બુમરાહે ખ્વાજાને આઉટ કરીને જાડેજાના કયા ભારતીય વિક્રમની બરાબરી કરી?
સિડનીઃ ઑસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં ભારત ભલે 1-2થી પાછળ છે અને ભારતના ટૉપ-ઑર્ડરના બૅટર્સ ભલે ફ્લૉપ રહ્યા, પરંતુ માત્ર એક ભારતીય ખેલાડી એવો છે જેણે શરૂઆતથી આ શ્રેણીમાં સતત સારું પર્ફોર્મ કર્યું છે અને આજે અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે પણ એનું રહી-રહીને પુનરાવર્તન કર્યું.
આ પણ વાંચો : રિષભ પંતને પચાસ મિનિટમાં પાંચ વખત ઈજા થઈ છતાં રમતો રહ્યો!
પહેલા દિવસનો જે બૉલ અંતિમ બન્યો એમાં તેણે ઑસ્ટ્રેલિયન ઓપનર ઉસમાન ખ્વાજાની વિકેટ લીધી હતી જે બુમરાહ માટે નવી સિદ્ધિ સમાન હતી અને એ સાથે તેણે સ્પિનર રવીન્દ્ર જાડેજાના આઠ વર્ષ જૂના ભારતીય વિક્રમની બરાબરી કરી હતી.
ખ્વાજા એ સિરીઝમાં છઠ્ઠી વાર બુમરાહનો શિકાર થયો. એક જ શ્રેણીમાં સૌથી વધુ હરીફ બૅટરને આઉટ કરવાની સિદ્ધિ આ પહેલાં જાડેજાના નામે હતી જેણે 2016માં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં ઍલિસ્ટર કૂકને છ વાર પૅવિલિયન ભેગો કર્યો હતો. આઠ વર્ષે બુમરાહે જાડેજાના એ ભારતીય રેકૉર્ડની બરાબરી કરી છે.
વર્તમાન સિરીઝમાં બુમરાહ અને ખ્વાજાનો આઠ વાર મુકાબલો થયો છે જેમાં ખ્વાજાએ બુમરાહના કુલ 112 બૉલમાં ફક્ત 33 રન બનાવ્યા છે અને છ વાર બુમરાહે તેને આઉટ કર્યો છે.
બુમરાહ સામે ખ્વાજાની માત્ર 5.50ની ખૂબ જ ખરાબ બૅટિંગ-ઍવરેજ છે. શ્રેણીમાં હજી એક વાર તેઓ બન્ને સામસામે આવવાના બાકી છે. જો એમાં પણ બુમરાહ તેને આઉટ કરવામાં સફળ થશે તો એક સિરીઝમાં એક જ હરીફ બૅટરની વિકેટ લેવાની બાબતમાં નવો વિક્રમ બન્યો કહેવાશે.
આ પણ વાંચો : 2025ની પહેલી ટી-20 મેચમાં બન્યા 429 રનઃ શ્રીલંકાએ કિવિઓને આપી હાર
આ મૅચના પ્રારંભિક દિવસે ભારતીય ટીમ ટૉસ જીત્યા બાદ 185 રન બનાવી શકી હતી જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ નવ રનમાં ઓપનર ઉસમાન ખ્વાજાની વિકેટ ગુમાવી હતી. શનિવારે ભારતીય ટીમ યજમાન ટીમને બને એટલા ઓછા સ્કોરમાં આઉટ કરવાનો પ્રયાસ કરશે કે જેથી બને એટલી વધુ સરસાઈ લઈને બીજા દાવમાં તેમના પર પ્રભુત્વ જમાવી શકાય. શનિવારના બીજા દિવસની રમત પર આ મૅચના પરિણામનો આધાર રહેશે.