એકસ્ટ્રા અફેર : ભારત પાકિસ્તાનના ભુક્કા બોલાવી દેવા સક્ષમ

- ભરત ભારદ્વાજ
ભારતે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા કરેલી લશ્કરી કાર્યવાહી સામે પાકિસ્તાને અપેક્ષા પ્રમાણેનું જ રીએક્શન આપ્યું છે. ભારતે પાકિસ્તાનની આર્મી પર હુમલો નહોતો કર્યો પણ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) અને પંજાબમાં આવેલી આતંકવાદી છાવણીઓ પર હુમલો કરેલો પણ પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પાકિસ્તાન આર્મી જ ચલાવે છે તેથી આર્મી તેનો જવાબ આપવા કૂદી પડી છે. એક તરફ જમ્મુ અને કાશ્મીરના પૂંચ સેક્ટરમાં પાકિસ્તાનનો જોરદાર તોપમારો ચાલુ છે તો બીજી તરફ પાકિસ્તાને ભારત પર મિસાઈલ પણ છોડવા માંડ્યાં છે. ભારતમાં પાકિસ્તાનના દલાલો મારફતે નાનાં નાનાં છમકલાં પણ ચાલુ જ છે તેથી ભારત અત્યારે પાકિસ્તાન સામે ત્રણ મોરચે લડી રહ્યું છે.
ભારતે તેની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ભારતની સરકાર અને લશ્કર પાકિસ્તાનને પહોંચી વળવા પૂરેપૂરું સક્ષમ છે. ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે) જ નહીં પણ છેક પંજાબ પ્રાંત લગી ઘૂસીને આતંકવાદીઓના ભુક્કા બોલાવીને પોતે શું કરી શકે છે તેનો પરચો આપી દીધો છે. પાકિસ્તાન સામે ફુલ ફ્લેજ્ડ વોર થાય તો પણ ભારત પાકિસ્તાનનો ખાતમો કરવા સક્ષમ છે તેથી પાકિસ્તાન ત્રણ મોરચે આક્રમણ કરે કે પાંચ મોરચે કરે, ભારતીયોને તેનાથી ફરક પડતો નથી પણ આ હુમલા પાકિસ્તાનની હલકી માનસિકતાનો વધુ એક પુરાવો છે. પાકિસ્તાનને ભારતમાં અશાંતિ ઊભી કરવામાં અને ભારતીયોનાં લોહીથી હાથ રંગવાની વિકૃતિ પોષવામાં મજા આવે છે તેનો આ પુરાવો છે.
પાકિસ્તાને આ નીચ માનસિકતા છતી કરીને પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી તરત પૂંચમાં તોપમારો શરૂ કરી દીધેલો પણ ભારતના હુમલા પછી તોપમારો તીવ્ર બનાવી દીધો છે. પાકિસ્તાન પૂંચ પર તોપમારો કરી રહ્યું છે કારણ કે પૂંચ તેમની રેન્જમાં છે. પૂંચ લાઈન ઓફ કંટ્રોલ (એલઓસી)થી માંડ 10 કિલોમીટર દૂર છે તેથી પાકિસ્તાન માટે સૌથી નજીકનું ટાર્ગેટ છે તેથી પાકિસ્તાન પૂંચને તબાહ કરવા મચી પડ્યું છે. આ તોપમારામાં આખું પૂંચ શહેર તબાહ થઈ ગયું છે અને વીસેક લોકોનાં મોત થયાં છે. પાકિસ્તાની તોપમારો તીવ્ર બન્યો પછી લોકો ઘર છોડીને સલામત સ્થળે જવા માંડ્યાં છે તેથી હવે પછી મૃત્યુ નહીં થાય પણ આર્થિક નુકસાન તો થશે જ.
પાકિસ્તાન તોપમારાની આડમાં આતંકવાદીઓને ઘુસાડવા માટે પણ મથી રહ્યું છે તેનું કારણ હાજીપીર પાસ પર તેનો કબજો છે. હાજીપીર પાસ પાકિસ્તાન પાસે છે તેનું કારણ લાલબહાદુર શાસ્ત્રીએ કરેલી ભૂલ છે. હાજીપીર પાસ પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં આવેલો પર્વતીય માર્ગ છે અને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનું છે. હાજીપીર પાસ ઉરીને પીર પંજાલ શ્રેણીની દક્ષિણે પૂંચ સાથે જોડે છે. લાલબહાદુર શાસ્ત્રીએ હાજીપીર પાસ પાકિસ્તાનને સોંપ્યો ન હોત તો ભારતનો હાથ ઉપર રહ્યો હોત.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: કાશ્મીર-પંજાબના આતંકવાદ માટે પણ અમેરિકા જવાબદાર?
1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતે હાજીપીર પાસ કબજે કરી લીધો હતો પણ જાન્યુઆરી 1966 માં તાશ્કંદમાં પાકિસ્તાન સાથે સમાધાન પછી લાલબહાદુર શાસ્ત્રીએ હાજીપીર પાસ પાકિસ્તાનને આપી દીધો હતો. ભારતે પાકિસ્તાનને વ્યૂહાત્મક હાજીપીર પાસ પાછો ન આપ્યો હોત તો પરિસ્થિતિ અલગ હોત. હાજીપીર પાસ ભારત પાસે હોત તો પીઓકે ભારતની સીધી રેન્જમાં હોત અને ભારતમાં ઘૂસી રહેલા આતંકવાદીઓને સીધું ટાર્ગેટ કરી શકાયું હોત. હવે હાજીપીર પાસનો ઉપયોગ આતંકવાદીઓને ધકેલવા માટે થઈ રહ્યો છે.
