ફડણવીસની મુલાકાત પહેલાં વિરોધ પ્રદર્શનની યોજના: એમવીએના 50 કાર્યકર તાબામાં

પુણે: છત્રપતિ શિવાજી મહારાજ માટે નાગપુરના રહેવાસીએ કરેલી કથિત વાંધાજનક ટિપ્પણીને મામલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની કોલ્હાપુર મુલાકાત પહેલાં જ વિરોધ પ્રદર્શનની યોજના બનાવનારા મહાવિકાસ આઘાડી (એમવીએ)ના 50 જેટલા કાર્યકરને પોલીસે ગુરુવારે તાબામાં લીધા હતા.
ઈતિહાસકાર ઈન્દ્રજીત સાવંતને કથિત ધમકી આપી શિવાજી મહારાજ અને તેમના પુત્ર સંભાજી મહારાજ માટે વાંધાજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ તાજેતરમાં કોલ્હાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં સાવંતે જણાવ્યું હતું કે તેના મોબાઈલ પર એક કૉલ આવ્યો હતો. કૉલ કરનારા શખસે પોતાની ઓળખ પ્રશાંત કોરાટકર તરીકે આપી હતી. કૉલ કરનારા શખસે બ્રાહ્મીણ સમાજ વિરુદ્ધ કથિત રીતે તિરસ્કાર ફેલાવવા બદલ ઈતિહાસકારને મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: ધનંજય મુંડેના રાજીનામા પર ફડણવીસની સ્પષ્ટતા
મુખ્ય પ્રધાન ફડણવીસ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપવા ગુરુવારની સાંજે કોલ્હાપુરમાં આવ્યા હતા. તે પૂર્વે બુધવારે એમવીએના કાર્યકરોએ ફડણવીસની મુલાકાત દરમિયાન કોરાટકરની ટિપ્પણી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી.
આ બાબતની જાણકારી મળતાં પોલીસે બુધવારે જ એમવીએના 100થી વધુ લોકોને નોટિસ મોકલાવી હતી. બાદમાં ગુરુવારની સવારે એક સ્થળે એકઠા થયેલા 50થી 55 જણને તાબામાં લેવામાં આવ્યા હતા.
મુખ્ય પ્રધાનની મુલાકાત દરમિયાન વિરોધ કરવાની યોજના બનાવનારા અમુક કાર્યકરોને તાબામાં લેવાયા હોવાની વાતને જૂના રાજવાડા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટરે સમર્થન આપ્યું હતું.
(પીટીઆઈ)