ભાજપ અને આરએસએસને હરાવવાની તાકાત માત્ર કૉંગ્રેસ પાસેઃ રાહુલે ગુજરાતમાં કર્યો લલકાર

મોડાસાઃ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવેલા કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મોડાસા ખાતે કાર્યકર્તાઓને સંબોધી લલકાર કર્યો હતો.
રાહુલ ગાંધીએ કાર્યકરોમાં જોશ ભર્યો હતો અને ભાજપને હરાવવાની શરૂઆત ગુજરાતથી કરવાનું આહ્વાન કર્યું હતું. રાહુલે ગઈકાલે અમદાવાદ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને પદાધિકારીઓ પાસેથી ગુજરાતમાં પક્ષની કામગીરીની માહિતી લીધી છે.
આપણ વાંચો: સક્ષમ વ્યક્તિને જ મળશે સ્થાન; રેસના ઘોડા તારવવા રાહુલ ગાંધીએ નક્કી કરી જવાબદારી…
ભાજપ-આરએસએસને આપણે જ હરાવીશું
રાહુલ ગાંધીએ કાર્યકર્તાને કહ્યું હતું કે દેશની જનતા પરેશાન છે. દેશમાં બે જ મુખ્ય પક્ષ છે. ભાજપ અને આરએસએસ સામે લડવા માટે માત્ર કૉંગ્રેસ એક જ છે અને આપણે જ તેમને હરાવી શકીએ તેમ છીએ.
તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે તમે નિરાશ ન થઓ, આવનારી 2027ની ચૂંટણીમાં આપણે ગુજરાતથી જ ભાજપને હરાવવાની શરૂઆત કરીશું. ગુજરાતે કૉંગ્રેસને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાન નેતાઓ આપ્યા છે. પક્ષની વિચારધારા ગુજરાતથી જ શરૂ થઈ છે.
આપણ વાંચો: સોનિયા અને રાહુલ ગાંધી સામે એક્શન લેતા કોંગ્રેસ લાલઘૂમ: આવતીકાલે વિરોધ પ્રદર્શન કરશે…
હવે તમારી કમાન અમદાવાદ પાસે નથી
રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું હતું કે હવેથી કૉંગ્રેસ જિલ્લા અધ્યક્ષને વધારે મજબૂત ભૂમિકા આપવામાં આવશે. આજે ફરી રાહુલ ગાંધીએ આ વાત દોહરાવી હતી અને કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે હવે તમારી કમાન અમદાવાદના અમુક નેતાઓ પાસે નહીં હોય, પરંતુ દરેક જિલ્લામાં પક્ષને મજબૂત કરવામાં આવશે અને જિલ્લા અધ્યક્ષ અને કમિટિને નિર્ણયો કરવાની સત્તા આપવામાં આવશે.
જે કોઈપણ ચૂંટણી હોય તેમાં ઉમેદવારોની પસંદગીમાં પણ જિલ્લા અધ્યક્ષોની ભૂમિકા મહત્વની રહેશે. દરેક જિલ્લામાં નિરિક્ષકો મોકલ્યા છે અને તેઓ જિલ્લાની સ્થિતિ વિશે સમીક્ષા કરશે અને ત્યારબાદ જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિ થશે.
આપણ વાંચો: નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીની મુશ્કેલી વધીઃ ઈડીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી
સિનિયરો અને નિષ્ક્રિય નેતાઓને ફરી ઠપકાર્યા
રાહુલ ગાંધીએ ફરી પક્ષના સિનિયર નેતાઓને ઠપકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ સિનિયર નેતાઓ પક્ષ કે સંગઠન માટે કંઈ કરતા નથી અને કાર્યકરો સાથે સંપર્કમાં રહેતા નથી. તેમણે આ નેતાઓને પ્રેમથી ખસી જવા કહ્યું.
આ સાથે જેઓ પક્ષ માટે કામ કરતા નથી કે ભાજપ માટે કામ કરે છે તેમને પણ પ્રેમથી હટાવી દેવાની વાત કરી હતી. રાહુલે ફરી રેસના ઘોડા અને લગ્નના ઘોડાની વાત કરી હતી અને રેસના ઘોડાને દોડાવશું અને લગ્નના ઘોડાઓને નચાવીશું તેમ કહ્યું હતુ.
અગાઉ કૉંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીને રેસના ઘોડા અને લગ્નના ઘોડામાં ફરક સમજાતો નથી. રાહુલે કાર્યકર્તાઓને નવી પેઢીને પક્ષ સાથે જોડવા પ્રયત્ન કરવા કહ્યું હતું.