શેર બજાર

નાપાક પાડોશી દેશને ભારતના જડબાતોડ જવાબ વચ્ચે સાવચેતીના માનસને કારણે શૅરબજારમાં પીછેહઠ

મુંબઇ: ભારતે કાયર અને ઘાતકી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હોવા છતાં સરહદી લશ્કરી અથડામણોમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી સાવચેતીના માનસ વચ્ચે વેચવાલીનું દબાણ વધી જતાં સેન્સેક્સ અને નિફ્ટીએક ટકાથી વધુ તૂટ્યા હતા.

સેન્સેક્સ 880.34 પોઈન્ટ અથવા 1.10 ટકા ઘટીને 79,454.47 પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. જ્યારે નિફ્ટી 265.80 પોઈન્ટ અથવા 1.10 ટકા ઘટીને 24,008 પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો. બજારમાં મોટાભાગે રેન્જબાઉન્ડ ટે્રડિગ રહ્યું હતું. આ સપ્તાહ દરમિયાન, સેન્સેક્સ અને નિફ્ટી એક ટકાથી વધુ ઘટ્યા છે. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ફ્લેટ બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ 0.3 ટકા ઘટ્યો હતો.

સેન્સેક્સમાં આઇસીઆઇસીઆઇ બેન્ક, પાવર ગ્રઈડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બજાજ ફિનસર્વ, અદાણી પોર્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તથા એનટીપીસી ટોપ લૂઝર્સ હતા. સારા પરિણામને કારણે ટાઇટન કંપનીમાં ચાર ટકાનો અને લાર્સન એન્ડ ટૂબ્રોમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
અન્ય ટોપ ગેનર્સમાં ટાટા મોટર, સ્ટેટ બેન્ક અને એશિયન પેઇન્ટનો સમાવેશ હતો. જ્યારે નિફ્ટીમાં આઇસીઆઇસીઆઇ બેંક, પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ મુખ્ય ઘટનારા શેરોમાં સામેલ હતા, જ્યારે ટાઇટન કંપની, ટાટા મોટર્સ, લાર્સન એન્ડ ટૂબ્રો, ભારત ઇલેક્ટ્રોનિક્સ, હીરો મોટોકોર્પ ટોપ ગેઇનર્સમાં સામેલ હતી. પારસ ડિફેન્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ઝેન ટેક્નોલોજીસ સહિતના સંરક્ષણ શેર બથી આઠ ટકા વધ્યા હતા.

જાહેર ક્ષેત્રની યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો માર્ચ ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 50 ટકા વધીને રૂ. 4,985 કરોડ નોંધાયેો છે. બેંકે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 3,311 કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો હતો. આ ક્વાર્ટરમાં કુલ આવક વધીને રૂ. 33,254 કરોડ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં રૂ. 31,058 કરોડના સ્તરે હતી. ડિરેક્ટર બોર્ડે શેરદીઠ રૂ. 4.75ના ડિવિડંડની ભલામણ કરી છે. એલએન્ડટીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ માર્ચ ક્વાર્ટરમાં 25 ટકા વધીને રૂ. 5497 કરોડ નોંધાયો છે, જ્યારે ટાઇટનનો કોન્સોલિડેટેડ પ્રોફિટ 13 ટકા વધીને 871 કરોડ નોંધાયો છે. બ્રિટાનીયાનો ચોથા ક્વાર્ટરનો નફો 4.2 ટકા વધીને રૂ. 559.13 કરોડ નોંધાયો છે. રવિ ઇન્ફ્રાએ ડીએરએચપી જમા કરાવ્યું છે.

આ પણ વાંચો…ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ…

બ્લો મોલ્ડેડ અને ઇન્જેક્શન મોલ્ડેડ ઉત્પાદનોના અગ્રણી વૈશ્વિક ઉત્પાદકોમાંની એક મિત્સુ કેમ પ્લાસ્ટ લિમિટેડે નાણાકીય વર્ષ 2025 ના ચોથા ક્વાર્ટરમાં 9.64 ટકાના વધારા સાથે રૂ. 90.51 કરોડની કુલ આવક, 9.39 ટકાની વાર્ષિક વૃદ્ધિ સાથે રૂ. 8.23 કરોડનો એબિટા, 25.11 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 3.54 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ઝાઇડસને જેનેરિક ડ્રગ્સ માટે યુએસએફડીએ મંજૂરી મળી છે. પ્રિસિઝન ઔદ્યોગિક કાસ્ટિંગના અગ્રણી ઉત્પાદક, નિકાસકાર અને સપ્લાયર્સ કેપ્ટન ટેક્નોકાસ્ટ લિમિટેડે નાણાકીય વર્ષ 2025ના બીજા છ મહિનાના ઓડિટેડ નાણાકીય પરિણામોમાં વાર્ષિક ધોરણે 43.57 ટકા વૃદ્ધિ સાથે રૂ. 93.52 કરોડની કુલ આવક, 78.67 ટકા વૃદ્ધિ સાથે રૂ. 13.07 કરોડનો એબિટા, 109.20 ટકા વૃદ્ધિ સાથે રૂ. 8.05 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે નઓપરેશન સિંદૂરથ હેઠળ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) અને પાકિસ્તાનમાં નવ આતંકવાદી સ્થળો પર ચોક્કસ મિસાઇલ હુમલા કર્યા હતા. આ પછી ગુરુવારે રાત્રે ભારતે જમ્મુ અને પઠાણકોટ સહિત પાકિસ્તાનના લશ્કરી સ્થળો પર ડ્રોન અને મિસાઇલોથી હુમલો કરવાના નવા પ્રયાસોને ઝડપથી નિષ્ફળ બનાવ્યા, આમ છતાં નાપાક શત્રુ રાષ્ટ્રએ સરહદે ઘમાસાણ યુદ્ધ ચાલુ રાખ્યું છે.

રસપ્રદ વાત એ છે કે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવાર સુધી ભારતીય બજારમાં રોકાણ કરવાનું ચાલુ રાખ્યું હતું, જ્યારે રીટેલ રોકાણકારોમાં હાલ થોડું સાવચેતીનું માનસ જોવા મળ્યું છે. એક્સચેન્જ ડેટા અનુસાર, ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ 2,007.96 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર ખરીદ્યા હતા. એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાના કોસ્પી અને શાંઘાઈના એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ નીચા સ્તરે સ્થિર થયા, જ્યારે જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગસેંગ ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. યુરોપિયન બજારો ઊંચા મથાળે વેપાર કરી રહ્યા હતા. યુએસ બજારો ગુરુવારે હકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલબેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 1.53 ટકા વધીને 63.80 ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. ગુરુવારે, સેન્સેક્સ 411.97 પોઈન્ટ અથવા 0.51 ટકા ઘટીને 80,334.81 પર બંધ થયો. નિફ્ટી 140.60 પોઈન્ટ અથવા 0.58 ટકા ઘટીને 24,273.80 પર બંધ થયો હતો.

આ પણ વાંચો…ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે શેરબજારમાં વધારો, સેન્સેક્સમાં 110 પોઇન્ટનો ઉછાળો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button