સ્પોર્ટસ

મહિલાઓની આઈપીએલમાં બેંગ્લૂરુએ મુંબઈને હરાવ્યું એમાં દિલ્હી ફાવી ગયું!

સીધા ફાઇનલ પ્રવેશ માટે જોરદાર રસાકસી થઈ હતી...

મુંબઈ: વિમેન્સ પ્રીમિયર લીગ (ડબલ્યૂપીએલ) તરીકે ઓળખાતી મહિલાઓની આઇપીએલમાં ગઈ કાલે ચર્ચગેટના બ્રેબર્ન સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)ની મહિલા ટીમે 2023ની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ)ની ટીમને 11 રનથી હરાવીને એને સીધો ફાઈનલ પ્રવેશ કરતા રોકી હતી.

જો એમઆઈની ટીમ ગઈ કાલે જીતી હોત તો એને સીધી ફાઇનલમાં એન્ટ્રી મળી હોત અને દિલ્હીની ટીમે ત્રીજા નંબરની ટીમ ગુજરાત જાયન્ટ્સ સામે આવતી કાલ (સાંજે 7.30 વાગ્યાથી)ની એલિમિનેટર મૅચમાં રમવું પડ્યું હોત. જોકે મુંબઈની ટીમ ગઈ કાલે હારી ગઈ એટલે દિલ્હીને મોખરાના સ્થાને રહીને ફાઈનલમાં સીધો પ્રવેશ મળી ગયો અને હવે આવતી કાલની એલિમિનેટરમાં મુંબઈએ ગુજરાતનો સામનો કરવો પડશે. એમાં જીતનારી ટીમ દિલ્હી સામે શનિવારે ફાઇનલ રમશે.
આરસીબી તેમ જ યુપી વોરિયર્ઝની ટીમ આ સ્પર્ધામાંથી આઉટ થઈ ચૂકી છે.

Also read : ચેમ્પિયન અક્ષર પટેલ ઘરે પરત ફર્યો, અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત

ગઈ કાલે આરસીબીએ બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 199 રન બનાવ્યા હતા જેમાં કેપ્ટન સ્મૃતિ મંધાનાનાં 53 રન, એલિસ પેરીનાં 49 રન, વિકેટકીપર રિચા ઘોષનાં 36 રન તેમ જ્યોર્જીયા વેરહમનાં 31 રન સામેલ હતા. એમઆઈની હૅલી મૅથ્યૂઝે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. હરમનના સુકાનમાં એમઆઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવી શકી હતી અને આરસીબીનો 11 રનથી વિજય થયો હતો.

એમઆઈના 188 રનમાં નૅટ સિવર-બ્રન્ટના 69 રન હાઈએસ્ટ હતા. ખુદ હરમનપ્રીત 20 રન બનાવીને આઉટ થઈ હતી. આરસીબી વતી ઑફ સ્પિનર સ્નેહ રાણાએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. પેસ બોલર કિમ ગરેથ અને એલિસ પેરીએ બે-બે વિકેટ લીધી હતી.

આરસીબીની સ્નેહ રાણાને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ આપવામાં આવ્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button