મધ્ય પ્રદેશ પછી ગોવામાં ‘છાવા’ કરમુક્ત જાહેર

પણજીઃ મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ સંભાજીના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ ‘છાવા‘ ગોવામાં કરમુક્ત કરવાની ગોવા સરકારે જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે બુધવારે સાંજે એક્સ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે છત્રપતિ સંભાજી મહારાજનું બલિદાન લોકો માટે પ્રેરણારૂપ છે. સાવંતે પોસ્ટમાં કહ્યું કે મને આ જાહેરાત કરતાં આનંદ થાય છે કે છત્રપતિ સંભાજી મહારાજના જીવન અને બલિદાન પર આધારિત ફિલ્મ ‘છાવા’ ગોવામાં કરમુક્ત થશે.
તેમણે કહ્યું કે વિક્કી કૌશલ અભિનીત આ ફિલ્મ દેવ, દેશ અને ધર્મ માટે છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરી અને હિંમતને દર્શાવે છે. તેમજ ગૌરવશાળી ઇતિહાસને પડદા પર લાવે છે. મુઘલો અને પોર્ટુગીઝ સામે બહાદુરીથી લડનારા હિંદવી સ્વરાજ્યના બીજા છત્રપતિનું બલિદાન આપણા બધા માટે પ્રેરણારૂપ છે.
આપણ વાંચો: લોઅર પરેલમાં છાવા જોવા ગયેલા દર્શકો બન્યા આક્રમકઃ ઠાકરે જૂથના નેતાએ કરવો પડ્યો હસ્તક્ષેપ
ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે પણ બુધવારે આ ફિલ્મ તેમના રાજ્યમાં કરમુક્ત રહેવાની જાહેરાત કરી હતી.
બંને રાજ્યો દ્વારા આ જાહેરાત મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ સંભાજીના પિતા છત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવી હતી.
વિક્કી કૌશલ, રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના અભિનીત આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉતેકર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું નિર્માણ મેડોક ફિલ્મ્સના દિનેશ વિજન દ્વારા કરવામાં આવ્યું છે. વિક્કી કૌશલે ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે.