બારમું નાપાસ વ્યક્તિનું સફળ જીવન: એક અનોખું ભણતર
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
આઈસ સ્કેટિંગની ટ્રેનિંગમાં સૌથી પહેલો પાઠ એ ભણાવવામાં આવે છે કે પડવું કેવી રીતે! સ્કેટિંગમાં લપસી પડવાનું અનિવાર્ય છે. બરફ પર પગ સ્થિર નથી રહેતા એટલા માટે જ તેમાંથી કસોટીયુક્ત રમત પેદા થઇ છે. ધુરંધર સ્કેટર્સ એ નથી બનતા જે ક્યારેય પડતા નથી, પણ જે પડીને તરત ઊભા થઇ જવામાં કુશળ હોય છે તે શ્રેષ્ઠ ખેલાડી બને છે. એટલા માટે નિષ્ફળતા અથવા ભૂલને ઠોકર તરીકે ઓળખવામાં આવે છે. ચાલવામાં ધ્યાન ન રાખો તો ઠોકર વાગી જાય. એમાંથી બીજી વાર પડી કેમ ન જવાય તેનું શીખવા મળે.
નિષ્ફળતાનો એક માત્ર માપદંડ એ હોવો જોઈએ કે હું તેમાંથી એવું તે શું શીખ્યો, જેનો ભવિષ્યમાં અમલ કરી શકાય. જો મને કશું શીખવા ના મળ્યું હોય, તો તેને નિષ્ફળતા ગણવી જોઈએ. પ્રગતિ એટલે શું? એક વ્યક્તિ તરીકે મારો સતત વિકાસ થતો રહે અને હું જે કરું છું તેમાં સતત સુધારો થતો રહે એનું નામ પ્રગતિ. નિષ્ફળતા અને સફળતા બંને જીવનનો હિસ્સો છે, પણ એમાં બે મહત્ત્વની વાત છે; એક, બીજી વારની નિષ્ફળતા પહેલીવારની નિષ્ફળતા જેવી ના હોવી જોઈએ, અને બે, દરેક નિષ્ફળતા બીજા લોકોની નિષ્ફળતા કરતાં મૌલિક હોવી જોઈએ.
ફિલ્મ નિર્માતા-નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની હમણાં એક નવી ફિલ્મ ટવેલ્થ ફેઈલ (બારમું નાપાસ) આવી છે. એક સાચી વાર્તા પર આધારિત આ ફિલ્મ છે, જે યુપીએસસી પ્રવેશ પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓના સંઘર્ષને દર્શાવે છે. જો કે, ફિલ્મ માત્ર પરીક્ષામાં પાસ થવા સુધી સીમિત નથી, તે લોકોને નિષ્ફળતામાં હાર ન માનવા અને ફરીથી પ્રયાસ કરવા પ્રેરણા આપે છે.
પરિંદા, મિશન કાશ્મીર, એકલવ્ય, અને શિકારા જેવી ફિલ્મો બનાવારા ચોપરાએ આ વખતે નોખો જ વિષય પકડ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં તે કહે છે કે આ ફિલ્મ માત્ર શિક્ષણ અથવા નાના શહેરો વિશે નથી-તે ક્યારેય હાર ન માનવા વિશે છે. તે સંબંધો વિશે પણ છે. આમ તો ફિલ્મ એક અસલી વાર્તા પર આધારિત છે, પરંતુ તેમાં વાસ્તવિક જીવનની અન્ય ઘણી બધી બાબતો પણ છે. તેમાં મારું જીવનનું પણ ઘણું છે. આ ફિલ્મ કાશ્મીરથી અહીં સુધીની મારી સફર વિશે છે. મેં મારો આત્મા વેચ્યા વિના આ બધું હાંસલ કર્યું છે. ફિલ્મનો સંદેશો એ જ છે-તમારે તમારો આત્મા વેચવાની જરૂર નથી.
