સળગતી આગને નહીં, પણ ઠંડી પડેલી રાખને લોકો રગદોળે છે

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
છઠ્ઠી સદી સુધી ભારત પર શકો અને હૂણોના અસંખ્ય હુમલા થયા હતા. લાંબા સુવર્ણયુગ પછી ભારતીય પરંપરામાં વિલાસ અને વૈભવ હાવી થવા લાગ્યો હતો. એક સંશોધન મુજબ એ સમયગાળામાં મહાન રાજા યશોવર્માએ હૂણોનાં રાજા મિહિરફુળને હરાવ્યો, યશોવર્મામાં અર્જુન જેવું કૌવત દેખાતાં મહાન કવિ ભારવિએ એક અદભુત રચના લખી. ભારતીયોને આત્મસન્માન માટે જગાડવા જરૂરી હતાં એ સમયે ‘કિરાતાર્જુનીય’ નામનું મહાન કાવ્ય લખવામાં આવ્યું.
આજે આપણે કવિ ભારવિએ લખેલા મહાકાવ્ય કિરાતાર્જુનીયની વાત કરવી છે. ભારતીય પરંપરામાં શ્રેષ્ઠ સંસ્કૃત રચનાઓમાં તેની ગણતરી થાય છે. ભગવાન શિવ પર અનન્ય શ્રદ્ધા ધરાવતા તથા દક્ષિણ ભારતીય ગણાતાં કવિ ભારવિ પલ્લવ રાજા વિષ્ણુવર્ધનના સમકક્ષ હતા. કિરાતાર્જુનીયની કથા મહાભારતની નાનકડી ઘટના પરથી લેવામાં આવી છે. આ કલ્પનાને શબ્દદેહ આપીને અઢાર સર્ગમાં વહેંચી છે.
મહાભારતમાં એક પ્રસંગ છે, જેમાં ભગવાન શિવ અને અર્જુન વચ્ચે યુદ્ધ થાય છે અને ભગવાન શિવ અર્જુનની ધીરજની પરીક્ષા લે છે. આ પ્રસંગને નવું સ્વરૂપ આપીને સુંદર કથા આલેખવામાં આવી છે. આધુનિક તણાવભર્યા યુગમાં આ ભારતીય કથા મેનેજમેન્ટના અનેક લેશન શીખવી જાય છે. સંસ્કૃત સાહિત્યનાં ઘણાં પુસ્તકોમાં લખાયેલી આ કથા અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી છે. મહાભારતમાં જુગટું હારીને યુધિષ્ઠિર તેમજ એના ભાઈઓ અને દ્રૌપદી વનમાં ભ્રમણ કરી રહ્યાં હતાં. એ સમયે એક દૂત આવીને દુર્યોધનના સમાચાર આપે છે. દ્રૌપદી પાંડવોની દરિદ્ર હાલત વિષે વાત કરે છે અને દુર્યોધન સાથે યુદ્ધ કરવાની સલાહ આપે છે. બીજી તરફ, ભીમ પણ દ્રૌપદીને સમર્થન આપે છે અને એ તત્કાલ યુદ્ધ કરવા તૈયાર થઇ જાય છે. યુધિષ્ઠિર તત્કાલ યુદ્ધ કરવા તૈયાર થતાં નથી.
આ કથામાં યુધિષ્ઠિર ત્વરિત યુદ્ધ કરવાની ના પાડતા સલાહ આપે છે કે ઉતાવળે કરેલો નિર્ણય આફતોનું કારણ હોય છે. યુધિષ્ઠિરનું માનવું છે કે યુદ્ધ થવાનું જ છે પણ આપણે વધારે સારી તૈયારીઓ કરવી જોઈએ. આ તૈયારીઓ માટે મહર્ષિ વ્યાસજી અર્જુનને હિમાલય જવાની આજ્ઞા આપે છે અને અર્જુન એક યક્ષની સહાયથી હિમાલયના ઇન્દ્રનીલ પર્વત પહોંચે છે. જયારે આફત મોટી હોય ત્યારે દુશ્મનની જાળમાં ફસાવા કરતાં પોતાની તૈયારીઓ પર ભાર મુકવાની વાત આજે દેશ અને દુનિયાએ શીખવાની જરૂર છે.
અહીંથી કથા આપણી આજની ભાષામાં કહીએ તો ટ્વિસ્ટ આવે છે કથા બદલાય છે અને અર્જુનની આસપાસ ફરે છે. હિમાલયમાં શરદ ઋતુની વાતની વિગતે વર્ણન લખવામાં આવી છે. અર્જુન પોતાની સાધનામાં આગળ વધે છે, પોતાના માનસપુત્ર એવા અર્જુનની પરીક્ષા લેવા માટે ઇન્દ્ર સ્વર્ગમાંથી અપ્સરાઓ અને ગંધર્વોને મોકલે છે. અર્જુનને અપ્સરાઓ પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરે છે . એની સામે ગંધર્વો સાથે પ્રેમલીલા રાચે છે. આ બધાનું કવિ ભારવિએ અદભુત વર્ણન કર્યું છે. અહીં શીખવું જોઈએ કે પોતાનો ધ્યેય પ્રાપ્ત કરતી વેળા લાલચો આપવામાં આવે તો પણ લક્ષ્યને વળગી રહેવું જોઈએ. અર્જુન મનમાં વિકાર લાવ્યા વગર પોતાના ધ્યેયને વળગી રહે છે. સ્વર્ગનો રાજા ઇન્દ્ર પણ અર્જુનની પરીક્ષા લેતાં યુદ્ધનો મોહ છોડીને મોક્ષ માટે ધ્યાન કરવાનું કહે છે ત્યારે અર્જુન સ્પષ્ટ જવાબ આપે છે કે મને મોક્ષમાં કોઈ રસ નથી, મારે હથિયાર જોઈએ છે. મારું તપ પાંડવોને યુદ્ધમાં શક્તિશાળી બનાવવા માટે છે. આ જવાબ સાંભળીને ઇન્દ્ર તેને ભગવાન શિવની આરાધના કરવા જણાવે છે. અર્જુનના તપને કારણે હિમાલયમાં હલચલ મચી જાય છે અને ઋષિમુનિઓ દેવાધિદેવ મહાદેવને ફરિયાદ કરે છે. ભગવાન શિવ કિરાતનો વેશ ધારણ કરીને અર્જુનના ધૈર્યની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. કોર્પોરેટ જગતમાં ટકી રહેવા પોતાના કામ માટે એટલી મહેનત કરવી જોઈએ કે સૌથી સિનિયર વ્યક્તિ સુધી તમારી ફરિયાદ થવી જોઈએ અને સિનિયર વ્યક્તિને પણ તમારી નિષ્ઠાની તપાસ કરવા માટે આવવું પડે.
મૂક નામનો દાનવ અર્જુન સાથે યુદ્ધ માટે આવે છે અને અર્જુન તેને બાણ મારે છે અને એ જ સમયે ભગવાન શિવ કિરાતના વેશમાં દાનવને બાણ મારે છે. અર્જુન અને કિરાત વચ્ચે વાગ્યુદ્ધ થાય છે કે દાનવને કોણે માર્યો? વાત વણસતા બંને વચ્ચે યુદ્ધ થાય છે અને અર્જુન તમામ પ્રકારના આયુધ વાપરે છે. કિરાત પર કોઈ આયુધની અસર થતી નથી અને અર્જુન સમજી જાય છ કે આ ભગવાન શિવ છે. ભગવાન પાસે માફી માગે છે અને ભગવાન શિવ એને પાશુપાત્ર આયુધ આપે છે જે કોઈ માનવ પાસે નથી.
કિરાતાર્જુનીય મહાકાવ્ય એ તમામ રસને જોડીને અંતે વીરતાની વાત કરે છે. મહાકાવ્યમાં અનેક બેસ્ટ ક્વોટ અવતરણ છે. જો આ કથનનો જ અભ્યાસ કરવામાં આવે તો જીવનમાં કોઈ મૂંઝવણ સતાવે નહિ. એક સ્થાને લખ્યું છે કે સમૃદ્ધિ પામવા વીરતા જરૂરી છે. લક્ષ્મી અને શ્રી શબ્દનો ભરપૂર ઉપયોગ કરનારા ભારવિએ લખ્યું છે કે જે બીજાને દાન આપી શકવાની હિમ્મત રાખતો હોય એની પાસે લક્ષ્મી વસતી હોય છે. સળગતી આગને નહીં, પણ ઠંડી પડેલી રાખને લોકો રગદોળે છે. રાજાઓની વીરતા માટે ભારવીએ લખ્યું છે કે શત્રુઓ તરફ શાંત રહેનારા મુનિ બનીને સિદ્ધિ મેળવી શકે છે, પણ એ રાજા બની શકતા નથી.
ભારવિ માટે એક કથા એવી છે કે એ અત્યંત ગરીબ સ્થિતિમાં હતા અને તળાવના કિનારે એક શ્ર્લોકની રચના કરે છે. આ શ્ર્લોક રાજાને આપી દે છે, જેમાં કોઈ પણ નિર્ણય લેતાં પહેલા ધીરજ ધરવી જોઈએ એવો ઉલ્લેખ હતો. એકવાર રાજા શિકાર માટે લાંબા સમય માટે બહાર જાય છે. અચાનક રાત્રે મહેલમાં આવીને જુએ છે કે એની પત્ની કોઈ યુવાન સાથે શયનખંડમાં હતી. રાજાને ગુસ્સો આવે છે અને તલવાર કાઢે છે, ત્યાં પેલા શ્ર્લોક પર નજર પડતાં રાણીને ઉઠાડે છે. રાણી ખુશ થતાં રાજાને કહે છે કે એમનો ખોવાયેલો પુત્ર આજે મળી આવ્યો છે. રાજાને પોતાના વિચાર માટે ખેદ થાય છે. કવિ ભારવિને શોધીને ધનવૈભવ આપવામાં આવે છે. જો કે વિદ્વાનો આ કથાના તથ્ય સાથે સહમત નથી. ધ એન્ડ જેને અન્યાય જોઈને ગુસ્સો આવતો ના હોય એ તમારો દોસ્ત હોય કે દુશ્મન એનાથી કોઈ ફેર પડતો નથી. (કવિ ભારવિ)