અંજારઃ ભેંસ બચાવવા ગયેલા પાંચ બાળકો તળાવમાં ડૂબ્યાઃ દફનવિધિમાં આખું ગામ રડ્યું

ભુજઃ હોળી અને ધૂળેટીનો પર્વ અને રમઝાન માસના આ દિવસો ગુજરાત માટે ગમગીની અને શોક લઈને આવ્યા હોય તેવી ઘટનાઓ ઘટી છે. વિવિધ અકસ્માતોમાં 21ના મોત થવા સાથે શનિવારે ફરી એક કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં પાંચ માસૂમ બાળકના જીવ ગયા હતા.
પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ધમડકાથી ભવાનીપુર તરફ જતા માર્ગ પર આવેલા એક તળાવમાં હિંગોરજાવાંઢ ગામના માલધારી પરિવારના પાંચ બાળકના ડૂબી જવાથી મોત થયા હતા.
આ ગોઝારી ઘટનાની પોલીસ દફતરેથી જાણવા મળેલી વિગતો મુજબ શનિવારે બપોરે હિંગોરજા વાંઢમાં રહેતા માલધારી પરિવારના પાંચ બાળક ધમડકાથી ભવાનીપર તરફ જતા માર્ગ પર આવેલા તળાવમાં ફસાયેલી ભેંસને બહાર કાઢવા માટે ઉતર્યા હતા. કીચડવાળા ખરાડી તળાવમાં એક પછી એક એમ પાંચેય બાળકો ડૂબી ગયા અને એક સાથે પાંચ પરિવારોએ પોતાના વ્હાલસોયાં ગુમાવ્યાની ઘટના બની છે.
બનાવ અંગેની જાણકારી મળતાં ગ્રામજનોએ પોલીસ અને ફાયર ફાઇટર ટીમને જાણ કરતા અંજાર પ્રાંત અધિકારી એસ.જે.ચૌધરીના માર્ગર્શન હેઠળ તરવૈયા સાથે ફાયર ફાઇટર અને દુધઇ પોલીસ મથકના પી.આઇ આર.આર. વસાવા કાફલા સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું.
આ પણ વાંચો…રાજકોટમાં જિલ્લાસ્તરે ભાજપમાં ‘વિખવાદ’: ‘લેટરબોમ્બ’થી રાજકારણમાં ગરમાવો
આ શોધખોળ દરમિયાન ડૂબી ગયેલા પાંચ પૈકી હિંગોરજા વાંઢમાં રહેતા ૮ વર્ષીય ઇસ્માઇલ સાલાર હિંગોરજા, ૧૧ વર્ષીય ઉમર અબ્દુલ રહેમાન, ૧૪ વર્ષીય મુસ્તાક જુસબ હિંગોરજા અને ૯ વર્ષીય અલ્ફાઝ અરમિયા હીંગોરજાના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે ૧૧ વર્ષીય તાહિર અદ્બેમાન હિંગોરજાનો મૃતદેહ મોડી રાત્રે હાથ લાગ્યો હોવાનું પી.આઇ વસાવાએ જણાવ્યું હતું.
અત્રે એ નોંધનીય છે કે હિંગોરજાવાંઢમાં રહેતા અંદાજિત ૨૫૦થી ૩૦૦ પરિવાર મુખ્યત્વે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે. ગરીબ માલધારી પરિવાર ઉપર કુદરતના કુઠારાઘાતથી ભારે ગમગીની પ્રસરી છે.

દરમ્યાન પવિત્ર રમઝાન માસમાં બનેલા આ ગોઝારા બનાવથી દુઃખની લાગણી ફેલાઈ છે તેવામાં રવિવારે એકજ પરિવારના પાંચ-પાંચ વ્હાલસોયાઓની ભીની આંખે દફનવિધિ કરવામાં આવી ત્યારે અંજારનું નાનકડું એવું હિંગોરજા વાંઢ ધ્રુસકે ચડ્યું હતું. પાંચ સંતાનોના એક સાથે નીકળેલા જનાજામાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકો કાંધ આપવા પહોંચ્યા હતા.