મેટિની

ધ ક્યુરિયસ કેસીસ ઓફ કમબેક્!

ઓસ્કર્સ નોમિનેટેડ ફિલ્મ્સ દ્વારા ભૂલાયેલા એક્ટર્સની સિનેમા વાપસીની મજેદાર વાત



શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

કી હુઈ કવાન, બ્રેન્ડન ફ્રેઝર, ડેમી મૂર, માઈકલ કીટન માર્ચ મહિનામાં દર વર્ષની જેમ ઓસ્કર એવોર્ડ્સનું આયોજન થઈ રહ્યું છે. હંમેશની માફક નોમિનેશન્સ અને ફેવરિટ ફિલ્મ્સની સાથે-સાથે તેના પ્રચારને લગતા અનેકવિધ સમાચાર આવી રહ્યા છે. એકેડમી એવોર્ડ્સ મતલબ કે ઓસ્કર્સ સાથે એક બહુ જ મજેદાર પેટર્ન જોડાયેલી દેખાય છે. અમુક વીતેલાં વર્ષોના એક્ટર્સ કે ખૂબ સિદ્ધિ મેળવેલા સ્ટાર્સ જે છેલ્લા અમુક વર્ષોથી ખોવાઈ ગયા હોય એમનાં કમબેક માટે ઓસ્કર્સ નિમિત્ત બન્યું હોય તેવા અનેક કિસ્સા બન્યા છે,જેની પાછળના અનેકવિધ પરિબળની વાતો જાણવા જેવી છે.

આ વર્ષે ‘ધ સબસ્ટન્સ’ નામની હોરર ફિલ્મ ઘણી ચર્ચામાં છે. એની અભિનેત્રી ડેમી મૂર બેસ્ટ એક્ટ્રેસની શ્રેણીમાં નોમિનેટ થઈ છે. આ જ ફિલ્મ માટે અતિ પ્રખ્યાત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ તો ડેમી જીતી જ ચૂકી છે, પણ એકેડમી એવોર્ડ મેળવીને એ પોતાનું કમબેક વધુ મજબૂત રીતે નોંધાવી શકે છે. ફિલ્મ ક્રિટીક એના સ્મિથનું કહેવું છે કે ‘કમબેક કરવું આજકાલ ફેશન બની રહ્યું છે. દર્શકો પણ કમબેક એટલા માટે સ્વીકારે છે, કેમ કે પોતાના બચપણ કે યુવાનીમાં એમણે અમુક એક્ટર્સને જોયા હોય અને વર્તમાન કાળમાં એ જ મનપસંદ સ્ટાર્સને ફરી વખત જોવામાં ‘નોસ્ટેલ્જીયા ફેક્ટર’ કામ કરે છે.

એક્ટર્સનું બદલાતું ભાગ્ય જોઈને પોતાની જિંદગીમાં પણ એમને એક આશા જન્મે છે.’ ડેમી મૂરની જેમ જ ‘બેવોચ’ ફેમ પામેલા એન્ડરસનને પણ પોતાની ‘ધ લાસ્ટ શોગર્લ’ માટે ગોલ્ડન ગ્લોબ અને સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ્સમાં નોમિનેશન્સ મળ્યાં હતાં. 2023ના એકેડમી એવોર્ડ્સમાં પણ વર્ષો પછી ફિલ્મ્સમાં ફરી દેખાયેલા એક્ટર કી હુઈ કવાનને ઓસ્કર વિનિંગ ફિલ્મ ‘એવરીથીંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો (એ વિશે આ જ કટારમાં રસપ્રદ શ્રેણી આપણે કરી હતી).

એ પછીથી કીનું ભાગ્ય બદલ્યું અને સૌથી મોટા સિનેમેટિક યુનિવર્સ ‘માર્વેલ’ ના વેબ શો ‘લોકી’ની બીજી સિઝનમાં એને એક મહત્વનું પાત્ર મળ્યું હતું. એ ઉપરાંત ઘણા પ્રોજેક્ટમાં એને લીડ એક્ટર તરીકે પણ સ્થાન મળ્યું છે. એની ‘લવ હર્ટ્સ’ નામની ફિલ્મ ગયા સપ્તાહે જ રિલીઝ થઈ છે. હોલિવૂડ પીઆર એક્સપર્ટ માર્કસ કીનું કહેવું છે કે ‘આવું હોલિવૂડ કમબેક હકીકતમાં એક કાળજીપૂર્વક ઘડાયેલી ફોર્મ્યુલાનો જ ભાગ છે. મોટા ભાગે કમબેક કરનાર સ્ટાર્સ માટે એવી જ ફિલ્મ પસંદ કરવામાં આવે છે, જે એના ઓફસ્ક્રીન સંઘર્ષનું પ્રતિબિંબ હોય.’

