાબર એ જ સમયે બલરાજ સાહનીએ એન્ટ્રી મારી અને હકીકત જણાવી ગુરુ દત્ત સાથે મારી ઓળખાણ કરાવી. હકીકત જાણી ગુરુ દત્ત તો એટલા ખુશ થઈ ગયા કે મને પરફોર્મન્સ રિપીટ કરવા કહ્યું. એ જોઈ ભાવવિભોર થયેલા ગુરુ દત્તે તેમની નવી ફિલ્મ ‘બાઝી’ માટે મને સાઈન કરી લીધો. ગુરુ દત્તની ફિલ્મ પહેલા મેં કેટલીક ફિલ્મો કરી હતી, પણ મારી ઓળખાણ બની ‘બાઝી’થી.

પહેલી જ મુલાકાતમાં ગુરુ દત્તે જે લાગણી બતાવી એમાં પ્રત્યેક મુલાકાત સાથે સરવાળો થતો ગયો. બહુ જલદી મને તેમના નિકટના મિત્રોની મેહફિલમાં સ્થાન મળી ગયું. એ પહેલી મુલાકાત પછી ગુરુ દત્તે તેમની દરેક ફિલ્મમાં મને રોલ આપ્યો. (અપવાદ હતી સાહિબ બીબી ઔર ગુલામ જેમાં જોની વોકર નહોતા). તેમણે તેમના મિત્ર લેખક અબ્રાર અલવીને ખાસ મને ધ્યાનમાં રાખી રોલ લખવા કહ્યું હતું. તેમણે મારામાં મૂકેલો વિશ્ર્વાસ મને એ હદે સ્પર્શી ગયો હતો કે પૈસાની કોઈ વાત તેમની સાથે ન કરતો. જે આપતા એ લઈ લેતો. જોકે, એક દિવસ તેમને ખબર પડી કે બીજી ફિલ્મોમાં મળતા કરતા ઓછા પૈસા લઈ હું તેમની ફિલ્મોમાં કામ કરતો હતો. તરત જ એક નવી નક્કોર કાર ખરીદી મને ભેટ આપી. અમારી દોસ્તી છેલ્લે સુધી મજબૂત રહી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારું સ્થાન મજબૂત બનાવવામાં અને મારી કારકિર્દી આગળ વધારવામાં તેમના અમૂલ્ય ફાળાને હું ક્યારેય નહીં ભૂલું. ગુરુ દત્ત ગુજરી ગયા ત્યારે હું મદ્રાસ જઈ રહ્યો હતો. હું હોટેલમાં દાખલ થયો ત્યાં જ ફોન પર તેમના દુ:ખદ અવસાનના સમાચાર મળ્યા. એક મિનિટ રાહ જોયા વિના બેગ લઈ હું પ્રોડ્યુસરને કીધા વિના ફલાઇટ પકડી મુંબઈ પહોંચ્યો. તેમના અવસાનના સમાચાર સાંભળવા જ જાણે હું મદ્રાસ ગયો એવું મને લાગ્યું. મદ્રાસ પહોંચ્યા પછી માઠા સમાચાર મળવાની એ મારા માટે ત્રીજી ઘટના હતી. મદ્રાસમાં જ મને પિતાશ્રીના ઈન્તેકાલના ખબર મળ્યા હતા અને મદ્રાસમાં જ મારી સાથે રહેતા કઝીનના મૃત્યુની બાતમી મળી હતી. ગુરુ દત્તના અવસાન પછી મેં મદ્રાસ ક્યારેય નહીં જવાનું નક્કી કર્યું અને ક્યારેય ન ગયો. એક વાર દેવ આનંદ ‘અમરદીપ’ ફિલ્મનું કેટલુંક શૂટિંગ મદ્રાસમાં કરવા માગતો હતો, પણ મેં સાફ ના પાડી દીધી. અંતે એ સીનનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવ્યું હતું. (વધુ આવતા સપ્તાહે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button