ચોપરાએ આઈએએસ અધિકારી મોહન કુમાર શર્માના જીવન સંઘર્ષ આધારિત નવલકથા ટવેલ્થ ફેઈલ પરથી આ ફિલ્મનો પ્લોટ બનાવ્યો છે. મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાના રહેવાસી મનોજે બાળપણથી જ આઇએએસ અધિકારી બનવાનું સપનું જોયું હતું, પરંતુ ૧૨માં ધોરણ સુધી તો આ સપનું પૂરું થવાની શક્યતા દૂર દૂર સુધી નહોતી.
૯મા અને ૧૦મા ધોરણને ત્રીજા ડિવિઝનમાં પાસ કરનાર મનોજ ૧૨માં આવીને નાપાસ થઇ ગયો હતો. આવા નબળા છોકરાને યુપીએસસી જેવી મુશ્કેલ પરીક્ષા પાસ કરવાનો આત્મવિશ્ર્વાસ ક્યાંથી હોય? મનોજની વાર્તા એ આત્મવિશ્ર્વાસ કેળવવાની અને નિષ્ફળતામાંથી ઊભા થવાની છે.
મનોજે આ પુસ્તકમાં તેની આ વાર્તા વર્ણવી છે અને કહ્યું છે કે તેના અભ્યાસ દરમિયાન, તેને જીવનના ઘણા ચાલુ સંઘર્ષો સામે લડવું પડ્યું હતું. એમાં સૌથી મોટો પડકાર આર્થિક સંકટનો હતો. તેના માથા પર ઘરનું છત્ર પણ નહોતું અને ભિખારીઓ સાથે સૂવું પડ્યું હતું. આ સમય દરમિયાન, તેણે ગ્વાલિયરમાં ટેમ્પો ચલાવવાથી માંડીને દિલ્હીમાં પુસ્તકાલયના ચપરાસી સુધીનું કામ કર્યું હતું.
પુસ્તકાલયની એ નોકરી વખતે જ તેને ઘણા પ્રખ્યાત લેખકોના પુસ્તકો વાંચવા મળ્યાં હતાં અને તેમની ઘણી વાતો પર અમલ કર્યો હતો.
એમાં પ્રેમની પરેશાની પણ આવી હતી. મનોજ ૧૨મા ધોરણમાં ભણતો હતો, ત્યારે ક્લાસની એક છોકરી પર દિલ આવી ગયું હતું. મનોજ પહેલેથી જ ૧૨માં નાપાસ હતો અને તેને ડર હતો કે તેની નિષ્ફળતા જોઈને છોકરી તેના પ્રેમને નકારી દેશે. આ ડરને કારણે તે છોકરી સમક્ષ પ્રેમ વ્યક્ત કરી શક્યો ન હતો.
જો કે મનોજને પ્રેમમાં અને યુપીએસસી બંનેમાં પાસ થવું હતું. તમને રાહુલ રોય અને અનુ અગ્રવાલની ફિલ્મ આશિકીનું લોકપ્રિય ગીત યાદ હશે; મૈં દુનિયા ભૂલા દુંગા, તેરી ચાહત મેં. કંઇક અંશે મનોજે પણ પેલી છોકરીને એવું કહ્યું હતું; તું જો સાથ આપે તો દુનિયા બદલી નાખું. દુનિયાની તો ખબર નથી, પણ છોકરીનું દિલ અને મનોજનું નસીબ તો બદલાઈ ગયું. આજે એ છોકરી, શ્રદ્ધા, મનોજની પત્ની છે અને મનોજ આઇપીએએસ અધિકારી. શ્રદ્ધાની મદદથી જ મનોજે યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી.
તમને જો એવું લાગતું હોય કે તમે દુનિયાના સૌથી કમનસીબ ઇન્સાન છો, તમને લાગતું હોય કે તમે પરીક્ષામાં નાપાસ થઈને નાસીપાસ થઇ ગયા છો, તમને લાગતું હોય કે તમારામાં જીવનની ઠોકરો ખાવાની તાકાત નથી, તો તમારે આ પુસ્તક વાંચવા જેવું છે.
