લાડકી

પ્રથમ મહિલા પદ્મભૂષણ એમ. એસ. સુબ્બુલક્ષ્મી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

સંગીતની રાણી, તપસ્વિની, સુસ્વરલક્ષ્મી, આઠમો સૂર અને ભારતનું બુલબુલ… આ પાંચેય વિશેષણો કોનાં નામ સાથે જોડાયેલાં એ જાણો છો?

એમનું નામ મદુરાઈ ષણ્મુખાવડિવુ સુબ્બુલક્ષ્મી. એમ. એસ. સુબ્બુલક્ષ્મી તરીકે જાણીતાં શાસ્ત્રીય સંગીતનાં પ્રખ્યાત ગાયિકા. ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ સુબ્બુલક્ષ્મીને સંગીતની રાણી કહીને બિરદાવેલાં. સ્વરસમ્રાજ્ઞી લતા મંગેશકરે સુબ્બુલક્ષ્મીને તપસ્વિની કહીને સંબોધ્યાં, ઉસ્તાદ બડે ગુલામ અલી ખાંએ એમને સુસ્વરલક્ષ્મી કહ્યાં અને કિશોરી આમોનકરે એમને આઠમો સૂર કહીને નવાજેલાં. હિન્દુસ્તાનના બુલબુલ તરીકે ઓળખાતાં સરોજિની નાયડુએ સ્વયં સુબ્બુલક્ષ્મીને ‘ભારતના બુલબુલ’નું બિરુદ આપેલું. તમિળવાસીઓ એમને કોકિલ ગાનમ કહીને આદર આપે છે. મહાત્મા ગાંધીજીએ પણ સુબ્બુલક્ષ્મીના કોકિલ કંઠની પ્રશંસા કરતા કહેલું કે, ‘બીજા કોઈનું પણ ગીત સાંભળવાને બદલે હું સુબ્બુલક્ષ્મીને સાંભળવાનું વધુ પસંદ કરીશ!’

આ સુબ્બુલક્ષ્મી શાસ્ત્રીય સંગીતની સાધના કરતાં કરતાં કર્ણાટક સંગીતનો પર્યાય બની ગયાં. સાત સૂરની આરાધના કરતાં કરતાં સુબ્બુલક્ષ્મી સ્વયં સંગીતનો આઠમો સૂર બની ગયાં. સંગીતસાધનાનાં સોપાન સુબ્બુલક્ષ્મીને શિખરે લઇ ગયાં. એમના મુકુટમાં મોરપીંછ ઉમેરાયું. ભારત સરકારે વર્ષ ૧૯૫૪માં પદ્મ પુરસ્કારોનો આરંભ કર્યો અને એમને કળાક્ષેત્રે પદ્મભૂષણથી સન્માનિત કર્યાં. પદ્મભૂષણ એ દેશનો તૃતીય સર્વોચ્ચ પુરસ્કાર ગણાય છે. કોઈ પણ ક્ષેત્રમાં જેમણે પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હોય એવાં પ્રથમ મહિલા સુબ્બુલક્ષ્મી જ છે! વર્ષ ૧૯૫૪માં પદ્મ પારિતોષિક, અને તેય તૃતીય સર્વોચ્ચ પુરસ્કાર પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હોય એવાં એક જ મહિલા હતાં. એ મહિલા એટલે સુબ્બુલક્ષ્મી!

સુબ્બુલક્ષ્મીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ મંદિરોના નગર મદુરાઈમાં થયો. તમિળનાડુના એક મંદિરમાં સુબ્બુલક્ષ્મીનો જન્મ થયો હોવાથી દેવનો પ્રસાદ ગણાઈ. દેવક્ધયાના રૂપમાં એમને બાળપણમાં ‘કુંજામ્મા’નું લાડકું સંબોધન કરાતું. પ્રખ્યાત મીનાક્ષી મંદિર નજીક જ એમનું ઘર આવેલું. કુંજામ્મામાં ભક્તિ સંગીતનાં સંસ્કારનું આ જ વાતાવરણમાં સિંચન થયું. ગાયનવાદન વચ્ચે એમનો ઉછેર થયો. માતા ષણ્મુખાવડિવુ દેવદાસી પરંપરામાંથી આવેલાં. વિખ્યાત વીણાવાદક હતાં. રંગમંચ પર નિયમિતપણે કાર્યક્રમો કરતાં. નાનીમા અક્કામ્મ્લ વાયોલિન વાદક હતાં. આમ સંગીતનો વારસો બાળ કુંજામ્માને ગળથૂથીમાં જ મળેલો.

