હવે પેટ્રોલ પંપ પર UPI વડે પેમેન્ટ નહીં થઇ શકે; આ કારણે લેવામાં આવ્યો નિર્ણય

મુંબઈ: ભારત સરકારે વર્ષ 2016માં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) શરુ કર્યા બાદ ડિજીટલ પેમેન્ટ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. UPIને કારણે સામાન્ય માણસના જીવનમાં મોટો બદલાવ આવ્યો છે, લગભગ દરેક દુકાનમાં UPI પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. હવે ડીજીટલ પેમેન્ટ પર વધુ આધાર રાખતા લોકોને થોડી તકલીફ સહન કરવી પડી શકે છે. અહેવાલ મુજબ આજે 10 મેથી ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ પર UPI, કાર્ડ પેમેન્ટ અને અન્ય ડિજિટલ ટ્રાન્ઝેક્શન સ્વીકારવામાં નહીં આવે.
ડિજિટલ પેમેન્ટ દ્વારા વધતી જતી સાયબર ફ્રોડની ઘટનાને કારણે, દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ માલિકો અને સંસ્થાઓએ ડિજિટલ માધ્યમથી પેમેન્ટ ન સ્વીકારવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: પેટ્રોલ પંપ પર જાવ ત્યારે માત્ર 0 જ નહીં પણ આ વાતનું પણ રાખો ખાસ ધ્યાન, નહીંતર…
તાજેતરમાં, વિદર્ભ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને એક અખબારને જણાવ્યું હતું કે સાયબર ફ્રોડના વધતા જતા કેસોને કારણે, પેટ્રોલ પંપ માલિકોને ઘણી સમસ્યાઓ ભોગવવી પડી રહી છે. તેમને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. ફ્રોડ કરનારા લોકોના કાર્ડ અથવા નેટ બેંકિંગ હેક કરે છે અને તેનો ઉપયોગ કરીને પેમેન્ટ કરે છે. પછી જ્યારે કોઈ આ બાબતે ફરિયાદ કરે છે, ત્યારે પોલીસ ટ્રાન્ઝેક્શન રદ કરાવે છે.
ફેડરેશન ઓફ ઓલ મહારાષ્ટ્ર પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનું કહેવું છે કે આવા સાયબર ફ્રોડને કારણે ઘણા પેટ્રોલ પંપ માલિકોના બેંક અકાઉન્ટ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયા છે. આના કારણે, એક તરફ તેમને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ બાકીનું પેમેન્ટ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
હાલમાં, આ નિર્ણય મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જો સાયબર ફ્રોડપર નિયંત્રણ ન રાખવામાં આવે તો તેને દેશભરમાં લાગુ કરવામાં આવી શકે છે.