થાઈરોઇડ નિવારવું હોય તો ભોજનમાં સાવધાની રાખો…

આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિક
વ્યસ્ત જીવનશૈલી, અવ્યવસ્થિત ખાનપાન, શારીરિક વ્યાયામનો અભાવ જેવાં વિવિધ કારણને લીધે આપણે બીમાર પડતા રહીએ
છીએ. કોઈ ને કોઈ રોગ આપણા જીવનને અસર કરે છે અને આપણે ચિંતા કરતા રહીએ છીએ. આ ઉપરાંત કેટલીક એવી બીમારીઓ છે , જે આપણા શરીરની ગ્રંથિઓથી સંબંધિત છે. આમાંથી એક છે થાઇરોઇડ રોગ, જે આપણી થાઇરોઇડ ગ્રંથિ સાથે સંબંધિત છે.
આજના સમયમાં સામાન્ય થઇ પડેલી કેટલીક બીમારીઓમાંની એક છે થાઇરોઇડ. થાઇરોઇડ ગળામાં જોવા મળતી પતંગિયા આકારની ગ્રંથિ છે. તે પવન નળી ઉપર હોય છે. તે માનવ શરીરમાં જોવા મળતી સૌથી મોટી એક્ઝોક્રાઈન ગ્રંથીઓમાંની એક છે. આ થાઈરોઈડ ગ્રંથિમાં ગરબડ થવાને કારણે થાઈરોઈડ સંબંધિત રોગો થાય છે. થાઇરોઇડ ગ્રંથિ `થાઇરિસિન’ નામનું હોર્મોન ઉત્પન્ન કરે છે. આ હોર્મોન આપણા શરીરનું મેટાબોલિઝમ( ચયાપચય ક્રિયા) વધારે છે અને શરીરના કોષોને નિયંત્રિત કરવાનું કામ કરે છે. થાઇરોઇડ હોર્મોન આપણા શરીરમાં થતી તમામ પ્રક્રિયાની ગતિને નિયંત્રિત કરે છે.
થાઈરોઈડના મુખ્યત્વે બે પ્રકાર છે:
હાઇપરથાઇરોઇડિઝમ (થાઇરોઇડ ગ્રંથિની અતિસક્રિયતા)થાઇરોઇડ ગ્રંથિ અતિસક્રિય બને છે ત્યારે ટી3 અને ટી4 હોર્મોન્સ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થવા લાગે છે. જ્યારે આ હોર્મોન્સ મોટી માત્રામાં ઉત્પન્ન થવા લાગે તો શરીર પણ મોટી માત્રામાં ઊર્જાનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. તેને `હાઇપરથાઇરોઇડિઝમ’ કહેવામાં આવે છે. આ સમસ્યા પુરુષ કરતાં સ્ત્રીમાં વધુ જોવા મળે છે. જયારે થાઇરોઇડ ગ્રંથિ અલ્પ સક્રિય હોય ત્યારે આ પ્રક્રિયા ઊંધી થઇ જાય છે,જે `હાઇપોથાઇરોડિઝમ’ તરીકે ઓળખાય છે.
થાઈરોઈડને સાયલન્ટ કિલર કહેવાય છે, કારણ કે તે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે અને ધીમે ધીમે ઘણી અન્ય
સમસ્યાઓને જન્મ આપે છે. થાઇરોઇડને કારણે સ્થૂળતામાં વધારો અને વજનમાં ઘટાડો એ સૌથી અગ્રણી લક્ષણ છે. આ સિવાય
વાળ ખરવા, યાદશક્તિમાં ઘટાડો, માથાનો દુખાવો વગેરે જેવી અન્ય સમસ્યા પણ છે. થાઇરોઇડ હોર્મોન્સને સંતુલિત રાખવા માટે, થાઇરોઇડના દર્દીઓએ એમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ડોક્ટરો ખાવાના ઘણા પદાર્થ ટાળવાની સલાહ આપે છે.
આ શાકભાજીમાંથી એક કોબી છે, જેના કારણે થાઈરોઈડના દર્દીઓ હંમેશા કોબીના નામથી દૂર ભાગે છે. ડાયેટિશિયન
કહે છે કે કોબીજની જાત એટલે કે ફ્લાવર, કોબી અને બ્રોકોલી જેવી શાકભાજીમાં `થાયરોક્સિન ‘નામનું તત્ત્વ
હોય છે,જે તમારા શરીરના હોર્મોન્સને અસંતુલિત કરી શકે છે. તેથી થાઇરોઇડના દર્દીને ફ્લાવર, કોબીજ અને બ્રોકોલી જેવા
શાકભાજીનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે. જો કે, જો તમને આ શાકભાજી ગમે છે, તો તમે તેને બે અઠવાડિયામાં એકવાર ખાઈ શકો છો. આ તમારા સ્વાસ્થ્યને વધારે અસર કરશે નહીં. ડાયેટિશિયન કહે છે કે જો તમને કોબી પસંદ હોય તો તેને
ઉકાળીને તેનું સેવન કરો. આ માટે સૌથી પહેલા તમે કોબીને કાપીને તેને ઉકાળો અને તેમાં હાજર પાણીને કાઢીને પછી તેનું શાક બનાવો. તેનાથી કોબીમાં હાજર થાઈરોક્સિન દૂર થઈ શકે છે. જોકે, ધ્યાનમાં રાખો કે આમ કરવાથી કોબીમાંથી અન્ય જરૂરી પોષક તત્ત્વો પણ નષ્ટ થઈ શકે છે.
કોબીમાં હાજર થાઇરોક્સિનની અસરને ઓછી કરવા માટે તમે તેને અન્ય શાકભાજી સાથે મિક્સ કરીને ખાઈ શકો છો. ઉદાહરણ તરીકે, કોબીનું શાક બનાવતી વખતે, તમે માત્ર કોબી જ નહીં પરંતુ અન્ય આરોગ્યપ્રદ શાકભાજી જેમ કે ગાજર, બટાકા, વટાણા વગેરેને પણ મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.થાઇરોઇડ રોગીનો ખોરાક કેવો હોવો જોઈએ?
ઓછી ચરબીવાળો ખોરાક લો…તમારા આહારમાં વધુને વધુ ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. આયોડિનયુક્ત આહારનું સેવન કરો…બદામ ખાઓ. (કાજુ, બદામ, સૂર્યમુખીના બીજ વગેરે).. દૂધ અને દહીંનું નિયમિત સેવન કરો…. ઘઉં અને જુવારનું સેવન કરો. ફાઈબરયુક્ત આહાર લો. -અને હા, નિયમિત વ્યાયામ કરો. આ પદાર્થ- પીણાંનું સેવન પણ ન કરો વધુ પડતી કોફી ન પીવી….કાળી રાઈ ન ખાવી… વધુ માત્રામાં સોયાબીનનું સેવન ન કરો… જંક ફૂડ અને પ્રિઝર્વેટિવ રિચ ફૂડનું સેવન ન કરો…. ધૂમ્રપાનથી દૂર રહો…. આલ્કોહોલ અને અન્ય માદક દ્રવ્યોનું સેવન ન કરો.