VIDEO : ટ્રમ્પે H1B વિઝાને લઈ શું કહ્યું? ભારતીયો પર શું થશે અસર
વોશિંગ્ટન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યભાર સંભાળ્યા બાદ તરત જ એકશનમાં આવી ગયા છે. આજે તેમણે H1B વિઝા અંગે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, મને દલીલના બંને પક્ષ ગમે છે પણ સક્ષમ લોકો આપણા દેશમાં આવે તે વધુ ગમે છે. જેમની પાસે જે તે ફિલ્ડની લાયકાત ન હોય પરંતુ કામ કરવા સક્ષમ હોય તેવા લોકોને તાલીમ આપવી પડે તો પણ કોઈ વાંધો નથી. H1B કાર્યક્રમ વિશે હું ખૂબ સારી રીતે જાણું છું અને મેં તે કાર્યક્રમનો ઉપયોગ કર્યો છે. આપણે ત્યાં સારા લોકો આવવા જોઈએ. H1B પ્રોગ્રામ દ્વારા આપણા દેશમાં મહાન લોકો આવે તે જરૂરી છે. આમ કહીને ટ્રમ્પે અમેરિકામાં કુશળતા ધરાવતા લોકો માટે દરવાજા ખુલ્લા છે તેવો છુપો સંકેત આપ્યો હતો. અમેરિકામાં લાખો ભારતીયો IT સહિત અન્ય કંપનીઓમાં H1B વિઝા પર કામ કરે છે, તેમને ટ્રમ્પના આ નિવેદનથી કોઈ અસર નહીં થાય.
અમેરિકામાં સેટલ થવાનું લાખો લોકોનું સપનું આ કારણે રોળાયું
ટ્રમ્પ પ્રમુખ બનતાં જ અમેરિકામાં સેટલ થવાનું લાખો લોકોનું સપનું રોળાઈ ગયું હતું. ટ્રમ્પે સીપીબી વન મોબાઇલ એપને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યાના થોડા કલાકોની અંદર જ બંધ કરી દીધી હતી. આ મોબાઇલ એપને યુએસ કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શને લોન્ચ કરી હતી. આ એપ દ્વારા ગેરકાયદે પ્રવાસીઓ અને શરણાર્થીઓને લીગલ સ્ટેટસ આપવામાં આવતું હતું.
Also read:
જ્યારે સીબીપી વન એપને 2020માં લોન્ચ કરવામાં આવી હતી ત્યારે તેનો ઉપયોગ માત્ર કોમર્શિયલ ટ્રેકિંગ કંપનીઓના કાર્ગો બોર્ડર પર ઇન્સ્પેકેશનને શેડ્યૂલ કરવા માટે થતો હતો. પરંતુ 2023માં બાઇડેન તંત્રએ તેની ઉપયોગીતાનું વિસ્તરણ કરીને તેમાં જે લોકો તેમના દેશમાં હિંસા, ગરીબી કે યૌન શોષણનો ભોગ બન્યા હોય અને અમેરિકામાં આશ્રય ઈચ્છતા હોય તેવા ગેરકાયદે પ્રવાસીઓ અને શરણાર્થીઓને પણ સામેલ કર્યા હતા. સીબીપી વન એપ દ્વારા દરરોજ લોટરી સિસ્ટમથી 1450 અરજીકર્તાને એપોઇન્ટમેન્ટ આપવામાં આવતી હતી, જે એક વખત મંજૂર થઈ ગયા બાદ ગેરકાયદે પ્રવાસીઓને કાયદેસર રીતે અમેરિકામાં એન્ટ્રી મળી જતી હતી. તેમજ અમેરિકામાં રહીને કામ કરવાનું લીગલ સ્ટેટસ પણ આપવામાં આવતું હતું. ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યાના ગણતરીના કલાકોમાં સીબીપી વન એપ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો હતો. તેનાથી શરણાર્થીઓ માટે અમેરિકા આવવાનો એક માત્ર રસ્તો પણ બંધ થઈ ગયો હતો.