લગ્નનો પર્પઝ ક્લિયર હોવો જરૂરી છે
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
લવ, સેક્સ અને લગ્ન એ ત્રણેય જુદી બાબતો છે એ વિશે આપણી ચર્ચા થઈ રહી છે. આ બાબતે આપણે એમ પણ ચર્ચા કરી હતી કે આ ત્રણેય બાબતોની રિક્વાર્યમેન્ટ અને ત્રણેયની કાળજી જુદી જુદી છે. એવા કિસ્સામાં થોભવું અને રાહ જોવી, પરંતુ માત્ર એક લગ્નમાં જ ત્રણેય બાબતની અપેક્ષા ન રાખવી. નહીંતર જીવન નર્કથી પણ વધુ ખરાબ થઈ જશે! જોકે આ લેખમાં આપણે એ સમજવાનું છે લગ્ન વ્યવસ્થામાં ખતમ થઈ જતી ઈન્ડિવિજ્યુઆલિટીની. થોડા દિવસો પહેલાં જ્યારે સુપ્રીમ કોર્ટમાં સેમસેક્સ મેરેજ વિશે પણ સુનાવણી થઈ ત્યારે ચીફ જસ્ટિશ ઑફ ઈન્ડિયાએ એક અત્યંત મહત્ત્વની વાત કરી.
સીજેઆઈએ કહ્યું કે લગ્ન વ્યવસ્થાને આપણે એક જટીલ ઈન્સ્ટિટ્યુશનલ ઢાંચું બનાવી દીધી છે. જેને કારણે એક વ્યક્તિ એમાં ગૂંગળાઈ મરે છે! આ વાત જ્યારે લગ્નમાં બંને વ્યક્તિ એકબીજાને નિભાવી લે છે કે જે બે લોકો કોઈ પણ ભોગે પોતાનું લગ્ન જીવન ટકાવી રાખે છે એમને લાગું નહીં પડે. કારણ કે એમાં બે વ્યક્તિ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ખુશી ખુશી ઓગાળવા તૈયાર થઈ જાય છે, પરંતુ જ્યારે વ્યક્તિ સામેની વ્યક્તિને જરા સરખી પણ ચલાવી લેવા માગતી નથી કે જો તેનામાં એવી કોઈ તૈયારી જ ન હોય ત્યારે એ વ્યક્તિ અને સામેની વ્યક્તિ માટે લગ્ન વ્યવસ્થ પાંજરૂ બની જાય છે. કારણ કે એવા લગ્નોમાં એક એક ક્ષણે તેમનાં વ્યક્તિગત ગમા-અણગમા કે આઝાદી પર પ્રશ્ર્નોે ઊભા થતાં રહેતા હોય છે અને વ્યક્તિ ક્યારેય સ્વતંત્રપણે કશું વિચારી કે કરી શકતી નથી.
અને એવા સમયે પર્સનલ લાઈફમાં કે ફેમિલીમાં જે સ્તરના ભવાડા થાય છે અને વ્યક્તિગત સ્તરે કે પારિવારિક સ્તરે જે નુકસાન જાય છે એ અત્યંત ખરાબ સ્તરનું હોય છે. કારણ કે જ્યારે વ્યક્તિની ઈન્ડિવુજ્યુઆલિટી હણાય કે પછી વ્યક્તિને સંબંધમાં ગૂંગળામણ થવા માંડે ત્યારે તે વિદ્રોહ કરવાની શરૂઆત કરે છે. અને વિદ્રોહમાં ભાવનાત્મક સ્તર પર, માનસિક સ્તર પર, કાયદાકીય સ્તર પર કે શારિરીક સ્તર પર અનેક અનિચ્છનીય સખળડખળ થતી હોય છે.
વળી, એવા કિસ્સામાં બે વ્યક્તિનો નહીં, પરંતુ બે પરિવારનું વર્તમાન અને ભવિષ્ય બરબાદ થઈ જતું હોય અને એવામાં જો કપલને સંતાન થયું હોય તો એ સંતાનનું અમૂલ્ય બાળપણ દાવ પર લાગી જતું હોય છે. અને એટલે જ અગાઉના લેખમાં કહ્યું હતું કે હવેની પેઢી, જે આમેય બધી રીતે ઈન્ડિપેન્ડન્ટ છે એ પેઢીએ લગ્ન પહેલાં લગ્નની રિક્વાયર્મેન્ટ જાણી લેવી જરૂરી છે. તે માત્ર સેક્સ માટે કે માત્ર પ્રેમ માટે કે પછી માત્ર કમ્પેનિયનશીપ માટે લગ્ન નહીં કરી શકે! આખરે લગ્નની માગ જુદી છે. એમાં વ્યક્તિએ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોમવું જ પડે. અને જો તેની એ માટે કોઈ તૈયારી નહીં હોય તો એ નહીં ચાલે.
જો તેમને લગ્ન બાબતે ગંભીરતા ન હોય કે જો લગ્ન બાબતે પડશે એવા દેવાશેનો એટિટ્યુડ હશે તો લગ્નનો નિર્ણય તેઓ ન માત્ર તેમના માટે, પરંતુ સામેની વ્યક્તિ અને બે પરિવારો માટે યાતનાઓના દ્વાર ખોલી નાંખશે. કારણ કે પાત્ર તો તમે વ્યક્તિગત સ્તરે પસંદ કરી લેશો, પરંતુ જો તમે પસંદ કરેલા પાત્ર સાથે તમને નહીં ફાવ્યું તો તમારો વ્યક્તિગત નિર્ણય એ પારિવારિક માથાકૂટ બની શકે છે. અને એટલે જ અગાઉ કહ્યું છે જે લવ, સેક્સ અને લગ્ન એ જુદી બાબતો છે. અને એમાંય જે પેઢી ટિન્ડર, બમ્બલ કે અસાઈલ કે પછી ગ્રાઈન્ડર જેવી ડેટિંગ સાઈટ્સનો ભરપૂર ઉપયોગ કરે છે એ પેઢીને માટે આ ત્રણેય બાબતોમાં ક્લિર રહેવું અત્યંત આવશ્યક છે.
અને જો આ પેઢી પાસે લગ્ન કે સેક્સની રિક્વાર્યમેન્ટ બાબતે ક્લેરિટી નહીં હોય તો એનાથી હાસ્યાસ્પદ બાબત બીજી કોઈ નહીં હોઈ શકે. કારણ કે આગલી પેઢી તો કોઈ પણ સંજોગમાં લગ્ન ચલાવી લેતી હતી. તેમની પાસે અમુક ધીરજ હતી, પરંતુ આ પેઢી પાસે જરાય ધીરજ નથી. એવામાં જો તેઓ જીવનસાથી શોધવામાં થાપ ખાઈ ગયા કે પછી જો તેઓ લગ્નનો પોતાનો પર્પઝ સમજ્યા વિના જ લગ્નમાં કૂદી પડ્યા તો તેમનું દુ:ખી થવું નક્કી છે.