કુંજામ્મા સુબ્બુલક્ષ્મીએ આ વારસો સાંગોપાંગ આત્મસાત કર્યો. સંગીતમય વાતાવરણમાં એમનો ઉછેર થયો. માતા અને નાનીમા પાસેથી પ્રાપ્ત થયેલી સંગીતની વિરાસતને એમણે આગળ વધારી. બાળપણથી જ એ કર્ણાટક સંગીતની સાધનામાં પરોવાઈ ગયાં. કરાઈકુડી સાંબશિવ અય્યર, મહાવરયાનેન્દલ સુબ્રમા ભગવતાર અને અરિયાકુડી રામાનુજ આયંગર જેવા મહારથીઓ સાથેના સંવાદને પગલે સુબ્બુલક્ષ્મીનો સંગીતપ્રેમ રાતે ન વધે એટલો દિવસે ને દિવસે ન વધે એટલો રાતે વધવા લાગ્યો. એમણે સેમ્મનગુડી શ્રીનિવાસ અય્યર પાસેથી કર્ણાટક સંગીતની દીક્ષા ગ્રહણ કરી.ભારતીય સંગીતમાં પંડિત નારાયણરાવ વ્યાસને ગુરુ બનાવ્યા.પ્રસિદ્ધ ગાયિકા સિદ્ધેશ્ર્વરીદેવી પાસેથી ઠુમરી શીખ્યાં. સંગીતની શિક્ષાદીક્ષા લીધા પછી સુબ્બુલક્ષ્મીએ માત્ર આઠ વર્ષની ઉંમરે કુંબકોણમના મહામહમ ઉત્સવમાં પહેલો સાર્વજનિક કાર્યક્રમ પ્રસ્તુત કરેલો. એ સાથે જ તેમના જાહેર કાર્યક્રમોનો દોર શરૂ થયો. ત્યાર બાદ સુબ્બુલક્ષ્મીના ભક્તિ સંગીતનું પહેલું આલ્બમ બહાર પડ્યું. એ સમયે સુબ્બુલક્ષ્મીની ઉંમર હતી ફક્ત દસ વર્ષ!

અગિયાર વર્ષની ઉંમરે, ૧૯૨૭માં સુબ્બુલક્ષ્મીએ તમિળનાડુ ખાતે તિરુચિરાપલ્લીના રોકફોર્ટ મંદિરમાં ભક્તિ સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કરેલો. ૨૭૩ ફૂટની ઊંચાઈએ આવેલા આ મંદિરના જે ખંડમાં કાર્યક્રમનું આયોજન કરાયેલું, તેમાં સો સ્તંભનું નિર્માણ થયેલું. ૧૯૨૯માં, તેર વર્ષની ઉંમરે સુબ્બુલક્ષ્મીએ મદ્રાસ સંગીત અકાદમીમાં ભક્તિ સંગીતનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો.અકાદમીમાં પસંદગીની પ્રક્રિયામાં સ્ત્રીઓ પ્રત્યેનું પક્ષપાતી વલણ જાણીતું હતું, પણ સુબ્બુલક્ષ્મીના કિસ્સામાં અકાદમીએ પરંપરાનો ભંગ કર્યો. મુખ્ય કલાકાર તરીકે તેમણે સુબ્બુલક્ષ્મીને નિમંત્રણ આપ્યું. આમ જેમાં પુરુષોનો દબદબો હતો તેવા સમયમાં સુબ્બુલક્ષ્મીએ આ ક્ષેત્રમાં સૂરીલો પ્રવેશ કર્યો. સુબ્બુલક્ષ્મીની સંગીતસફરમાં આ એક યશકલગી હતી!

સુબ્બુલક્ષ્મીની સંગીતસફર સડસડાટ આગળ વધી. એમણે મદ્રાસ સંગીત અકાદમીમાં પ્રવેશ મેળવ્યો. એમની માતૃભાષા ક્ધનડ હતી, પણ એમણે ક્ધનડ ઉપરાંત તમિળ, મલયાલમ, તેલુગુ, સંસ્કૃત, હિન્દી, બંગાળી અને ગુજરાતી ભાષામાં પણ ગીતો ગાયાં. ગાંધીજીના પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ગાતાં ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ જતા. સુબ્બુલક્ષ્મીનાં પ્રખ્યાત ભજનોમાં મીનાક્ષી પંચરત્નમ, હનુમાનચાલીસા, ભજગોવિંદમ, વિષ્ણુ સહસ્રનામ, વેંકટેશ્ર્વર સુપ્રભાતમ અને મીરાંબાઈનાં ભજનોનો સમાવેશ થાય છે. ગાંધીજી કહેતા કે, સુબ્બુલક્ષ્મી મીરાંબાઈનું ભજન ‘હરિ, તુમ હરો જન કી પીર’ ગાવાને બદલે, માત્ર એના બોલ બોલે તો પણ એ અત્યંત સૂરીલું લાગશે.

સુબ્બુલક્ષ્મીએ સંગીતની સાથે જ અભિનય ક્ષેત્રે પણ મંડાણ કરેલું. એમણે ૨ મે, ૧૯૩૮ના પ્રદર્શિત થયેલી ‘સેવાસદનમ’ ફિલ્મથી અભિનયમાં પગરણ કર્યા. ફિલ્મ મહાન સાહિત્યકાર પ્રેમચંદ લિખિત ‘બઝારે હુસ્ન’ પર આધારિત હતી. એ પછી. ૧૯૪૦માં ‘શાકુંતલ’માં શકુંતલાનું પાત્ર ફિલ્મી પરદે ઉપસાવ્યું. ૧૯૪૧માં ‘સાવિત્રી’ ફિલ્મમાં નારદ મુનિનું પાત્ર ભજવ્યું. ૧૯૪૫માં એમની ફિલ્મ ‘ભક્ત મીરાં’ આવી. આ ફિલ્મમાં સુબ્બુલક્ષ્મી નાયિકા પણ હતાં અને ગાયિકા પણ, પરંતુ આ ફિલ્મો કર્યા પછી સુબ્બુલક્ષ્મીને સમજાયું કે પોતાનો ઝુકાવ સંગીત પ્રત્યે જ છે. એથી એમણે ફિલ્મોને તિલાંજલિ આપી અને સંગીતને ગળે લગાડ્યું.

