ટૂંક સમયમાં મુંબઈની ઓળખમાં ઉમેરાશે એક મોટું શૂન્ય…
એમએમઆરડીએનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ…

મુંબઈ: દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈની ઓળખમાં ટૂંક સમયમાં જ એક મોટું મીંડુ ઉમેરાવા જઈ રહ્યું છે. જી હા, ડી એન નગરથી મંડાલેની મેટ્રો-2બી લાઈન પર એક સ્પેશિલ લેન્ડમાર્ક તરીકે આ મીંડુ એટલે કે ઝીરોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મળી રહેલી માહિતી પ્રમાણે મહાન ગણિતશાસ્ત્રી અને ઝીરોની શોધ કરનારા આર્યભટ્ટની યાદમાં આ મોન્યુમેન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
ડી એન નગરથી મંડાલે વચ્ચેની આ મેટ્રો 2-બીની લંબાઈ આશરે 23.5 કિલોમીટર હશે અને તે મુંબઈના પશ્ચિમ અને પૂર્વ પરાઓને જોડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. એક વખત આ મેટ્રો લાઈન શરૂ થઈ જશે એટલે અંધેરી-કુર્લા,ચેમ્બુર વચ્ચેનો પ્રવાસ સુખદ અને ઝડપી બની જશે, એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
એમએમઆરડીએ દ્વારા આ મેટ્રો લાઈનનું કામ કરવામાં આવી રહ્યું છે અને એમએમઆરડીએ દ્વારા રુટ પર એક ઝીરો બ્રીજ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. હકીકતમાં તો આ માળખું એક બ્રિજ હશે, પરંતુ તેને ઊંચાઈ પરથી જોવામાં આવતા તે મોટા ઝીરાનો આકારનું દેખાશે, એવી માહિતી એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે.
એમએમઆરડીએ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઝીરો એટલે કે શૂન્ય એ ભારત દ્વારા વિશ્વના ગણિત તથા ખગોળશાસ્ત્રને આપવામાં આવેલી મોટી અને ખૂબ જ મૂલ્યવાન ભેટ છે. મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટને અંજલિ આપવા માટે અને એન્જનિયરિંગ કૌશલ્ય તથા સાંસ્કૃતિક વારસાના જતનના ત્રિવણી સંગમરૂપે આ નવું ઝીરો બ્રિજ બનાવવામાં આવશે. આવનારા દિવસોમાં આ બ્રિજ મુંબઈની ઓળખ બની જશે, એવો વિશ્વાસ પણ અધિકારીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.
મીઠી નદી અને મેન્ગ્રોવ્ઝને પર કરવા માટે બ્રિજ બનાવવનું પ્લાનિંગ હતું અને એ પણ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર. અહીં થાંભલા ઊભા કરવાનું કામ બહુ મુશ્કેલ હતું અને એની સાથે સાથે બહુ લાંબા સ્પાન ધરાવતો બ્રિજ ઊભો કરવાનો હોવાથી નદીના કુદરતી પ્રવાહને અવરોધે નહીં તેવા બે વિશાળ ઊંચા થાંભલા બનાવવામાં આવશે. મીઠી નદી પર ૯૦ મીટરનો સ્પાન ધરાવતો આ કેબલ સ્ટેઈડ બ્રિજ કોંક્રીટ ડેક હશે અને તેના પર ઝીરોની સાઈઝનો સ્ટીલનો પાયલોન એટલે કે ઊંચા મીનારા જેવા થાંભલો રચાશે અને એને ઝીરોનો આકાર આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં અગાઉ બાન્દ્રા વરલી સી લિન્ક એ પહેલો કેબલ સ્ટેઈડ બ્રિજ બની ચૂક્યો છે અને ત્યાર બાદ હવે આ બીજો મોટો કેબલ સ્ટેઈડ બ્રીજ હશે. નોર્મલ બ્રિજની સરખામણીએ કેબલ સ્ટેઈડ બ્રિજમાં વિશિષ્ટ મટિરિયલ તેમ જ કોમ્પલિકેટેડ ડિઝાઈનને કારણે ખર્ચમાં પણ વધારો થાય છે. પરંતુ, આ ઝીરો આકારના બ્રિજને કારણે શહેરનાં સૌંદર્યમાં વૃદ્ધિ થશે અને શહેરના ટૂરિસ્ટ ડેસ્ટિનેશનમાં વધુ એક ડેસ્ટિનેશમાં ઉમેરાશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.