IPL 2025: દિલ્હી કેપિટલ્સે આ ભારતીય ઓલરાઉન્ડરને કેપ્ટન બનાવ્યો, જાણો IPLમાં કેવું રહ્યું છે પ્રદર્શન

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સીઝન 22મી માર્ચથી શરુ થવા જઈ રહી છે, એ પહેલા દરેક ટીમ ટુર્નામેન્ટ માટે તૈયારીઓ કરી રહી છે. એવામાં દિલ્હી કેપિટલ્સ (DC)એ ટીમના કેપ્ટનની જાહેરાત કરી છે. આ સિઝનમાં ભરતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સની આગેવાની (Axar Patel Delhi Capitals captain)કરશે.

અક્ષર 2019 થી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલો છે. ગયા નવેમ્બરમાં મેગા ઓક્શન પહેલા દિલ્હી કેપિટલ્સે અક્ષરને રૂ. 16.50 કરોડમાં રીટેઈન કર્યો હતો. અક્ષર પટેલે તાજેતરમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
દિલ્હી કેપિટલ્સે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી લગભગ 2 મિનિટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે અક્ષર પટેલ ટીમની કેપ્ટનશીપ કરશે..
કેપ્ટન તરીકે અક્ષર:
અક્ષર પાસે કેપ્ટનશિપ વધુ અનુભવ નથી, જો કે આ વર્ષે જાન્યુઆરીમાં તેને ભારતના T20I ટીમનો વાઈસ કેપ્ટન બનવવામાં આવ્યો હતો. 31 વર્ષીય અક્ષરે ડોમેસ્ટિક ક્રિકેટની 23 મેચમાં ગુજરાતની ટીમનું નેતૃત્વ કર્યું છે. ગયા વર્ષે તેણે એક IPL મેચમાં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું હતું, એ મેચમાં DCની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે હાર થઇ હતી અને પ્લેઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.
ઋષભ પંત ટીમમાંથી બહાર:
અગાઉ, વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે લાંબા સમય સુધી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી હતી, પરંતુ IPL મેગા ઓક્શન પહેલા, દિલ્હી કેપિટલ્સે રિષભને રિલીઝ કરી દીધો. આ પછી ઋષભ પંત મેગા ઓક્શનનો ભાગ બન્યો. IPL મેગા ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે રિષભ પંત ખરીદ્યો હતો.
કેએલ રાહુલ કેપ્ટન કેમ ના બન્યો?
IPL મેગા ઓક્શનમાં, દિલ્હી કેપિટલ્સે કેએલ રાહુલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. અહેવાલો હતાં કે દિલ્હી કેપિટલ્સ કેએલ રાહુલને ટીમની કેપ્ટન બનાવી શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં અનુસાર કે કેએલ રાહુલે દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપની ઓફર ફગાવી દીધી હતી. જે બાદ ઓલરાઉન્ડર અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો…ગુજરાતમાં સરકારી કર્મચારીઓને અલ્ટીમેટમ, 31 માર્ચ સુધી મિલકતો જાહેર કરો નહીંતર…
IPLમાં અક્ષર પટેલનું પ્રદર્શન:
અક્ષર પટેલે દિલ્હી કેપિટલ્સ માટે અત્યાર સુધી 6 IPLમાં 82 મેચ રમી છે. ગયા વર્ષે તેણે લગભગ ૩૦ ની એવરેજથી 235 રન બનાવ્યા અને 11 વિકેટ લીધી હતી, તેનો ઇકોનોમી રેટ 7.65 રહ્યો હતો.
IPLમાં અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સ ઉપરાંત પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પણ રમી ચુક્યો છે, તેણે કુલ 150 IPL મેચ રમી છે. અક્ષરે 130.88 ના સ્ટ્રાઈક રેટ અને 21.47 ની સરેરાશથી 1,653 રન બનાવ્યા છે. આ ઉપરાંત, બોલર તરીકે, અક્ષર પટેલે 7.28 ની ઇકોનોમી અને 25.2 ના સ્ટ્રાઇક રેટથી 123 વિકેટ લીધી છે.