તરોતાઝા

પ્રાથમિક સારવાર

આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા

સતત ભાગદોડના આ યુગમાં આપણું જીવન અખંડ હરતું-ફરતું રહે એ બહુ જરૂરી છે. આમ છતાં, શરીરને ક્યારે અને કયાં શું થઈ જાય તેનો કોઈ નિર્ધાર નથી. શારીરિક આફતની વેળાએ આજુબાજુમાં યોગ્ય ચિકિત્સક હોય એવું જ્વલ્લે જ શકય હોય છે. એ વાતને ધ્યાનમાં રાખીને જો રોજબરોજ થતા નાના-મોટા અકસ્માતોના પ્રાથમિક ઉપચારોથી આપણે માહિતગાર
હોઈએ તો તે આપણને તેમ જ આજુબાજુવાળાને બહુ જ ઉપયોગી થઈ શકે છે.

મોટા ભાગે આ અકસ્માતોનું સ્વરૂપ નાનું હોય છે. આમ છતાં ક્યારેક તે આપણને કે બીજાને મોતની નજીક લાવી શકે છે એ વાત ન ભૂલવી જોઈએ.

આવી કટોકટીની વેળાએ જો આપણે ઈમરજન્સી સારવારના પ્રાથમિક ઉપચારો જાણતાં હોઈએ તો તેવી વિકટ પરિસ્થિતિને યોગ્ય માર્ગ-ઉકેલ કાઢી શકીએ માટે આપણે સહુએ આવી ઈમરજન્સીના પ્રાથમિક ઉપચારો શીખી રાખવા જરૂરી છે.

આ વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અહીં ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓમાં સર્જાતી ઈમરજન્સીના પ્રાથમિક ઉપચારો આપ્યા છે. આશા છે કે, આપ તેનો અભ્યાસ કરી, પોતાને તથા બીજાને મદદરૂપ થઈ શકશો.

જખમ- સોજો- મચકોડ
જખમ:

1) સહુ પ્રથમ પાણીથી હાથ ધોવા.

(જેથી હાથમાં રહેલા જીવાણુનો ચેપ ઘા પર ન લાગે.)

2) લોહી નીકળતું અટકાવવું.

(સામાન્ય જખમમાં લોહી પોતાની રીતે બંધ થઈ જાય છે, પરંતુ વધુ વાગ્યું હોય તો સ્વચ્છ કપડાં કે પટ્ટીથી દબાણ આપીને લોહી બંધ કરવાનો પ્રયત્ન કરવો.

3) વધુ વાગ્યું હોય તો જખમને હૃદયથી ઉપર રાખવો.
(હાથે કે પગે વાગે ત્યારે તેને હૃદયથી ઊંચા રાખવા, જેથી વધુ લોહી ન નીકળે.)

4) જખમને સ્વચ્છ પાણીથી ધોવો.
(જીવાણુનાશક સાબુ કે લિક્વિડથી જખમને સાફ કરી શકાય, પરંતુ કેમિકલયુક્ત સાબુ વગેરેથી જખમને ક્યારેય સાફ ન કરવો કેમ કે તેનાથી વધુ ચેપ લાગી શકે છે.)

5) વાગેલા જખમ પર અહીં દર્શાવેલી વસ્તુ લગાવી શકાય, જેમ કે…
મધ, કુંવારપાઠું, હળદર વગેરે…

6) ચેપ લાગી શકે એવી જગ્યાએ જખમ થયો હોય તો પટ્ટી (ઇફક્ષમફલય) મારવી અથવા પાટો બાંધી દેવો.
(વધુપડતી ફીટ પટ્ટી કે પાટો ન બાંધવો. સામાન્ય જખમ હોય અથવા ચેપ લાગવાની શક્યતા ન હોય ત્યાં પટ્ટી કે પાટો બાંધવાની જરૂર નથી.)

સાવધાની

  • જખમને અમુક સમયે ખુલ્લો રાખવો, જેથી તાજી હવા મળવાથી રૂઝ જલદી આવે.
  • જખમ પર બહારના કોઈ પણ કચરા કે ધૂળ વગેરેનો સ્પર્શ ન થાય તેની સાવધાની રાખવી.
  • જખમ પર સૂર્યનો વધુપડતો તડકો ન પડવા દેવો.
  • વધુ પ્રમાણમાં પાણી કે પ્રવાહી લેવું, જેથી શરીરમાં કમજોરી કે ચક્કર ન આવે.
  • જખમ દરમિયાન ખટાશવાળા પદાર્થોનું સેવન ન કરવું.
  • જો વધુ જખમ થયો હોય, અમુક સમયે રૂઝ આવતી ન હોય, લાલાશ વધતી જતી હોય અને સોજો આવી ગયો હોય તો ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર લેવી.

સોજો-મૂઢમાર
1) વાગવાથી કે મચકોડથી આવેલા સોજા પર હળદર અને મીઠાને પાણીમાં ઉકાળીને લેપ કરવાથી રાહત થાય છે.

2) મીઠું લસોટીને ચોપડવાથી સામાન્ય સોજો ઊતરી જાય છે.

3) તુલસીના પાનને પીસીને લગાડવાથી જંતુના કરડવાના કારણે થયેલો સોજો મટી જાય છે.

4) લવિંગ વાટીને તેનો લેપ સોજા ઉપર ચોપડવો.

5) તાંદળજાના પાનનો લેપ કરવો.

6) આંબલીના પાન અને સિંધવમીઠું વાટીને તેનો ગરમ લેપ, સોજા પર કે ઝકડાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી સોજો ઊતરે છે.

7) કડવા લીમડાનાં પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા ઉપર બાંધવાથી સોજો ઊતરે છે.

8) મૂઢમાર કે મરડાયેલાં હાડકાં પર આંબલી ને આવળના પાનનો લેપ ગરમ કરી લગાડવાથી સોજો ઊતરે છે.

9) સરસિયા કે તલના તેલમાં થોડો અજમો નાખી તેલ ગરમ કરી સંધિવાના સોજા પર માલિશ કરવાથી આરામ થાય છે.

આ પણ વાંચો…શિયાળામાં ભરપૂર મળતાં નારંગનો સ્વાદ મનભરીને માણવા જેવો છે

મચકોડ
1) મચકોડવાળા સ્નાયુને જેટલો વધુ આરામ મળે તેટલી જલદી રાહત થશે. (પગે મચકોડ થયો હોય તો ચાલવું નહીં.)

2) બરફને કપડામાં બાંધીને મચકોડવાળા સ્નાયુ પર દિવસમાં 4થી 5 વાર 20-20 મિનિટ સુધી બાંધવો.

3) ત્રણેક ચમચી હળદર અને 1 ચમચી લીંબુના રસમાં થોડું ગરમ પાણી નાખીને તેનું મિશ્રણ કરી મચકોડ ઉપર લગાવી 10 કલાક સુધી પાટો બાંધી રાખવો.

4) પગ મચકોડાયો હોય તો, હળદર અને મીઠામાં પાણી નાખી બનાવેલ લોપરીને ગરમ કરી મચકોડ પર લગાવી પાટો બાંધવો. પાટો બાંધ્યા પછી પગને ઊંચો રાખવો. જેથી કરીને સોજામાં રાહત થાય.

આ પણ વાંચો…શું છે આ સ્ટેનોસિસ – સ્નાયુ સંકોચન?

5) હૂંફાળા દિવેલ કે ઓલિવ ઑઈલનું માલિશ મચકોડ ઉપર કરવું.

સાવધાની
અહીં માત્ર ઈમરજન્સીની પ્રાથમિક સારવાર જ આપેલ છે. જો વધુ તકલીફ જણાય તો તરત ચિકિત્સક પાસે જઈ યોગ્ય સારવાર પ્રાપ્ત કરવી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button