તરોતાઝા

ફેટ લોસ કે વેઈટ લોસ? જાણો, શું છે શ્રેષ્ઠ વિકલ્પ


આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક

પહેલા , પછી પહેલાના જમાનામાં લોકો શારીરિક શ્રમ પડે તેવાં કાર્યમાં પરોવાયેલા હતા, પછી એ સ્ત્રી હોય કે પુરુષ. જોકે, હવે ખુરશીમાં બેસીને કામ કરવું એવી બેઠાડુ જીવનશૈલી થઇ ગઈ છે. અધૂરામાં પૂરું, ખાનપાનની આદતો પણ બદલાઈ ગઈ છે. દેશી અને ઘરમાં બનાવેલા ખોરાકને તિલાંજલિ આપીને લોકો બજારુ ખોરાક તરફ વધુ ઢળ્યા છે. સરવાળે જે રોગ બહુ વકર્યો છે, તે છે સ્થૂળતા. સ્થૂળતા એ આધુનિક સમયમાં બહુ સામાન્ય થઇ ગયેલો રોગ છે. પરિણામે ડાયટિંગ કરીને વજન ઉતારવું પણ બહુ સામાન્ય થઇ ગયું છે.

બીજી બાજુ, ફેશનના કારણે પણ ડાયટિંગ અને જિમિંગ કરીને લોકો ફિટ દેખાવાનો પ્રયત્ન કરે છે. લોકો પોતાનું વજન અંકુશમાં લેવા જાતજાતના ઉપાય અજમાવતા રહે છે. આરોગ્યપ્રદ રીતે ફિટ હોવાની વ્યાખ્યાનો કોઈ વિચાર કરતું જ નથી. શરીરને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ વજન જાળવી રાખવું જરૂરી છે અને સાથે સાથે એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે તમારે સ્વસ્થ વજન જાળવી રાખવા વેઈટ લોસ (વજન ઘટાડો) કરવાની જરૂર છે કે ફેટ લોસ (ચરબી ઘટાડો)?

વેઈટ લોસ શું છે?

વેઈટ લોસનો સીધો અર્થ થાય છે કે શરીરનું વજન ઘટાડવું એટલે કે વજન ઘટાડવા માટે વ્યક્તિએ શરીરમાંથી સ્નાયુ, ચરબી અને પાણીનું વજન ઓછું કરવું પડે. આવી સ્થિતિમાં, તમે ક્રેશ ડાયટ અને ગ્લુટેન ફ્રી ડાયટ દ્વારા શરીરનું વજન ઘટાડી શકો છો, પરંતુ આમ કરવાથી માત્ર વજન જ નહીં, પરંતુ શરીર માટે જરૂરી સ્નાયુઓ પણ ઘટશે, જે શરીરને મજબૂત બનાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી જો તમારે સ્લિમ અને ટોન બોડી જોઈતું હોય, તો આ માટે તમારે વજન ઘટાડવું નહીં પણ ચરબી ઘટાડવી જોઈએ.

ફેટ લોસ શું છે?

ફેટ એટલે કે ચરબી એ શરીરનો એક આવશ્યક ભાગ છે, જે શરીરના કાર્ય માટે મહત્ત્વપૂર્ણ છે, પરંતુ શરીરમાં તેની માત્રા વધવા લાગે ત્યારે શરીરમાં સ્થૂળતા વધવા લાગે છે. શરીરમાં સંગ્રહિત આ ચરબીને બાળવાની પ્રક્રિયા ‘ફેટ લોસ’ તરીકે ઓળખાય છે.

શરીરની ચરબી ઘટાડવાનો સૌથી સહેલો રસ્તો છે કેલરીની ઊણપ અને સખત વર્કઆઉટ. જો તમે ટોન બોડી મેળવવા માંગતા હો તો આ માટે તમારે શરીરની વધારાની ચરબી ઓછી કરવી જોઈએ. આવી સ્થિતિમાં, તમે ક્રેશ ડાયટ અને ગ્લુટેન ફ્રી ડાયટ દ્વારા શરીરનું વજન ઘટાડી શકો છો, પરંતુ આમ કરવાથી માત્ર વજન જ નહીં પરંતુ શરીર માટે જરૂરી સ્નાયુઓ પણ ઘટશે, જે શરીરને મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

– તો પછી વજન ઘટાડવા અને ચરબી ઘટાડવા વચ્ચે શ્રેષ્ઠ વિકલ્પ કયો છે?

