ઉત્સવ

જ્યારે સનાતની મહારાષ્ટ્રીય સમાજ વિધવા વિવાહનો વિરોધી હતો ત્યારે પ્રાર્થનાસમાજે વિધવા વિવાહની હિમાયત કરી હતી

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

મુંબઇ માત્ર મહાનગર નથી; પણ ધાર્મિક અને સામાજિક ક્રાંતિનું પાટનગર છેલ્લી એક સદીથી રહ્યું છે. આ મુંબઇ છે કે જયાં ગુજરાતના ભટ્ટજી મૂળશંકરે સ્વામી દયાનંદ સરસ્વતી તરીકે આર્ય સમાજની સ્થાપના કરી તો બંગાળના રાજા રામમોહનરાય પ્રેરિત પ્રાર્થનાસમાજની સ્થાપના પણ મુંબઇમાં થઇ. આર્ય સમાજે ધાર્મિક અને રાજકીય ક્રાંતિ કરી તો પ્રાર્થનાસમાજે ધાર્મિક અને સામાજિક ક્રાંતિ કરી. આ ઓગણીસમી સદીની વાત છે. આ પ્રાર્થનાસમાજ છે કે જે મુંબઇમાં પોતાની અલગ સ્મશાનભૂમિ ધરાવે છે અને તેની વિશેષતા એ છે કે અહીં દફન અને દહન એ બન્ને ક્રિયા થઇ શકે છે. જ્યારે સનાતની મહારાષ્ટ્રીય સમાજ વિધવા વિવાહનો પ્રબળ વિરોધી હતો ત્યારે પ્રાર્થનાસમાજ વિધવા વિવાહ અને આંતરરાષ્ટ્રીય લગ્નની હિમાયત કરી હતી. આ પ્રાર્થનાસમાજ સદી જૂની એક ભવ્ય ઇમારત મુંબઇમાં ધરાવતો હતો, એ સદી જૂની ઇમારત હતી; પરંતુ એ પ્રાચીન ઇમારત તોડી પાડવામાં આવી અને મુંબઇના બુદ્ધિજીવીઓ અને મહારાષ્ટ્ર સરકાર એ તોડી પડાતી પ્રાચીન ઇમારતને તમાશાની જેમ જ જોતાં રહી ગયાં. એ ઇમારત આજે રહી નથી; પરંતુ આજેય લોકો બસની ટિકિટ કઢાવતાં આ સ્થળ માટે ‘પ્રાર્થનાસમાજ’ બેધડક કહે છે. આમ તો આજે મુંબઇમાં કાળા ઘોડાને પણ રાણીબાગમાં ભંગાર તરીકે તેના સવાર સાથે એક ખૂણે ફેંકી દેવામાં આવ્યાં છે. છતાં લોકો આજે એ સ્થળને “કાળાઘોડા તરીકે જ ઓળખે છે.

પ્રાર્થનાસમાજ એ ખ્રિસ્તી ધર્મની પદ્ધતિએ કાર્ય કરતો હતો અને દર રવિવારે પ્રાર્થનાસભા નિયમિત યોજાતી હતી. અને મિશનરીઓ એનો પ્રચાર પણ કરતા હતા. પ્રાર્થનાસમાજના કારણે વિધવા વિવાહને ઉત્તેજન મળ્યું અને ઘણા લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવતાં અટકી ગયા હતા.

સતીની પ્રથા પણ રાજા રામમોહન રાયના કારણે કાનૂની રીતે નાબૂદ કરવામાં આવી હતી. રાજા રામમોહનનું અવસાન ઇ. સ. ૧૮૮૩માં ઇંગ્લેન્ડમાં થયું હતું. ત્યારે એક ખ્રિસ્તી પાદરી શ્રી કાર્પેન્ટરે પાશ્ર્ચાત્ય વિધિ અનુસાર સ્મૃતિ અવશેષ તરીકે રાજા રામમોહન રાયની વાળની લટ કાપીને એક લોકેટમાં સંગ્રહી રાખી હતી. પ્રાર્થનાસમાજના એક મિશનરી શ્રી વિઠ્ઠલ રામજી શિંદે જ્યારે ઇંગ્લેન્ડ ગયા હતા. ત્યારે તેમને એ લોકેટ સોંપવામાં આવ્યું હતું. અને શ્રી વિઠ્ઠલ શિંદેએ એ લોકેટ મુંબઇના પ્રાર્થનાસમાજને ડૉ. કૃષ્ણાબાઇ કેળકર મારફતે સુપ્રત કર્યું હતું. રાજા રામમોહનનો જન્મ માધવરાવ પેશ્ર્વાના સમયમાં ઇ. સ. ૧૭૭૨માં થયો હતો અને મૃત્યુ ૧૮૩૩માં થયું હતું. એ લોકેટ આજે ક્યાં છે તેની મને માહિતી મળી શકી નથી; પણ મહારાષ્ટ્રના આર્કિયોલોજી વિભાગે તેની શોધ કરીને જાળવી રાખવું જોઇએ. કાશ્મીરમાં ‘હઝરત બાલ’ની જાળવણી કરવામાં આવી જ છે.

આ પ્રાર્થનાસમાજ માટે સાચી રીતે શહીદ થનાર હતા ડૉ. આત્મારામ પાંડુરંગ.

પ્રાર્થનાસમાજના સંસ્થાપકોમાં એક સંસ્થાપક શ્રી વાસુદેવ બાબાજી નવરંગે (૧૮૨૮-૧૯૦૭) હતા. ગરીબ અવસ્થાના કારણે માધુકરી માગીને ભણ્યા હતા અને દાદાભાઇ નવરોજીની સહાયથી ઉચ્ચ અભ્યાસ કરી ઇંગ્લેન્ડ પહોંચી ગયા હતા. દાદાભાઇએ એમને વેપારમાં પણ સહાય કરી હતી. શ્રીમંત થઇને ભારત પાછા ફર્યા હતા અને ૧૮૭૦માં ૪૨ વર્ષની વયે એક બ્રાહ્મણ વિધવા સાથે લગ્ન કર્યાં હતાં. એટલું જ નહીં, પોતાના પ્રથમ પુત્રનાં લગ્ન પણ એક વિધવા સાથે જ કર્યાં હતાં. ગાંવદેવી વિસ્તારનાં ડૉક્ટર કાશીબાઇ નવરંગેનું નામ ધરાવતી શેરી છે. આ ડૉ. કાશીબાઇને શ્રી વાસુદેવ નવરંગેનાં પુત્રી ડૉ. કાશીબાઇએ પોતાની સર્વ કમાણી જાતિ, ધર્મના ભેદ વિના લોકસેવામાં અને પ્રાર્થનાસમાજની પ્રવૃત્તિમાં સમર્પી દીધી.

રવીન્દ્રનાથ ટાગોર જયાં પ્રથમ પ્રેમમાં પડયા હતા
પ્રાર્થનાસમાજની સ્થાપના અને તેની પ્રવૃત્તિમાં સાચા અર્થમાં તન-મન-ધનનું સમર્પણ કરનાર હતા. ડૉ. આત્મારામ પાંડુરંગ. મરાઠી ભાષાના વ્યાકરણ પંડિત શ્રી દાદોબા પાંડુરંગના નાનાભાઇ અને ગ્રેન્ટ મેડિક્લ કૉલેજમાં ભારતીય ડૉક્ટરોની પહેલી ટુકડી ૧૮૫૧માં બહાર પડી હતી તેમાં ડૉ. આત્મારામનો સમાવેશ થાય છે. એમનો જન્મ ૧૮૨૬માં અને મૃત્યુ ૧૮૯૮માં થયું હતું. એમની અટક તર્ખડ હતી. ડૉ. આત્મારામ અને કવિ રવીન્દ્રનાથ ટાગોરના મોટાભાઇ શ્રી સત્યેન્દ્રનાથ ટાગોર સાથે સારી મિત્રતા હતી એટલે રવીન્દ્રનાથને ઇંગ્લેન્ડ મોકલતાં પહેલાં પશ્ર્ચિમના રીત-રિવાજોની માહિતી મેળવવા અને તે શીખી લેવા ૧૮૭૮માં રવીન્દ્રને મુંબઇમાં ડૉ. આત્મારામના ઘરે ખાસ રાખવામાં આવ્યા હતા.

ડૉ. આત્મારામની પુત્રી અન્નપૂર્ણા અંગ્રેજીમાં ઊંડાં અભ્યાસી હતાં અને પાશ્ર્ચાત્ય રીત-રિવાજોથી સુપરિચિત હતાં અને તેમણે રવીન્દ્રનાથ ટાગોરને મુંબઇમાં એ બધું શીખવ્યું હતું. અન્નપૂર્ણા કળા અને સાહિત્યનું ઊંડું અધ્યયન ધરાવતાં હતાં. રવીન્દ્રનાથ આ અન્નપૂર્ણાના પ્રેમમાં પડી ગયા હતા અને અન્નપૂર્ણાને ‘નલિની’ એવું નામ આપી એક સુંદર કાવ્ય: ‘શુન! નલિની ખોલો ગો અબિ’ લખ્યું હતું. આ કાવ્ય વાંચીને અન્નપૂર્ણાએ રવીન્દ્રને કહ્યું હતું : ઙજ્ઞયિ,ં ઈં વિંશક્ષસ વિંફિં યદયિ ર શ ૂયયિ જ્ઞક્ષ ળુ મયફવિં બય ુજ્ઞીિ તજ્ઞક્ષલત ૂજ્ઞીહમ ભફહહ ળય બફભસ જ્ઞિં હશરય…
આ પ્રેમ પાંગર્યો નહીં; કારણ કે આ પ્રસંગ પહેલાં અન્નપૂર્ણાના પ્રેમનો પ્રારંભ એક આયરીશ યુવાન સાથે પાંગરી ચૂકયો હતો. અન્નપૂર્ણાએ એની સાથે લગ્ન કરીને એન નામ ધારણ કર્યું હતું અને એને એક પુત્રી પણ હતી.

