કચ્છ

એક તો ડોક્ટરોની અછત ને હવે 700 કર્મચારી સામૂહિક રજા પરઃ દરદીઓ બેહાલ થયા કચ્છમાં

ભુજઃ રાજ્યમાં બેવડી ઋતુને લીધે રોગચાળો છે અને હૉસ્પિટલોમાં દરદીઓ ઊભરાઈ રહ્યા છે. સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં એક બાજું તબીબોની અછત છે તો બીજી બાજુ લગભગ 700 જેટલા આરોગ્યકર્મી રજા પર જતા રહેવાની જાહેરાત કરી છે.

રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે યોગ્ય નિર્ણય ન લેવાતાં આરોગ્ય વિભાગ વિરુદ્ધ પોતાનો રોષ પ્રકટ કરવા આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ પર ઉતરીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.

કચ્છમાં અંદાજે ૭૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ માસ સીએલ પર ઉતરી વિરોધ નોંધાવશે. તેમના આ પગલાંથી ઋતુજન્ય રોગચાળાના ભરડા વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આવતા દર્દીઓ વીલા મોઢે પરત જઈ રહ્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુની અસર દેખાઈ રહી છે હૉસ્પિટલોમાંઃ ડોક્ટરોએ આપી આવી સલાહ

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના નેતૃત્વ હેઠળ ગુજરાતની કારોબારી તેમજ ૩૩ જેટલા વિવિધ જિલ્લાના પ્રમુખ, મહામંત્રી, કન્વિનરોની ગાંધીનગર ખાતે અગાઉ મળેલા સંયુક્ત કારોબારી મિટીંગમાં લેવાયેલા નિર્ણયોને આધિન ડબલ એન્જીન વાળી ગુજરાત સરકાર સમક્ષ વર્ષો જુના પડતર પ્રશ્નો જેવા કે, પ્રમોશન તેમજ ૧૦ વર્ષીય ઉચ્ચતર પગાર ધોરણ મેળવવા ખાતાકીય પરીક્ષા રદ કરવી તેમજ એમપીએચડબ્લ્યુ, એફએચડબ્લ્યુ, એમપીએચએસ, એફએચએસ, તાલુકા કક્ષાના. સુપરવાઈઝર, જિલ્લા કક્ષાના સુપરવાઈઝર્સ, ભાઈઓ અને બહેનોને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા તેમજ ટેકનિકલ ગ્રેડ પે અનુક્રમે એમપીએચડબ્લ્યુ અને એફએચડબ્લ્યુ કેડરને ૧૯૦૦ ગ્રેડ-પે થી ૨૮૦૦ તેમજ સુપરવાઈઝર કેડરને ૨૪૦૦ થી ૪૨૦૦ રૂપિયાનું ભથ્થું મેળવવા સાથે કેડરના કર્મચારીઓના નાણાંકિય અને વહિવટી પ્રશ્નોના નિરાકરણ માટે અગાઉ રજુઆત કરવામાં આવી હતી જેનું સરકાર તરફથી આજદિન સુધી નિરાકરણ આવ્યું ન હોઈ, વિરોધ દર્શાવવા બુધવારે જિલ્લાના દરેક કેડરના તમામ આરોગ્ય કર્મચારીઓ માસ સીએલ મૂકી વિરોધ નોંધાવી રહ્યા છે. ગુરુવારે ગાંધીનગર કક્ષાએ સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં હાજર રહી સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ નક્કી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button