વજન ઘટાડવું એ સામાન્ય રીતે હાનિકારક માનવામાં આવે છે, કારણ કે આ પ્રક્રિયા દરમિયાન સમગ્ર શરીરના વજનમાંથી સ્નાયુઓ, પાણી, ગ્લાયકોજેન અને ચરબી નષ્ટ થાય છે. જ્યારે ચરબી ઘટાડવામાં શરીરમાં પહેલાથી જ સંગ્રહિત શરીરની ચરબી ઓછી થાય છે. તેથી તેને વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે.

બીજી તરફ, તંદુરસ્ત વજન જાળવવા માટે ફક્ત તમારા વજનનું નિરીક્ષણ કરવું એ વિશ્વસનીય રીત નથી. તમે કેટલી ચરબી અથવા સ્નાયુ ગુમાવી રહ્યા છો તે જાણવું મહત્ત્વપૂર્ણ છે. ચરબી ગુમાવીને પણ, સ્નાયુઓને જાળવી રાખીને તમે કેવી રીતે વજન ઘટાડી શકો છો?

એ માટે પ્રોટીન લો..
તમારું ધ્યેય ચરબી ગુમાવવાનું અને સ્નાયુઓને બચાવવાનું છે તો તમારા આહારમાં પ્રોટીનની માત્રા વધારવી જોઈએ. પ્રોટીનના યોગ્ય સેવનથી વજન ઘટે છે, મસલ્સ રિપેર થાય છે અને ડેવલપ થાય છે. ઉપરાંત, કસરત કરો. વ્યાયામ સ્નાયુઓને મજબૂત બનાવે છે અને તમારું વજન ઘટાડે છે. જો તમે અઠવાડિયામાં બે થી ત્રણ વખત કાર્ડિયો અને વેઈટ ટ્રેઈનિંગ કરો છો, તો તે સ્નાયુઓ બનાવે છે અને કસરત ન કરતા લોકો કરતાં તમારી ચરબી સારી રીતે ઘટાડે છે.

હેલ્ધી ડાયટ લો…
તમારે એવો આહાર લેવાની જરૂર છે, જેમાં શરીરમાં વધુ પોષણ અને ઓછી કેલરી હોય. તમે કેલરી ઘટાડીને અને કસરત કરીને વજન ઘટાડી શકો છો. તેથી તમારા આહારમાં વધુ ફળો, શાકભાજી, આખા અનાજ અને પ્રવાહીનો સમાવેશ કરો. આનાથી તમે વધુ ઝડપથી કેલરી ઓછી કરી શકશો.

શું તમે જલ્દી થાકી જાઓ છો?
શું તમે દરરોજ વર્કઆઉટ કરો છો અને કસરત કરતી વખતે વચ્ચે આરામની જરૂર છે? શું તમે ખૂબ જ ઝડપથી થાકી જાઓ છો અથવા કસરત કરતી વખતે હાંફવાનું શરૂ કરો છો? તો તમે જાણી લો કે તમે ચરબી નહીં, પણ સ્નાયુ ગુમાવી રહ્યા છો. તમને લાગશે કે તમે વધારે કામ કરવાને કારણે થાકી ગયા છો, પરંતુ આ એટલા માટે છે કારણ કે તમારા શરીરમાં સ્નાયુઓ ઓછા છે.

વર્કઆઉટ શરૂ કરતા પહેલા, દરેક વ્યક્તિના શરીરમાં ચરબીની ટકાવારી હોય છે. જો ઘણા દિવસો સુધી વર્કઆઉટ કર્યા પછી પણ તમારા શરીરની ચરબી એવી જ રહે છે તો તમારે સમજવું જોઈએ કે તમે સ્નાયુ ગુમાવી રહ્યા છો. તેનાં લક્ષણો પૈકી એક એ છે કે તમારા શરીર પર ચરબી તો એવી જ રહે છે પરંતુ તમારું શરીર થોડું સંકોચાય છે. જો તમે ખૂબ જ કડક વર્કઆઉટ અને ડાયટ ફોલો નથી કરતા તો તમારું વજન સાધારણ ગતિએ ઓછું થાય છે, પરંતુ જો તમારું વજન ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે અને તમે કોઈ ખાસ આહારનું પાલન નથી કરી રહ્યા તો તમારે સમજવું જોઈએ કે તમે ચરબીને બદલે સ્નાયુ ગુમાવી રહ્યા છો. ઝડપી વજન ઘટાડો લાંબો સમય ટકતો નથી. તે થોડા દિવસો પછી પાછો આવે છે અને તમે ફરીથી જાડા-સ્થૂળ થઈ જાઓ છો. તેથી ચરબીના નુકસાન પર ધ્યાન કેન્દ્રિત કરો અને સ્નાયુઓના નુકસાન પર નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button