સ્પોર્ટસ

રોહિતની ટેસ્ટ કૅપ્ટન્સી ખરેખર સલામત છે? સિલેક્ટરોમાં એકમત ન હોવાનો અહેવાલ

નવી દિલ્હીઃ 2024માં રોહિત શર્માના સુકાનમાં ભારત ટી-20નો વર્લ્ડ કપ જીત્યું અને ગયા અઠવાડિયે તેની જ કૅપ્ટન્સીમાં ભારતે વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી તેમ જ તેના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા છેલ્લી લાગલગાટ ત્રણ આઇસીસી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યું છે એ જોતાં ટેસ્ટ ટીમમાં પણ તેનું સુકાન સલામત હોવાનું મનાય છે, પરંતુ સિલેક્ટરોમાં એ વિશે હજી એકમત ન હોવાનું મનાય છે.

ભારતીય ટીમની આગામી સિરીઝ આઇપીએલ પછી ઇંગ્લૅન્ડમાં રમાશે જ્યાં ભારતીયો પાંચ ટેસ્ટ મૅચ રમશે. રોહિતને એ ટેસ્ટ ટૂર માટે સુકાન સોંપાશે એવા સંકેતો શનિવારે મળ્યા હતા, પરંતુ આગામી ટેસ્ટ શ્રેણી માટેની ટીમનો સુકાની રોહિત જ હોવો જોઈએ એ મુદ્દા પર પસંદગીકારો એકમત ન હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: રોહિતના સ્થાને બુમરાહને ટેસ્ટ કૅપ્ટન બનાવવાનું લગભગ નક્કી થઈ ગયું!

વાત એવી છે કે ગયા વર્ષના અંત ભાગમાં ઘરઆંગણે ભારતનો ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-3થી પરાભવ થયો હતો અને એમાં બૅટર તરીકે રોહિતનો પર્ફોર્મન્સ નિરાશાજનક હતો. ત્યાર પછી ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમનો રોહિતના જ સુકાનમાં બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં 1-3થી પરાજય થયો હતો અને એમાં પણ રોહિતની બૅટિંગ સારી નહોતી રહી. સિડનીની છેલ્લી ટેસ્ટમાં ખુદ તેણે પોતાને ઇલેવનની બહાર કરી નાખવું પડ્યું હતું. ભારત એ ટેસ્ટ હારી ગયું અને વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબલ્યૂટીસી)ની ફાઇનલની રેસની પણ બહાર થઈ ગયું હતું.

ડબ્લ્યૂટીસીની અગાઉની બન્ને સીઝનની ફાઇનલમાં પહોંચનાર ભારતે 2023-2025ની સીઝનમાં ભારતે નવ ટેસ્ટ જીતી હતી અને એની સામે આઠ ટેસ્ટમાં પરાજય જોવો પડ્યો હતો.

અહીં સવાલ એ છે કે રોહિતે ટી-20 પછી વન-ડેમાં ટીમ ઇન્ડિયાને જે પ્રચંડ સફળતા અપાવી એને ધ્યાનમાં રાખીને તમામ સિલેક્ટરો તેને ટેસ્ટના કૅપ્ટનપદે જાળવી રાખવા સહમત થશે ખરા?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button