ભાવનગરનાં શ્રદ્ધાળુઓની બસનો ઉત્તર પ્રદેશમાં અકસ્માત; બે લોકોના ઘટનાસ્થળે મોત-અનેક ઘાયલ…

લખનઉ: ગુજરાતથી હરિદ્વાર જઈ રહેલા શ્રદ્ધાળુઓને ઉત્તર પ્રદેશમાં અકસ્માત નડ્યો છે. શનિવારે સવારે દિલ્હી-લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. જ્યારે પાંચથી છ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવા અહેવાલ છે. ગુજરાતનાં ભાવનગરથી હરિદ્વાર જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી બસની સિમેન્ટની ઈંટોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડામણ થઈ હતી. દુર્ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
Also read : પશ્ચિમ રેલવે અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવશે…
ભાવનગર જિલ્લાનાં 60 શ્રદ્ધાળુઓ
પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર જિલ્લામાંથી લગભગ 60 જેટલા શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ અને અયોધ્યાનાં દર્શન કર્યા બાદ બસમાં હરિદ્વાર જઈ રહ્યા હતા. આ દરમિયાન બસ બિલવા પુલ પર પહોંચતા જ સિમેન્ટની ઇંટોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડામણ થઈ હતી. અથડામણ એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ અકસ્માતમાં શ્રદ્ધાળુઓનાં રસોઈયા લાલા ભાઈ અને બસ કંડક્ટર આશિષનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પાંચથી છ જેટલા શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર હોવાનાં અહેવાલ છે. બધા ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Also read : Ahmedabad માં થયેલી રહસ્યમય હત્યાનો પોલીસે ભેદ ઉકેલ્યો , પાંચ આરોપીની ધરપકડ
અકસ્માતની ઘટના બાદ ટ્રાફિક જામ
અથડામણ એટલી ગંભીર હતી કે ટ્રેક્ટર ટ્રોલી પર ભરેલી ઇંટો હાઇવે પર વિખેરાઈ ગઈ હતી. દુર્ઘટના બાદ ટ્રેક્ટર ટ્રોલીનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. દુર્ઘટના સર્જાયા બાદ બસમાં સવાર શ્રદ્ધાળુઓ ચીસો અને બૂમો પાડવા લાગ્યા હતા. દુર્ઘટના બાદ શ્રદ્ધાળુઓ બસમાંથી ઉતરીને ડિવાઇડર પર બેસી ગયા હતા. અકસ્માતની ઘટના બાદ એક બાજુનાં રોડ પર સંપૂર્ણપણે જામ થઈ ગયો હતો. ઘટનાની વિગતો મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ટ્રાફિક જામ દૂર કરવામાં આવ્યો.