બદલાપુરમાં એક્સિડન્ટઃ લોકલ ટ્રેનમાં ચઢવા જતી વખતે મહિલા પડી રેલવે ટ્રેક પર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેના બદલાપુર રેલવે સ્ટેશને તાજેતરમાં ટ્રેનમાં ચઢવા જતી વખતે મહિલાએ સંતુલન ગુમાવતા ગંભીર ઈજા પહોંચી હતી. કર્જતથી મુંબઈ જનારી લોકલ ટ્રેન બદલાપુર સ્ટેશને પહોંચેલી લોકલ ટ્રેનમાં ચઢવા જતી વખતે મહિલા પ્રવાસી રેલવેના પાટા પર પડતા માથામાં ઈજા પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બદલાપુર રેલવે સ્ટેશન ખાતે આ બનાવ બન્યો હતો, જ્યાં ભીડવાળી ટ્રેનમાં પ્રવાસી ચઢવા જવાના પ્રયાસમાં સંતુલન ગુમાવ્યું હતું. લોકલ ટ્રેનમાંથી ટ્રેક પર પડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત પછી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર ચાલી રહી હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: ઘરેથી ઝઘડો કરીને નીકળેલી યુવતી પર બદલાપુરમાં બળાત્કાર: યુવકની ધરપકડ
બદલાપુર રેલવે સ્ટેશને આજે સવારના 8.59 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. કર્જતથી સીએસએમટી જનારી લોકલ ટ્રેન બદલાપુર પહોંચી ત્યારે બહુ ભીડ હતી. સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વધારે હતી, તેથી મહિલા ટ્રેનમાં એન્ટર થઈ શકી નહીં. થોડો પ્રયાસ કરીને ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો ત્યારે મહિલાએ સંતુલન ગુમાવ્યું હતું અને પ્લેટફોર્મથી ટ્રેક પર પડી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઈજાગ્રસ્ત મહિલાનું નામ કલ્પના જેડિયા તરીકે કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
હાલમાં ઈજાગ્રસ્ત મહિલાની સારવાર ચાલી રહી છે. તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હોવાથી ગંભીર હાલત છે. સામાન્ય રીતે બદલાપુરથી સવારના 8.59 વાગ્યાની લોકલ ટ્રેન ઉપડતી હોય છે, પરંતુ એના અડધો કલાક પછી બીજી કોઈ ટ્રેન હોતી નથી, તેથી પ્રવાસીઓ આ જ ટ્રેન પકડવા માટે દોડાદોડી કરતા હોય છે. આ ટ્રેન છેક કર્જતથી આવતી હોવાથી ટ્રેનમાં ચઢવા માટે પ્રવાસીઓની વધુ ભીડ હોય છે. અહીંથી વધુ ટ્રેનની સર્વિસ ઉપલબ્ધ થાય એ જરુરી છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.