હોસ્પિટલને ઉડાવવામાં કોઇ ભૂમિકા ન હોવાનું ઇઝરાયલનું રટણ, UNમાં આપશે પુરાવા

ગાઝાના અલ અહલી હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500 લોકોના મોત થઇ ચુક્યા છે. હમાસે આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે જો કે ઇઝરાયલે આ વાતને રદિયો આપતા જણાવ્યું છે કે તે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને પુરાવા આપશે કે આ હુમલા પાછળ તેની કોઇ ભૂમિકા ન હતી. અમેરિકાએ હમાસ સાથે સંકળાયેલા 9 સભ્યો અને એક યુનિટ પર પ્રતિબંધ મુક્યો છે. અમેરિકાના ટ્રેઝરી સચિવ જેનેટ યેલેને એક નિવેદનમાં કહ્યું છે કે બાળકો સહિત ઇઝરાયલી નાગરિકોના ક્રૂર નરસંહાર બાદ અમેરિકા હમાસને ભંડોળ પૂરું પાડતા અને સાધનો આપનારા લોકોને નિશાન બનાવવા માટે ત્વરિત અને નિર્ણાયક કાર્યવાહી કરી રહ્યું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પણ જણાવ્યું હતું કે અલ અહલી હોસ્પિટલ પરના હુમલો ઇઝરાયલના બદલે ગાઝાના આતંકવાદી સંગઠનોને લીધે થયો છે. તેમણે કહ્યું હતું કે હું કાલે ગાઝાની હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટથી દુ:ખી છું. મેં જે જોયું છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે આ કોઇ અન્યનું જ કામ છે.
બાઇડને કહ્યું, “હું અહીં એક સાધારણ કારણોસર આવવા માગતો હતો. હું ઇચ્છું છું કે ઇઝરાયલના લોકો અને દુનિયાના લોકો એ જાણી લે કે અમેરિકા કોની સાથે ઉભું છે. હું વ્યક્તિગત રૂપે આવીને આ સ્પષ્ટ કરવા માગતો હતો. બાઇડને જોર આપીને કહ્યું હતું કે હમાસે 1300થી વધુ લોકોની હત્યા કરી, અને એમાં 31 અમેરિકાના નાગરિકો પણ સામેલ છે. તેણે બાળકો સહિત અનેક લોકોને બંધક બનાવ્યા છે.”
બીજી તરફ ઇરાને તમામ મુસ્લિમ દેશોને ઇઝરાયલ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. ઇરાનના વિદેશપ્રધાન હોસૈન અમીરાબ્દુલ્લાહિયને ઇસ્લામિક દેશોના સંગઠન OICની બેઠક દરમિયાન સભ્ય દેશોને ઇઝરાયલ પર પ્રતિબંધ લગાવવાનું સૂચન કર્યું છે. જેદ્દામાં તેમણે તમામ ઇઝરાયલના રાજદૂતોને કાઢી મૂકવા તેમજ અલ અહલી હોસ્પિટલ પરના હુમલા બાદ ગાઝામાં યુદ્ધ અપરાધોના રેકોર્ડ માટે ઇસ્લામી વકીલોના સમૂહની રચના કરવાનું આહ્વાન કર્યું છે.
અલ જઝીરાની એક રિપોર્ટ મુજબ આર્કબિશપ હોસામ નાઉમે યેરુશાલેમમાં ચર્ચોના પ્રમુખો સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે અલ અહલી હોસ્પિટલને શનિવારે, રવિવારે અને સોમવારે ખાલી કરવા અંગે ફોન પર ચેતવણી મળી હતી. પરંતુ તેમણે એ ન જણાવ્યું કે ચેતવણી કોણે આપી હતી.