પ્રેમ બહાદુરજી-માણેકનો!
ડૉ. આત્મારામની નાની પુત્રી માણેક પણ અત્યંત રૂપવાન હતી અને ડૉક્ટરની ડિગ્રી એલ. એમ. એસ. એન્ડ. સી. પી. મેળવી હતી. માણેક જ્યારે કૉલેજમાં હતી ત્યારે તેમની સાથે બહાદુરજી અટક ધરાવતો એક પારસી વિદ્યાર્થી પણ હતો. આ ડૉકટર બહાદુરજીનો એક ભાઇ વકીલ હતો. માણેકે મુંબઇમાં પ્લેગના રોગચાળાના સમયે સારી સેવા બજાવી હતી અને સર જમશેદજીએ ખુશ થઇને માણેકને રજતચંદ્રક આપ્યો હતો. પણ… જયારે બેરિસ્ટર ડી. એમ. બહાદુરજી અને માણેક પરણવા નીકળ્યાં તો પારસી સમાજે પ્રચંડ વિરોધ કર્યો હતો અને બેરિસ્ટર બહાદુરજીનો પારસી સમાજમાંથી બહિષ્કાર કર્યો હતો.બન્નેએ વિરોધનાં પૂર સામે તરીને લગ્ન કર્યાં હતાં. એમને બે સંતાન થયાં હતાં; પણ અચાનક ચાર દિવસના અંતરે બંને બાળકો મરણ પામ્યાં હતા. માણેક આ કારમા આઘાતથી પાગલ થઇ ગઇ હતી, બેરિસ્ટર બહાદુરજીએ આ ગાંડી પત્નીની સંભાળ બહુ જ કાળજીથી છેલ્લે સુધી લીધી હતી. માણેકના પિતાનો બંગલો વિલ્સન કૉલેજ અને બાલભવનની વચ્ચે આવ્યો હતો.

બેરિસ્ટર બહાદુરજીનો બંગલો મલબાર હિલ પર હતો. બેરિસ્ટર કામમાં ગૂંથાયેલા હોય ત્યારે કયારેય તેમની જાણ બહાર માણેક અસ્તવ્યસ્ત વાળ અને લઘરવઘર વસ્ત્રોમાં બહાર નીકળી પડતાં.

બગીચામાંથી રંગબેરંગી ફૂલો ચૂંટી એવા જ પરિવેશમાં મલબાર હિલથી પિતાના બંગલા સુધી પગે ચાલતાં આવતાં અને બંગલાના બારણાં આગળ ઘડીક વાર ઊભાં રહી ત્યાં પગથિયાં ઉપર ફૂલો મૂકી પાછા વળી જતાં બેરિસ્ટર બહાદુરજીનું અવસાન ૧૯૫૨માં થયું હતું.

ડૉ. આત્મારામ પાશ્ર્ચાત્ય પદ્ધતિથી સુપરિચિત હોવા છતાં ધોતી, કોટ, પાઘડી ધારણ કરતા હતા અને લોકો તેમને દાદા (મોટાભાઇ)ના હુલામણા નામથી બોલાવતા હતા, એમની નિમણૂક મુંબઇના શેરિફ તરીકે પણ થઇ હતી.

મુંબઇનું સુખડવાલા પુસ્તકાલય જેમના નામની યાદ અપાવે છે તે શેઠ દામોદરદાસ સુખડવાલા પણ પ્રાર્થનાસમાજના સક્રિય કાર્યકર હતા. આજે જૂના પ્રાર્થનાસમાજની ઇમારત રહી નથી. અને ત્યાં પણ શોપિંગ સેન્ટરનો આંખ આંજી નાખે એવોે ઝળહળાટ આવી ગયો છે પણ હૈયાને આકર્ષે એવું કશું રહ્યું નથી. …

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button