ડેની મૂર સાઈડલાઈન થઈ ચૂકેલી સ્ટાર હતી. એના માટે ‘ધ સબસ્ટન્સ’નો રોલ પણ એ જ પ્રકારનો હતો. ડેમી મૂર 1990 પછી એક પણ મેનસ્ટ્રીમ હિટ ફિલ્મનો હિસ્સો નહોતી બની શકી. ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ’ની સ્પિચમાં એણે કહ્યું હતું કે ‘પ્રોડ્યુસરોએ મને પોપકોર્ન એક્ટ્રેસ કહીને અવગણી હતી. હું કારકિર્દીમાં લો પોઇન્ટ પર હતી, પણ આ ફિલ્મથી મને એવું લાગ્યું કે હજુ સિનેમા ક્ષેત્રે મારી પાસે કશુંક આપવા જેવું છે ખરું !’

મોટાભાગે એક્ટર્સના કમબેકમાં એક થીમ હોય છે. ઇન્ડસ્ટ્રી દ્વારા યોગ્ય ન્યાય ન મળ્યા પછી લાંબા સમય સુધી એ બધા કામથી વંચિત હોય છે. જેમ કે કી હુઈ કવાનને 1980ના દશકમાં બાળ કલાકાર તરીકે કામ કર્યા પછી પોતે એશિયન અમેરિકન હોવાથી એને મહત્ત્વના રોલ ન મળતા કામ છોડવું પડ્યું હતું. એની ફિલ્મ ‘એવરીથીંગ એવરી વ્હેર ઓલ એટ વન્સ’માં એને જાણે રિયલ લાઈફ પ્લોટ હોય તેવું ફિક્શનલ પાત્ર મળ્યું અને સિનેમાએ એને ફરી એક મોકો આપ્યો.

2023માં એવી જ રીતે ‘ધ વ્હેલ’ ફિલ્મના એક્ટર બ્રેન્ડન ફ્રેઝરને સૌ ભૂલી ચૂક્યા હતા. એણે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતીને વર્ષો પછી કમબેક કર્યું હતું. પામેલા એન્ડરસનની પણ ફરિયાદ છે કે એને ઇન્ડસ્ટ્રી તરફથી પૂરતો ન્યાય નથી મળ્યો. હજુ હમણાં જ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘હુલુ’ પર ‘પેમ એન્ડ ટોમી’ સિરીઝ પામેલાની લાઈફ સ્ટોરી પર એની મંજૂરી વગર બનાવામાં આવી એ ઘટના પછી રજૂ થયેલી એની ફિલ્મ ‘ધ લાસ્ટ શોગર્લ’માં પામેલા એક ઢળતી ઉંમરે પોતાનું સ્થાન ખોઈ રહેલી એક ડાન્સરના પાત્રમાં છે. આ દ્વારા પામેલા પોતે પોતાની કહાની કહી રહી હોય એવું લાગે છે,જે દર્શકો પસંદ કરે!

2008ની ‘રેસલર’ ફિલ્મમાં મિકી ઋર્ક પણ એ જ રીતે એક ભૂલાઈ ચૂકેલા રેસલરના રોલમાં હતો. 2014ની ‘ધ બર્ડમેન’ ફિલ્મમાં માઈકલ કીટન કે જેણે અગાઉ સુપરહીરો બેટમેનનો રોલ કરેલો એ આ ફિલ્મમાં પણ એક અસમંજસ ધરાવતા સુપરહીરોના પાત્રમાં હતો. ઓફ સ્ક્રીન સંઘર્ષ ઓન સ્ક્રીન પાત્રમાં દેખાય તો એ વધુ પ્રભાવશાળી લાગે એ સાચું, પરંતુ જો આવી ફિલ્મ કે કોઈ પણ પ્રોજેક્ટ ફક્ત એક્ટરનો અહમ સંતોષવા માટે બને તો એ સફળ ન નીવડે…. તેના બદલે નવા ડિરેક્ટરની વાર્તા કે વિઝન દ્વારા એનું કમબેક થાય તો એ વધુ અસરકારક રહે છે, જેમકે ‘ધ ગોડફાધર’ ફિલ્મમાં માર્લોન બ્રાન્ડો, 2015ની ‘ક્રીડ’માં સિલ્વેસ્ટર સ્ટેલોન કે પછી આ વખતની ઓસ્કર્સની રેસમાં સામેલ ‘ધ બ્રુટલિસ્ટ’ ફિલ્મના એક્ટર એડ્રીન બ્રોડીનું કમબેક!

ટૂંકમાં યોગ્ય એક્ટર્સને સિનેમા બીજો મોકો આપે અને એના પર ઓસ્કર્સની મહોર લાગે એ ક્ષણ એક્ટર્સ અને સિનેપ્રેમી સૌ માટે હૃદયસ્પર્શી બની જતી હોય છે! દિગ્દર્શક કવેન્ટીન ટેરેન્ટિનોએ ‘પલ્પ ફિક્શન’ ફિલ્મ દ્વારા જાણીતા એક્ટર જ્હોન ટ્રાવોલ્ટાનું જબરદસ્ત કમબેક કરાવ્યું હતું!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button