આમચી મુંબઈટોપ ન્યૂઝ

જરાંગે ભૂખ હડતાળ પાછી ખેંચે: સર્વપક્ષી બેઠકમાં એકમતે ઠરાવ મંજૂર

મરાઠા અનામત માટે સરકારને જોઈતો સમય આપવા સહકાર કરવો એવો પણ નિર્ણય લેવાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મરાઠા સમાજને અનામત આપવા માટે બધાનો એકમત છે અને કાયદેસર બાબતો પૂરી કરીને ટકાઉ અનામત આપવા માટે રાજ્યના બધા જ પક્ષોએ એક થઈને કામ કરવાની તૈયારી દાખવી છે. રાજ્યમાં કોઈએ કાયદો અને વ્યવસ્થાને હાથમાં લેવો નહીં. રાજ્યની શાંતી તેમ જ કાયદો અને વ્યવસ્થા અબાધિત રાખવી એવી અપીલ બુધવારે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં આયોજિત સર્વપક્ષી બેઠકમાં કરવામાં આવી હતી. આ બધાના પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે મનોજ જરાંગે-પાટીલે પણ સહકાર આપવો જોઈએ અને પોતાની ભૂખ હડતાળ પાછી ખેંચવી જોઈએ એવી અપીલ કરનારો ઠરાવ સર્વપક્ષી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો.


આ ઠરાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મરાઠા અનામત માટે કાયદેસરની કાર્યવાહી શક્ય તેટલી વહેલી કરવી. આને માટે થોડો સમય આપવો આવશ્યક છે. આ વસ્તુ આંદોલનકારીઓએ સમજવાની આવશ્યકતા છે. રાજ્યમાં જે હિંસાના બનાવ બની રહ્યા છે. તે અયોગ્ય છે અને તેને માટે અમે તીવ્ર નાપસંદગી વ્યક્ત કરી રહ્યા છીએ. રાજ્યમાં કોઈએ કાયદો હાથમાં લેવો નહીં, એવી અપીલ આ બેઠકમાં એકમતે કરવામાં આવી હતી.


એકનાથ શિંદેએ આ બેઠકમાં એવી માહિતી આપી હતી કે મરાઠવાડા વિસ્તારમાં મરાઠા સમાજના લોકોને કુણબી પ્રમાણપત્ર આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરવા માટે સલાહકાર સમિતિ ગઠિત કરવામાં આવી છે અને બેકવર્ડ કમિશનને નવેસરથી ઈમ્પેરિકલ ડેટા એકઠો કરવા જણાવી દેવામાં આવ્યું છે.


તેમણે આ બેઠકમાં એમ પણ કહ્યું હતું કે મરાઠા આરક્ષણ આ પહેલાં સુપ્રીમ કોર્ટે જે કારણો અને ખામીને કારણે રદ કર્યું હતું તેમ જ જે નોંધ કરી હતી તે નવેસરથી ડેટા એકઠો કરતી વખતે ન રહે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

કોણ કોણ હાજર હતું?

એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શરદ પવાર, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, કેબિનેટ પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલ, ચંદ્રકાંત પાટીલ, છગન ભુજબળ, દિલીપ વળસે પાટીલ, ગિરીશ મહાજન, દાદાજી ભૂસે, વિધાન પરિષદના વિપક્ષી નેતા અંબાદાસ દાનવે, વિધાનસભાના વિપક્ષી નેતા વિજય વડેટ્ટીવાર, વિવિધ પક્ષના આમંત્રિતો જયંત પાટીલ, નાના પટોલે, સુનિલ તટકરે, અનિલ પરબ, સુનિલ પ્રભુ, આશિષ શેલાર, રાજેશ ટોપે, સદાભાઉ ખોત, જોગેન્દ્ર કવાડે, સુલેખા કુંભારે, બચ્ચુ કડુ, શેકાપના જયંત પાટીલ, રાજુ પાટીલ, કપિલ પાટીલ, રાજેન્દ્ર ગવઈ, ડો. પ્રશાંત ઈંગળે, કુમાર સુશીલ, બાળકૃષ્ણ લેંગરે વગેરે હાજર રહ્યા હતા. આ ઉપરાંત મુખ્ય સચિવ મનોજ સૌનિક, રાજ્યના એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફ, સામાજિક ન્યાય ખાતાના સચિવ સમંત ભાંગે પણ હાજર હતા.

કોને કોને આમંત્રણ નહોતું?

શિવસેના (ઉબાઠા)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે અને સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્ર અધ્યક્ષ અબુ આસિમ આઝમીને સર્વપક્ષી બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. અબુ આઝમીએ મુખ્ય પ્રધાનને નારાજગી વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો, જ્યારે બાળા નાંદગાંવકરે એવી ટીકા કરી હતી કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેને બોલાવ્યા હોત તો તેઓ પણ પોતાનો મત વ્યક્ત કરી શક્યા હોત.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત