હું ભોળોનાથ નથી, પણ ભોળાઓનો નાથ છું!

મોજની ખોજ -સુભાષ ઠાકર
કોઈ મને પૂછે કે તારે શું બનવું છે ને હું કહુ ‘ચોર’ તો તરત જ તમે બધા ભડકશો ને 60 સેકંડમાં તો તમારા મગજમાં 17,777 ઝણઝણાટી પ્રગટી જશે ને ચહેરા પર સૂકા નારિયેળના છોતરાં જેવી સત્તરસો કરચલીઓ પડશે, પણ સત્ય ને તથ્ય જાણશો તો તમારું હૈયું પણ પોકારી ઊઠશે : ‘ઠાકરિયા, યુ આર રાઇટ કમ વિથ મી.’
માત્ર ચોર આ દેશની અર્થ વ્યવસ્થાની કરોડરજ્જુ સમાન છે, જે ચોરને લીધે તિજોરી છે, દરવાજે તાળાં છે, ચોરને લીધે જ જેલ છે, પોલીસ છે. જેના પર જજ, વકીલ કે પોલીસ ઇન્સ્પેકટર, સોસાયટીનો વોચમેન, ઈત્યાદિ ,ઈત્યાદિ. બધા નભતા હોય, અરે જે કલા વારસામાં ન મળી હોય પણ સાહસ, શ્રમ ને પોતાની આવડતથી ઊભી કરી હોય, કોઈ કોલેજ કે સ્કૂલમાં શિક્ષણ લીધા વગર ચોરીની કલા શીખ્યો હોય, અરે હજી એ તો વિચારો કે જે ચોર પોતાની અમૂલ્ય નિંદ્રાનું બલિદાન આપી પારકાના ઘરને કે દુકાનને પણ પોતાનું સમજી પોતાના પરિવાર માટે પ્રબળ પુરુષાર્થ કરતો હોય એવા ચોરભાઈઓ કેટલા લોકોને રોજી પૂરી પાડે પણ અફસોસ છે કે એવી વ્યક્તિનું સન્માન કરવાને બદલે જ્યારે જનતા એને તિરસ્કારની નજરે જુએ છે. જ્યારે કોઈ બધા ધંધા કરતાં કઈક જુદી કલામાં પોતાનો હાથ અજમાવીને સફળ થાય છે ત્યારે સમાજ તો ઠીક, પણ ઘરમાં બાપા પણ ન બોલે કે ‘મારા દીકરાને શ્રેષ્ઠ ચોરનો એવાર્ડ મળવો જોઈએ..’ એ વખતે મારુ હૈયું કકળી ઊઠે છે. જ્યારે ચોરને કોઈ પોતાનો ન સમજે ત્યારે એને પોતાને પણ કેટલું દુ:ખ થતું હશે.
આવા જ એક પરોપકારી ચોર ચંબુ ને ચંપક અડધી રાત્રે ઝવેરચંદ ઝવેરીની દુકાનમાં ઘૂસ્યા… પંદર મિનિટમાં ઘુવડ જેવી નજરથી કોલંબસે અમેરિકા શોધવા જેટલી મહેનત કરેલી એથી વધુ તિજોરી કે ગલ્લો શોધવા કરવી એ કઇ ખાવા (કે પીવાના!) ખેલ નથી.. સોનાના ભાવ પર દ્રષ્ટિ પડતા જ ચંપક ચમક્યો : ‘ચંબુ, અપના ભી સોના હરામ કર દે, ઈતના સોનેકા ભાવ? બાપરે,આ ઝવેરી તો મારો બેટો, લૂંટવા જ બેઠો છે ને?’