મનોજની સફર નિષ્ફળતા, ઠોકર અને કમનસીબીથી ભરેલી હતી, પરંતુ સમગ્ર સફર દરમિયાન, તેનું લક્ષ્ય સ્પષ્ટ હતું; આઈએએસ અધિકારી બનવું છે, અને તેના માટે તેણે મહેનત કરવામાંથી પાછું વળીને જોયું નહોતું. મનોજ નિષ્ફળ ગયો હતો અને ઊભો થયો હતો, ફરી નિષ્ફળ ગયો હતો અને ફરી ઊભો થયો. દરેક વખતે જ્યારે તે નિષ્ફળ થતો, ત્યારે તે તેની નિષ્ફળતાની પેટર્ન જોતો અને એમાંથી શીખતો હતો કે નિષ્ફળ કેમ ન જવાય.
જીવનને બહેતર બનાવવું હોય, તો ઘણા બધા ઉપાયોમાંથી એક છે, પીડિત માનસિકતામાંથી બહાર આવી જવાનું. તમારી સાથે જે કંઇ થઈ રહ્યું છે, તેમાં બીજા કોઈનો નહીં, માત્ર તમારો જ દોષ છે એવું તમે માનવા લાગો, અને તેની સંપૂર્ણ જવાબદારી ઉઠાવો, તો જીવન તત્કાળ બદલાઈ જાય. પોતાની સ્થિતિ માટે બીજા લોકોને દોષિત માનવા એ જવાબદારીઓથી ભાગવા માટેની ચાલાકી છે.
મોટાભાગની વિફળતાઓમાં આ માનસિકતા કારણભૂત હોય છે.
પોતાના જીવનની કમાન હાથમાં લેવાથી તમે જીવનને પાછી એ તાકાત બક્ષો છો, જે અત્યાર સુધી બીજા લોકો કે સંજોગોને આધિન હતી. પીડિત માનસિકતાને પંપાળ્યા કરવાથી લોકોની સહાનુભૂતિઓ તો મળતી રહેશે, પણ તેનાંથી જીવન બહેતર નહીં થાય, અને એક સીમા પર આવીને અંતત: આપણે જાતને એ પ્રશ્ર્ન તો પૂછવો પડશે: “જીવનમાં સહાનુભૂતિઓ મેળવતા રહેવું એ મારું ધ્યેય છે?
જીવનમાં બહુ બધી વખત નાસીપાસ થતા રહેવું પડે છે. નાસીપાસ થવું એ નિષ્ફળતા નથી, પણ અવરોધ છે. એ નિષ્ફળતા ત્યારે બની જાય, જ્યારે આપણે અવરોધની જવાબદારી સ્વીકારવાને બદલે, બીજા લોકોને તેના માટે દોષિત ઠેરવીએ. કોઇપણ પરિસ્થિતિમાં વ્યક્તિગત જવાબદારી લેવાનો અર્થ જ એ થાય છે કે આપણે આપણા દુ:ખ માટે બીજી વ્યક્તિને દોષ આપતા નથી.
એકવાર આપણે બીજાઓને દોષિત તરીકે જોવાનું શરૂ કરી દઈએ પછી તે ઉંદરના દરમાં ઊંડા ઉતરવા જેવું થાય. આપણે ખુશ રહેવા માટે થઈને બીજા લોકોને કંટ્રોલ કરવા લાગી જઈએ અને એમાં ઊંધા માથે પટકાતા જઈએ, કારણ કે લોકો આપણા સુખ કે સફળતા માટે ઉત્તરદાયી નથી. નિયમિત દુ:ખી રહેવાનો આ શોર્ટકટ છે. જવાબદારી હંમેશા ખુદથી જ શરૂ થાય છે. બહારના સંજોગો ગમે તેવા હોય, અંદર લાગણીઓનું વાતાવરણ સર્જવાની સંપૂર્ણ જવાબદારી આપણી પાસે છે.