ટોપ ન્યૂઝરાજકોટ

પાકિસ્તાન અવળચંડાઈ ચાલુ રાખશે તો યુદ્ધ નિશ્ચિતઃ વિજય રૂપાણી

રાજકોટઃ ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ દરમિયાન ગુજરાતમાં બોર્ડર વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે. રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું, પાકિસ્તાનની કોઈ હેસિયત નથી, પરંતુ તેની અવળચંડાઈને આપણે જાણીએ છીએ. પાકિસ્તાન આતંકીઓને આશરો આપે છે તે વાત સાબિત થઈ ચૂકી છે. આતંકીઓનાં જનાજાની સાથે પાકિસ્તાનની સેનાનાં લોકો અને પાકિસ્તાની ધ્વજ સાથે અન્ય લોકો જોડાયા હતા. આતંકીઓને પાકિસ્તાની ધ્વજ પહેરાવીને શહીદ ગણાવ્યા હતા જે સાબિત કરે છે કે પાકિસ્તાન આતંકને પોષે છે. ત્યારે જે પરિસ્થિતિ ઉભી થાય તેનો સાથે મળી સામનો કરવા આપણે સૌએ તૈયાર રહેવું જોઈએ.

આ ઉપરાંત તેમણે કહ્યું, પાકિસ્તાનને એની હરકતો ભારે પડશે, હવેનું નવું ભારત જડબાતોડ જવાબ આપશે. ગુજરાતમાં કચ્છની સાથે બનાસકાંઠા અને પાટણ જેવા શહેરો બોર્ડર નજીક હોવાથી ત્યાં વધુ સાવધાની રાખવી જોઈએ. આ સિવાય જામનગર અને નવલખી તેમજ સોમનાથ સમુદ્ર માર્ગે પાકિસ્તાન નજીક હોવાથી ત્યાં પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ભૂતકાળની લડાઈઓમાં આપણે જોયું છે કે, કચ્છનું ખમીર અલગ જ હોય છે. બનાસકાંઠાનાં લોકો પણ પાછળ રહેતા નથી. આગામી સમયમાં યુદ્ધની સ્થિતિ ઉભી થાય તો આ બધા લોકોએ ખમીર બતાવવું પડશે.

ગુજરાતનાં પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એમ પણ કહ્યું કે, આપણે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. ઓપરેશન સિંદુર હજુ ચાલુ છે. હાલ શું સ્થિતિ છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ લશ્કરનાં વડાઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન સહિતનાઓ વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. આવતીકાલે શું થાય એ ખબર નથી. પણ થાય તો આપણે ઊંઘતા ન ઝડપાઇ તેનું ધ્યાન રાખવું એ જરૂરી છે.

ભારતીય સેના ઉપરાંત ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓ આ બાબતે તૈયારી કરી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે. યુદ્ધ તો સેનાનાં જવાનો લડતા હોય છે, પરંતુ તેઓનું મનોબળ વધારવું અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું એ પ્રજાનું કામ છે. અત્યારે કોઈ આંતરિક મતભેદ હોવા જોઈએ નહીં. પાકિસ્તાને બે દિવસ દરમિયાન 400-500 ડ્રોન મોકલ્યા હતા તેને ભારતીય સેનાએ તોડી પાડ્યા છે. પાકિસ્તાન આવી અવળચંડાઈ ચાલુ રાખશે તો યુદ્ધ નિશ્ચિત છે.

આ પણ વાંચો…ભારતીય સેનાએ કહ્યું, પાકિસ્તાનના એરબેઝ અને હથિયાર ભંડારને તબાહ કર્યા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button