‘એ ટોપા, એ લૂંટવા બેઠો છે તો આપણે અહીં શું થપ્પો રમવા આવ્યા છીએ? અડધી રાતે આપણે ખરીદવા નઇ, લૂંટવા આવ્યા છીએ. જેટલું લૂંટાય એટલું લૂંટી સિફતથી વહેતા પડવાનું ..કેટલું નથી મળ્યું એના કરતાં કેટલું મળ્યું એ મહત્ત્વનું છે. અત્યારે ઝવેરચંદ ભલે નિરાંતે સૂતો હોય પણ આવતી કાલે જ્યારે આપણે સૂતા હોઈશું ત્યારે એની ઊંઘ હરામ થઇ ગઈ હશે ને મનમાં ગાતો હશે :
‘હોઓઓઓ નીંદ ન મુજકો આયે દિલ મેરા ગભરાએ..’ ચોરેલો માલ થેલામાં ભર્યો ને ચંપક બોલ્યો : ચંબુ, ચાલ ગણી લઈએ’ ‘અરે કાલે પેપરમાં વાંચી લઈશું કે ટીવીમાં જોઈ લઈશું’ ચંબુ બોલ્યો ‘ના ભાઈ ના, આપણા જેટલી ઈમાનદારી એ લોકોમાં ક્યાં હોય છે? વીમા કંપનીમાં હજાર હશે તો લાખ ને લાખ હશે તો કરોડ ગણાવે છે. યુ નો, આપણે માત્ર ચોર ને એ બધા મહાચોર. ગ્રાહકને ખબર પણ ન પડે એવા છે એ લૂંટારા એટલે…’ ‘ઓકે તો તું એ કામ કર, હમણાં બધો માલ લઈ જા કાલે શાંતિથી મળીશું’ બીજા દિવસે ઝવેરચંદને આઘાત લાગ્યો એના કરતા ચંપકે ચંબુને વધુ ઝાટકો આપ્યો : ‘ચંબુ બકા, સોરી કાલે મારા જ ઘરે ચોરી થઈ ને આપણે ચોરેલો બધો જ માલ ચોરાઇ ગયો’
જરાય ગુસ્સા વગર ચંબુ બોલ્યો: ‘ચાલ્યા કરે,નસીબમાં હોય તો ભાગીને પણ આવે ને ન હોય તો આવેલું પણ ભાગી જાય.’ બીજા દિવસે અડધી રાત્રે એકલો ચંબુ શિવમંદિરમાં પહોંચ્યો ‘હે વિશ્વનાથ,આ જગતમાં કોનો વિશ્વાસ કરવો? તને પણ આખી જિંદગી આજીજી કરી પણ તું ક્યાં સાંભળે છે એટલે આજે માગવા નઇ પણ છીનવી લેવા આવ્યો છુ. પણ સાલુ તારા મંદિરમાં છીનવવું પણ શું?’ એટલામાં હાથ ન પહોંચ્યો એટલે શિવલિંગ પર પગ મૂકી સીધો લોકલ ટ્રેનનો ડાંડો પકડ્યો હોય એમ ગળતી પકડી, પણ આ શું? પગ મૂકતાની સાથે જ થાંભલામાંથી નરસિંહ પ્રગટેલા એમ શંકર પ્રગટ્યા ને ચંબુ ગભરાયો ધ્રૂજયો :
‘સોરી પ્રભુ, જેના ચરણમાં લોકો શીશ ઝુકાવે એના જ પર મેં ચરણ-પગ મૂક્યા, પ્રભુ મીચ્છામી દૂકડમ, અરે, ફરી સોરી તમે કયાં જૈન છો? તમે તો હિંદુના છો, માફ કરો પ્રભુ હું મજબૂર હતો. !’ ‘વત્સ, હું તારા પર ખુશ છું..’ શિવ ઉવાચ ‘અરે, તમે ખુશ છો પણ હું ચોર છું અને તમે મારા પર..’ ‘અરે, લોકો મારા પર જળ, પંચામૃત બીલીપત્ર કે ફૂલ ચડાવે પણ તું તો આખેઆખો મારા પર. આખી જાત સમર્પિત કરી દીધી, ને ચોર તો કોણ નથી વેપારી કે ડોક્ટર, સંસદમાં પગાર વધારો માગનાર બધા ચોર જ છે. અમારા ભગવાનોમાં પણ ક્રૃષ્ણ માખણચોર જ કહેવાય છે ને?’
‘પ્રભુ એટલે તો અમે રોજ બરાડા પાડીને ગાઈએ ‘શંભુ શરણે,પડી માગું ઘડી રે ઘડી.. પણ જ્યારે તમારા મંદિરમાંથી તમારી જ દાનપેટી કોઈ ચોરી ગયું ને તમે ચૂપચાપ ઊભા ઊભા… .અરે, તમે તમારી જ રક્ષા ન કરી શક્યા હવે તમને કેમ કઉં કે મારી રક્ષા કરજે..તમે કેવા ભોળાનાથ..’ ‘બકા, વધુ બક બકની જરૂર નથી. હું ભોળોનાથ નથી, પણ ભોળાઓનો નાથ છું, અરે રક્ષા તો મેં કરી જ છે પણ જે દાનપેટી લઈ ગયો – જેને મેં ખોબલે ખોબલે આપ્યું એ ચપટી ચપટી પણ ના આપે તો મને દુ:ખ ન થાય? એટલે મેં જ કીધું કે તું આ મારી દાનપેટી લઈ જા મારા ભક્તો મને જોઈએ એના કરતાં પણ વધુ આપશે પણ તને નઇ આપે..અને છેલ્લી વાત, તમે માગવા આવો છો એના કરતાં ક્યારેક તો મળવા આવો…તમને માગવાની જરૂર જ નઇ પડવા દઉં.. મારી પૂરે પૂરી ગેરંટી !’ શું
કહો છો?