સંગીતની આ સફર દરમિયાન સુબ્બુલક્ષ્મીને જીવનસફર પણ મળી ગયેલો. ૧૯૩૬માં સુબ્બુલક્ષ્મી સ્વતંત્રતા સેનાની સદાશિવમને મળ્યાં. ચાર વર્ષ બાદ ૧૯૪૦માં બન્નેએ પ્રભુતામાં પગલાં પાડ્યાં. લોઢાને પારસમણિ સ્પર્શે તો સુવર્ણ બની જાય, પણ પારસને પારસ સ્પર્શે ત્યારે થાય એવી અસર સુબ્બુલક્ષ્મીના સંગીત પર સદાશિવમની થઇ. સામાન્યપણે પુરુષને પ્રતિભાશાળી પત્ની ખટકતી હોય છે, પણ સદાશિવમે સુબ્બુલક્ષ્મીની પ્રગતિમાં ઊંડો રસ લીધો. સુબ્બુલક્ષ્મીના સંગીતને ઘરની ચાર દીવાલોમાં કુંઠિત કરવાને બદલે એને દુનિયા સમક્ષ મૂક્યું. કર્ણાટક સંગીતને દેશદુનિયામાં ગુંજતું કર્યું. સુબ્બુલક્ષ્મીની ખ્યાતિ ફૂલની સુગંધ પેઠે દૂરસુદૂર પ્રસરે એ માટે સદાશિવમે તમામ પ્રયત્નો કર્યા. સુબ્બુલક્ષ્મી ઉત્તમ ગાયિકા હતાં જ, સદાશિવમની છત્રછાયામાં સર્વોત્તમ ગાયિકા બન્યાં. સફળ સ્ત્રી પાછળનો પુરુષ બન્યા. સુબ્બુલક્ષ્મીએ પોતે સ્વીકાર્યું છે કે, પતિના માર્ગદર્શન અને સાથ સહકાર વિના હું જે સ્થાને છું ત્યાં ન જ પહોંચી હોત…!

એ સ્થાન કાંઈ જેવું તેવું નહોતું. સફળતાની સીડી ચડીને એ સ્થાને પહોંચવું એ તો કેટલાયનું સ્વપ્ન હોય છે. એ સ્થાને પહોંચેલાં સુબ્બુલક્ષ્મી સાથે કેટલાક પ્રથમ પણ જોડાયાં. પહેલું પ્રથમ એ કે પદ્મભૂષણ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં. એ પછી સુબ્બુલક્ષ્મીને ૧૯૬૩માં એડનબરોમાં આયોજિત વિશ્ર્વ સંગીત સમારોહમાં પહેલીવાર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. ૧૯૬૬માં સંયુક્ત રાષ્ટ્રસંઘની સભામાં સંગીત કાર્યક્રમ પ્રસ્તુત કરનાર એ પ્રથમ ભારતીય બન્યાં. ૧૯૬૯માં રામેશ્ર્વર સ્થિત રામાસ્વામી મંદિરની પ્રત્યેક મૂર્તિ સમક્ષ ભજન ગાયાં. ૧૯૭૪માં રેમન મેગ્સેસે પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય સંગીતજ્ઞ બન્યાં. ૧૯૮૨માં લંડનમાં રોયલ આલ્બર્ટ હોલમાં કાર્યક્રમ કર્યો. ૧૯૯૮માં એમને દેશના પ્રથમ સર્વોચ્ચ પુરસ્કાર ભારતરત્નથી નવાજવામાં આવ્યાં. સંગીત ક્ષેત્રમાં ભારતરત્ન પ્રાપ્ત કરનાર એ પ્રથમ મહિલા બન્યાં.

આટઆટલા પુરસ્કારોથી વિભૂષિત સુબ્બુલક્ષ્મી નામનો સંગીતનો સિતારો ૧૧ ડિસેમ્બર, ૨૦૦૪ના ખરી પડ્યો. એમણે ફાની દુનિયાને અલવિદા કરી, પણ સંગીતપ્રેમીઓનાં હૃદયમાં એમનાં સૂર કાયમ ગુંજતા રહેશે! એટલું જ નહીં, પ્રથમ સર્વોચ્ચ સન્માન, દ્વિતીય સર્વોચ્ચ સન્માન અને તૃતીય સર્વોચ્ચ સન્માનથી પુરસ્કૃત એકમાત્ર મહિલા તરીકે પણ એમનું નામ સદાય આદરથી લેવાશે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button