ભારત માટે એક પડકાર આ આતંકવાદીઓને રોકવાનો છે અને સાથે સાથે પોતાના નાગરિકોને સુરક્ષિત રાખવાનો પણ છે. અત્યારે દેશ માટે પ્રાયોરિટી સુરક્ષા અને આતંકવાદ સામેની લડાઈ છે. પાકિસ્તાને જે રીતે ભારતના હુમલાનો જવાબ આપ્યો તેના પરથી સ્પષ્ટ છે કે, પાકિસ્તાન આતંકવાદને છોડી શકે તેમ નથી ને ચૂપ પણ બેસી શકે તેમ નથી. પાકિસ્તાન આતંકવાદીઓને ઘુસાડી રહ્યું છે ને આતંકવાદી પ્રવૃત્તિઓ પણ વધારી રહ્યું છે. તેના કારણે પંજાબમાં બ્લાસ્ટ થયા.
સદનસીબે બ્લાસ્ટમાં કોઈ જાનહાનિ ન થઈ કે કોઈ નુકસાન ના થયું પણ રાજ્યોએ વધારે સક્રિય થવું પડશે તેનો આ સંકેત છે. આંતરિક સુરક્ષા રાજ્ય સરકારની જવાબદારી છે અને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પક્ષોની સરકારો છે. આ સરકારોએ રાજકીય મતભેદોને બાજુ પર મૂકીને એક દેશ તરીકે વર્તવું પડશે. ઈન્ટેલિજન્સની આપ-લેથી માંડીને તેના પર ત્વરિત કાર્યવાહી સુધીનાં પગલાં સુધીનું બધું કરવું પડશે.
પાકિસ્તાન આર્મી પણ મચી પડેલું છે અને ડ્રોન તથા મિસાઈલમારો કરી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં ભારતે પાકિસ્તાનની 12 મિસાઈલ તોડી પાડી છે. ભારતના આતંકવાદી કેમ્પ પરના હુમલા પછી પંજાબમાં ત્રણ વાર પાકિસ્તાને હુમલો કર્યો છે. અમૃતસર, ગુરદાસપુર સહિતના પંજાબના વિસ્તારો ઉપરાંત રાજસ્થાનમાં પણ પાકિસ્તાનનાં મિસાઈલ-ડ્રોનથી હુમલા થયા છે. ભારત દ્વારા આ મિસાઈલ-ડ્રોન તોડી પડાયાં તેથી કોઈ નુકસાન થયું નથી પણ હુમલા વધે તો નુકસાન પણ થઈ શકે છે એ જોતાં ભારતના નાગરિકોએ અત્યારથી શિસ્ત બતાવવી પડે. મોક ડ્રિલ વખતે લોકો કોઈ તમાશો ચાલતો હોય એ રીતે વર્તતા હતા એવું નહીં ચાલે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર: પાકિસ્તાન સામે કાર્યવાહીનો નિર્ણય આર્મી નહીં, સરકારે લેવો જોઈએ…
પાકિસ્તાને ભારતમાં ઘૂસીને હુમલા કરવાનાં હવાતિયાં પણ શરૂ કર્યાં છે. પાકિસ્તાન દ્વારા પંજાબના પઠાણકોટમાં ઈન્ડિયન એરફોર્સના એરબેઝને નિશાન બનાવીને હુમલો કરાયો હતો. ઈન્ડિયન એરફોર્સ સતર્ક છે તેથી પઠાણકોટમાં પાકિસ્તાની જેટને તોડી પાડવામાં આવ્યું પણ ભવિષ્યમાં આ પ્રકારના હુમલા વધી શકે છે. એ વખતે લોકોએ મોક ડ્રિલમાં શીખવેલા પાઠનો અમલ કરીને શિસ્ત બતાવવી પડે.
ટૂંકમાં ભારત અને પાકિસ્તાન હવે વોર ઝોનમાં પ્રવેશી ચૂક્યાં છે. ઈઝરાયલ વરસોથી તેના પાડોશી દેશોના હુમલાઓનો સામનો કરે છે એવી સ્થિતિ ભારતમાં પણ પેદા થઈ ગઈ છે. ભવિષ્યમાં બાંગ્લાદેશ અને ચીન પણ ભારત સામેના હુમલામાં સામેલ થઈ શકે છે એ જોતાં ભારતે વધારે વિકટ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે.
ભારતના મોટા ભાગના વિસ્તારો આ પ્રકારની જિંદગીથી ટેવાયેલા નથી પણ હવે ટેવાવું પડશે કેમ કે આ લડાઈ લાંબી ચાલવાની છે. સરકાર કે લશ્કર બધું ના કરી શકે, થોડીક ફરજો નાગરિકોએ પણ બજાવવી પડે. ભારત કે પાકિસ્તાન બંનેમાંથી કોઈ એક ઘા ને બે કટકા કરીને ટંટાનો અંત લાવી શકે તેમ નથી કેમ કે બંનેમાંથી કોઈને એ પરવડે તેમ નથી. બીજી તરફ પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈને કે પાકિસ્તાનના શાસકોને પણ ભારત સામેની લડાઈ છોડવી પરવડે તેમ નથી કેમ કે તેમનું અસ્તિત્વ તેના પર જ ટકેલું છે. આ સંજોગોમાં લડાઈ લાંબી ચાલશે તેથી લોકોએ માનસિક સજ્જતા કેળવવી પડશે ને નુકસાન વેઠવાની તૈયારી પણ રાખવી પડશે. ખાલી સોશિયલ મીડિયા પર દેશપ્રેમ બતાવવાના દિવસો હવે જતા રહ્યા છે.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : હિંદુઓની એકતા અને મરદાના મિજાજ આતંકવાદનો ખાતમો કરી શકે