અમદાવાદ

ભારત-પાક. તણાવ વચ્ચે આવતીકાલે નિર્ધારીત સમયે યોજાશે GPSC પરીક્ષા, હસમુખ પટેલે આપી માહિતી

અમદાવાદઃ ભારત – પાકિસ્તાન તણાવ વચ્ચે કેટલીક પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. GPSC પરીક્ષાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે આપી માહિતી પ્રમાણે, જીપીએસસી દ્વારા લેવાનારી પરીક્ષા યથાવત રહેશે.

જીપીએસસી દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, આયોગની વેબસાઈટ પર જાહેર કર્યા મુજબ, મદદનીશ પર્યાવરણ ઈજનેર વર્ગ -2ની આવતીકાલે 11-05-2025ના રોજ સવારે 11 થી 1 કલાકે યોજાનારી પેપર-1 (ભાગ-2, સંબંધિત વિષય)ની પરીક્ષા યથાવત રાખવામાં આવે છે. આ બાબતે અન્ય કોઈ સૂચના હશે તો આયોગની વેબસાઇટ અને આયોગના અન્ય ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવશે.

આ પરીક્ષાઓ કરવામાં આવી છે સ્થગિત

ડીવાયએસઓ અને બેલીફની પરીક્ષાઃ રવિવારે હાઇ કોર્ટ દ્વારા લેવાનારી ડીવાયએસઓ અને બેલીફની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. આ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ વર્તમાન સ્થિતિને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને નવું શિડ્યૂલ સ્થિતિ થાળે પડ્યા બાદ સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવશે. કોઈપણ પ્રકારની મૂંઝવણ કે માહિતી માટે હેલ્પલાઈન નંબર તથા સત્તાવાર વેબસાઈટ ચેક કરવા જણાવ્યું છે.

આઈસીએઆઈ સીએ ફાઈનલઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ CA મે 2025ના બાકીના કેટલાક પેપર્સ હાલ પૂરતી મોકૂફ રાખ્યા છે. આમાં CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC)ની ઇન્ટરનેશનલ ટેક્સેશન-એસેસમેન્ટ ટેસ્ટ (INTT AT) નો સમાવેશ થાય છે. એક સત્તાવાર નિવેદનમાં, ICAI એ જણાવ્યું છે કે દેશમાં તણાવપૂર્ણ અને સુરક્ષા સંબંધિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મે 2025 માં યોજાનારી CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને પોસ્ટ ક્વોલિફિકેશન કોર્સ (PQC) ઇન ઇન્ટરનેશનલ ટેક્સેશન (INTT AT) ની બાકી રહેલી કેટલીક પરીક્ષાઓ જે 9 થી 14 મે દરમિયાન યોજાવાની હતી, તેને મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ મોકૂફ રાખવાની જાહેરાત કરતા, ICAI એ જણાવ્યું હતું કે નવી તારીખો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ICAI વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત નવી તારીખો જાણવા માટે સત્તાવાર વેબસાઇટ www.icai.org પર નજર રાખવાની સલાહ આપી છે.

હિમાચલ પ્રદેશ કોમન એંટ્રેસ ટેસ્ટઃ ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે હિમાચલ પ્રદેશ ટેકનોલોજી યુનિવર્સિટી તરફથી 10 અને 11 મેના રોજ આયોજીત કોમન એંટ્રેસ ટેસ્ટ (એચપીસીઈટી 2025)ને આગામી આદેશ સુધી સ્થગિત કરવામાં આવી છે.

અંડર ગ્રેજ્યુએટ કોમન એંટ્રેસ ટેસ્ટઃ કર્ણાટકમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને ડેંટલ કોલેજમાં એડમિશન માટે 12 શહેરોમાં અંડર ગ્રેજ્યુએટ કોમને એંટ્રેસ ટેસ્ટ 2025ને સ્થગિત કરી દેવામાં આવી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો અનુસાર શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્દેશ કર્યો છે. આથી તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા સ્થગિત કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે. નવી તારીખ સ્થિતિ સામાન્ય થયા બાદ જાહેર કરવામાં આવશે.

હરિયાણા લોક સેવા આયોગઃ હરિયાણામાં 11 મેના રોજ યોજાનારી હરિયાણા લોક સેવા આયોગની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તાના કહેવા પ્રમાણે, કોલેજ કેડેરમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે આ પરીક્ષા લેવામાં આવનારી હતી.

આ પણ વાંચો…ગુજરાત સહિત દેશમાં આ પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button