સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડ 132 રનમાં ઑલઆઉટઃ વરુણ, અર્શદીપ, હાર્દિક અને અક્ષર સામે બ્રિટિશરો ઝૂક્યા

કોલકાતાઃ ભારત સામે અહીં ઇંગ્લૅન્ડની ટીમ પાંચ મૅચની ટી-20 સિરીઝના પ્રથમ મુકાબલામાં બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં 132 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. ચાર ભારતીય બોલર (વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ) સામે બ્રિટિશ ટીમ ઝૂકી ગઈ હતી.

કૅપ્ટન જૉસ બટલર (68 રન, 44 બૉલ, બે સિક્સર, આઠ ફોર) બ્રિટિશ ટીમનો સૌથી સફળ બૅટર હતો, જ્યારે સ્પિનર વરુણ ચક્રવર્તી ભારતનો સૌથી સફળ બોલર બન્યો હતો. તેણે 23 રનમાં ત્રણ વિકેટ લીધી હતી.

યોગાનુયોગ, બટલરની વિકેટ વરુણે જ લીધી હતી. નીતીશ રેડ્ડીએ ડીપ મિડવિકેટ પર મેદાનથી છ ઇંચ ઉપર શાનદાર કૅચ પકડ્યો હતો.

આ પણ વાંચો: ભારતે ફીલ્ડિંગ પસંદ કર્યા પછી ઇંગ્લૅન્ડે ત્રીજા જ બૉલમાં વિકેટ ગુમાવી

વાઇસ-કૅપ્ટન હૅરી બ્રૂક (17 રન)ને પણ વરુણે આઉટ કર્યો હતો. વરુણે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. બે બૅટર (ફિલ સૉલ્ટ અને લિઆમ લિવિંગસ્ટન) ઝીરો પર આઉટ થઈ ગયા હતા. જોફ્રા આર્ચર (12)ની નવમી વિકેટ હાર્દિક પંડ્યાએ લીધી હતી, જ્યારે મૅચના અંતિમ બૉલ પર માર્ક વૂડ વિકેટકીપર સંજુ સૅમસનના હાથે રનઆઉટ થયો હતો.

વરુણની ત્રણ ઉપરાંત અર્શદીપ, હાર્દિક અને અક્ષરે બે-બે વિકેટ લીધી હતી. ભારતીય બોલર્સમાંથી હાર્દિકની ચાર ઓવરમાં સૌથી વધુ 42 રન બન્યા હતા. ત્રીજા સ્પિનર રવિ બિશ્નોઈને બાવીસ રનમાં વિકેટ નહોતી મળી.

બ્રિટિશ ટીમે બૅટિંગ મળ્યા બાદ ઓપનર ફિલ સૉલ્ટની વિકેટ સિરીઝના ત્રીજા જ બૉલ પર ગુમાવી દીધી હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને પહેલી ઓવર આપી હતી અને અર્શદીપે ત્રીજા જ બૉલમાં સૉલ્ટ (0)ને વિકેટકીપર સંજુ સૅમસનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

આ પણ વાંચો: અર્શદીપ સિંહે બે વિકેટ લઈને ટી-20માં રચ્યો ઇતિહાસ!

મોહમ્મદ શમીને 14 મહિને ફરી ભારત વતી રમવાનો મોકો અપાયો છે. જોકે આ મૅચની ઇલેવનમાં તેનો સમાવેશ ન હોવાથી ફરી તેની ફિટનેસના મુદ્દે ચર્ચા શરૂ થઈ છે. જોકે સૂર્યકુમારની ટીમમાં ત્રણ સ્પિનરને સમાવવાનો નિર્ણય લેવાનો હોવાથી શમીને નથી રમવા મળ્યું એવું મનાય છે. ત્રણ સ્પિનરમાં વાઇસ-કૅપ્ટન અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈનો સમાવેશ છે.

ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝમાં ઘણું સારું રમનાર ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને ટી-20માં ફરી રમવાનો મોકો અપાયો છે. તે ભારત વતી પાંચ ટેસ્ટ અને ત્રણ ટી-20 રમી ચૂક્યો છે. ટીમમાં ત્રણ પેસ બોલર (અર્શદીપ સિંહ, હાર્દિક પંડ્યા, નીતીશ રેડ્ડી) સામેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button