IND VS NZ: ફાઈનલ પૂર્વે રચિન રવિન્દ્રએ દુબઈની પીચ માટે આપ્યું મોટું નિવેદન

લાહોર: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં હવે ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રવિવારે ટક્કર થશે, ત્યારે ભારતીય મૂળના ક્રિકેટર રચિન રવિન્દ્રએ ફાઈનલ મેચ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. ન્યૂ ઝીલેન્ડના આક્રમક ઓપનર રચિન રવિન્દ્રનું માનવું છે કે તેમની ટીમે રવિવારે ભારત સામેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ માટે દુબઈની અજાણી પીચ પર અનુકુળ થવું પડશે.
ન્યૂ ઝીલેન્ડે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે માત્ર એક મેચ રમી હતી અને બાકીની મેચો પાકિસ્તાનમાં રમી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ન્યૂ ઝીલેન્ડે લાહોરમાં પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે બે ત્રિકોણીય મેચ રમી હતી. બીજી તરફ ભારતે તેની તમામ મેચ દુબઈમાં રમી છે અને તે ત્યાંની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે.
આ પણ વાંચો: ‘તુ તો ગયા’ સરફરાઝે રચિન રવીન્દ્રને આવી રીતે ચીડવ્યો
રવિન્દ્રએ કહ્યું હતું કે, “અમે દુબઈની પીચ વિશે વધુ જાણતા નથી. અમે ત્યાં ભારત સામે મેચ રમી હતી અને પછી બોલ ઘણો ટર્ન થઈ રહ્યો હતો જ્યારે બીજી મેચમાં અમે જોયું કે બોલ વધુ ટર્ન થઇ રહ્યો નહોતો. અમે પરિસ્થિતિઓને અનુકુળ થઈને અમારી રમત એ જ રીતે રમી અને અમારે રવિવારે ફરીથી એવું જ કરવું પડશે.
બુધવારે બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ન્યૂ ઝીલેન્ડની 50 રને જીત બાદ તેણે કહ્યું હતું કે, “અમે આગામી બે દિવસમાં તેના પર નજર રાખીશું અને આશા છે કે ક્રિકેટ માટે સારી પીચ હશે.”
રવિન્દ્રએ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં બે સદી ફટકારી હોવા છતાં દુબઈમાં રમાયેલી ભારત સામેની લીગ તબક્કાની મેચમાં તે હાર્દિક પંડ્યાના બોલને અપર કટ કરવાનો પ્રયાસ કરતી વખતે માત્ર છ રન કરીને આઉટ થયો હતો. જોકે, આ ડાબોડી બેટ્સમેન ફાઇનલમાં સારા પ્રદર્શનને લઇને આશાવાદી છે.
આ પણ વાંચો: બોલો, રચિનના નામ અંગે સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો
સેમિફાઇનલમાં 108 રનની શાનદાર ઇનિંગ રમનાર રવિન્દ્રએ કહ્યું હતું, “જ્યારે પણ તમે બેટિંગ કરો છો ત્યારે આઉટ થવાની સંભાવના રહે છે. આશા છે કે હું લાંબા સમય સુધી બેટિંગ કરીશ અને મારી ટીમ માટે સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખીશ.
ન્યૂ ઝીલેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન ડેરિલ મિશેલે કહ્યું કે ગ્રુપ સ્ટેજમાં ભારત સામેની હાર ભૂતકાળની વાત છે અને ફાઈનલ એક નવો દિવસ હશે. અમે આ પડકારનો સામનો કરવા અને પરિસ્થિતિઓને અનુરૂપ થવા માટે ખરેખર ઉત્સાહિત છીએ. આશા છે કે અમે તેમના પર દબાણ લાવવામાં સફળ થઈશું.