તરોતાઝા

રિઇન્વેસ્ટમેન્ટ: પુન: રોકાણનાં જોખમને પહેલેથી સમજી લો..

ગૌરવ મશરૂવાળા

‘પોતાની ક્ષમતાના વર્તુળમાં રહીને રોકાણ કરવું. તમારું વર્તુળ કેટલું મોટું છે એનું નહીં, પરંતુ તમારા માપદંડ કેટલા સ્પષ્ટપણે નક્કી થયા છે એનું મહત્ત્વ વધુ છે.’ – વોરેન બફેટ

નીતિનભાઈ શાહે 2002ની સાલમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું. એ વખતે એમની ઉંમર પચાસ-પંચાવનની હતી. તેઓ ઘણા લાંબા સમયથી સરકારી બેન્કમાં કામ કરી રહ્યા હતા. એમણે પોતાની માસિક ખર્ચની રકમની ગણતરી કરી, આરોગ્ય પાછળના ખર્ચ માટેની જોગવાઈ કરી અને દીકરાના ઊચ્ચ શિક્ષણ માટે રકમ અલાયદી રાખી. આખરે તો એ બેન્કર રહ્યા એટલે એમણે બધી ગણતરીઓ બરોબર માંડી હતી. એમને મળેલી નિવૃત્તિની મોટી રકમને બેન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં અને અન્ય કેટલાક બોન્ડમાં રોકી. ફિક્સ્ડ ડિપોઝિટ પાંચ વર્ષ માટેની હતી અને બોન્ડની મુદત દસ વર્ષની હતી. પચ્ચીસ વર્ષના બેન્કિંગના અનુભવને લીધે એમનું આયોજન ચોકસાઈભર્યું હતું. આટલાં વર્ષોમાં વ્યાજદરની તથા ફુગાવાના દરની હિલચાલ એમણે જોઈ હતી.

ફુગાવાના દરની હિલચાલ જોઈ ચૂકેલા અનુભવી નીતિનભાઈ શાહને નિવૃત્ત થયાનાં પાંચેક વર્ષ બાદ તકલીફ વર્તાવા લાગી. ફિક્સ્ડ ડિપોઝિટ પાકી ત્યારે એમણે એ રકમ બીજાં પાંચ વર્ષ માટે પુન: રોકાણ કરવાનો નિર્ણય લીધો. જો કે, એ વખતે વ્યાજદરમાં ઘટાડો થઈ ગયો હતો. આમ, એમનું વળતર ઘટી ગયું. વળી, ઘરખર્ચ પણ વધી ગયો હતો. એમણે બીજાં ત્રણ વર્ષ જેમતેમ કાઢી નાખ્યાં, પરંતુ એમની મૂડી ઘસાવા લાગી હતી. એક બેન્કર તરીકે એ પોતે સારી રીતે જાણતા હતા કે મૂડી તૂટે એ સારી નિશાની કહેવાય નહીં. એમણે જેમાં રોકાણ કર્યું હતું એ બોન્ડમાં ઊંચા દરે વ્યાજ મળતું હતું, પરંતુ બજારમાં નવા બોન્ડ પર ઓછું વ્યાજ અપાતું હતું. તેનો અર્થ એવો થયો કે એમના બોન્ડ પાકે ત્યારે તેનું પુન: રોકાણ ઓછું વ્યાજ ધરાવતા બોન્ડમાં કરવું પડશે.

આ પણ વાંચો: ફુગાવાનું જોખમ કઈ રીતે નિવારી શકાય?

એ વખતે નીતિનભાઈને સમજાઈ ગયું કે એમની વ્યાજની આવક અપૂરતી રહેવાની હોવાથી એમણે આવકનો કોઈ સ્રોત શોધવો પડશે. આવો સમય આવ્યો ત્યાર સુધીમાં તેઓ સાઠીમાં આવી ગયા હતા. આરોગ્ય સારું રહેતું હતું અને શરીર કસાયેલું હોવાથી એ બીજાં પંદર વર્ષ કામ કરી શકે એવી સ્થિતિમાં હતા. બેન્કર હોવાથી એમને અલગ અલગ પ્રકારનાં નાણાકીય જોખમોની જાણ હતી, પરંતુ એમનાથી રિઇન્વેસ્ટમેન્ટ રિસ્ક (પુન: રોકાણસંબંધી જોખમ) તરફ દુર્લક્ષ થઈ ગયું
હતું.

વાસ્તવમાં આપણામાંથી ઘણા લોકો આ જોખમ પર ધ્યાન આપતા નથી. લાંબા ગાળે જે નિયમિત આવકની જરૂર હોય તેના માટે જો નિશ્ર્ચિત વળતરના સાધનમાં રોકાણ કરવામાં આવે તો તેમાં આ જોખમ હોય જ છે. ફિક્સ્ડ ડિપોઝિટ કે બોન્ડ પાકે ત્યારે અર્થતંત્રમાં વ્યાજદરમાં ઘટાડો થઈ જવાની શક્યતા હોય છે. આમ, વળતરની ગણતરી ઊંધી વળી જાય છે. ફિક્સ્ડ ડિપોઝિટ કે બોન્ડ, વગેરેમાં રોકાણ કરતી વખતે જ પુન: રોકાણસંબંધી જોખમને લક્ષમાં લેવું જોઈએ. આ જોખમ ખરેખર તમારા કિસ્સામાં પણ લાગુ પડશે એવું પણ નથી હોતું. વ્યાજદર ઘટી પણ શકે છે એમ વધી પણ શકે છે.

આ પણ વાંચો: લક્ષ્યથી જુદાં ફંટાવ તો…

રિઇન્વેસ્ટમેન્ટ રિસ્કની અસરને ટાળવા માટેના અમુક રસ્તા છે. લાંબા ગાળે નિયમિત આવકની જરૂર પડવાની હોય તો બધું જ રોકાણ ફિક્સ્ડ ડિપોઝિટ, બોન્ડ, જેવાં સાધનોમાં કરવું નહીં. ઈક્વિટીમાં કે સોનામાં થોડું થોડું રોકાણ કરતાં જવું. આ રોકાણ પોતાની રીતે અથવા તો મ્યુચ્યુઅલ ફંડ મારફતે થઈ શકે છે. નાની-નાની રકમનું આવું રોકાણ વધારે વળતર આપશે અને મૂડીમાં પણ વૃદ્ધિ થશે.

ફિક્સ્ડ ડિપોઝિટ કે બોન્ડમાં રોકાણ કરતી વખતે બીજો પણ એક વ્યૂહ અપનાવવા જેવો છે. તમારે અલગ અલગ મુદત માટે રોકાણ કરવું,જેમકે- જો તમારે દસ લાખ રૂપિયા રોકવાના હોય તો બધા જ પૈસા પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકવાને
બદલે જ્યારે જ્યારે નાણાંની જરૂર પડવાની હોય ત્યારે ત્યારે રકમ મળી રહે એ રીતે, અર્થાત્ 3, 5, 7, વગેરે વર્ષ માટે રોકાણ
કરવું.

આમ નિશ્ર્ચિત નિયમિત આવક માટેનાં ફિક્સ્ડ ડિપોઝિટ કે બોન્ડ જેવા સાધનમાં રોકાણ કરતી વખતે રિઇન્વેસ્ટમેન્ટ રિસ્કને લક્ષમાં લેવું જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button