કેનેડા જનારાઓને મોટો ફટકો, સરકારના આ નિર્ણય બાદ હવે આ શહેરોમાં વિઝા સેવાઓ બંધ
નવી દિલ્હીઃ ભારતથી કેનેડા જવા માગતા લોકોને મોટો ફટકો પડે એવા સમાચાર છે. આગામી દિવસોમાં વિઝા સંબંધિત સેવાઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડાએ ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. આ કારણે ચંદીગઢ, મુંબઈ, બેંગલુરુ જેવા શહેરોમાંથી કેનેડા માટે વિઝા સેવાઓ બંધ થઈ ગઈ છે, એટલે કે હવે આ શહેરોમાંથી લોકોને કેનેડા જવા માટે વિઝા કાર્યવાહી કરવા દિલ્હી જવું પડશે.
ભારતમાં પંજાબમાંથી લોકો કેનેડા જવાનું મોટા પાયે પસંદ કરે છે, તેથી સૌથી મોટો ફટકો એવા પંજાબીઓને છે કે જેમના બાળકો કે માતા-પિતા કેનેડા જવા માગે છે, તેમણે વિઝા પ્રોસેસિંગ કરાવવા માટે દિલ્હી જવું પડશે.
કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ જણાવ્યું હતું કે ભારતમાં 62માંથી 41 કેનેડિયન રાજદ્વારીઓને હટાવવામાં આવ્યા છે. જોકે, 21 કેનેડિયન રાજદ્વારીઓ ભારતમાં જ રહેશે.
જોલીએ કહ્યું હતું કે આ નિર્ણય તેમની રાજદ્વારી પ્રતિરક્ષણ ગુમાવવાના જોખમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જો કે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે કેનેડા ભારતીય રાજદ્વારીઓને ધમકી આપશે નહીં. જોલીએ કહ્યું કે સ્ટાફની અછતને કારણે કેનેડાએ નવી દિલ્હી સિવાય તમામ ઓફિસોમાં વ્યક્તિગત રાજદ્વારી સેવાઓ સ્થગિત કરવી પડશે.
ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે પત્રકારોને જણાવ્યું હતું કે વિઝા અરજી કેન્દ્રો સામાન્ય રીતે કામ કરશે કારણ કે તે ત્રીજા પક્ષકાર દ્વારા ચલાવવામાં આવે છે.
જો કે, તેમણે એ પણ સ્વીકાર્યું કે અરજીઓની પ્રક્રિયામાં હવે વધારાનો સમય લાગશે. કેનેડિયન રાજદ્વારીઓને પરત મોકલવાના ભારતના નિર્ણયથી બંને દેશોમાં નાગરિકોને સેવાઓના સ્તરને અસર થશે. કમનસીબે, અમારે ચંડીગઢ, મુંબઈ અને બેંગલુરુમાં અમારા વાણિજ્ય દૂતાવાસમાં તમામ વ્યક્તિગત સેવાઓ સ્થગિત કરવી પડશે. જે કેનેડિયનને કોન્સ્યુલર સહાયતાની જરૂર હોય તેઓ હજુ પણ દિલ્હીમાં અમારા હાઈ કમિશનની મુલાકાત લઈ શકે છે અને તેઓ હજી પણ ફોન અને ઈમેલ દ્વારા સંપર્ક સાધી શકે છે.”
આ આખા વિવાદની જડ આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા છે. 18 જૂને કેનેડાના સરેમાં ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. નિજ્જરને 18 જૂને કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરેમાં પાર્કિંગ એરિયામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.
બસ ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ ચાલુ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ઉભા રહીને કહ્યું કે આ હત્યા પાછળ ભારતનો હાથ છે. જો કે, ભારતે આ દાવાઓને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા છે અને તેમને ‘વાહિયાત’ અને ‘પ્રેરિત’ ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેનેડાએ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હોવાના દાવાને સમર્થન આપવા માટે હજુ સુધી કોઈ જાહેર પુરાવા આપ્યા નથી.