મુંબઈમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું
મુંબઈ: છેલ્લાં બે-ત્રણ દિવસથી મુંબઈની સવાર ધૂંધળી અને ધુમ્મસવાળી હોય એવું જોવા મળી રહ્યું છે અને એની સાથે સાથે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યું છે. મુંબઈગરા આ પરિસ્થિતિને ફોગ માની લીધી હતી, પરંતુ હકીકતમાં એવું કશું જ નથી. નિષ્ણાતો આ પરિસ્થિતિ વિશે કંઈક અલગ જ કહી રહ્યા છે અને આવી સ્થિતિમાં મુંબઈગરા પર ફરી એક વખત માસ્ક પહેરવાની નોબત આવી ગઈ હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે.
શુક્રવારે પણ શહેરમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી હોઈ બધી જગ્યાએ ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું હતું નિષ્ણાતોનો જણાવ્યા અનુસાર આ ધૂંધળાશ શિયાળામાં જોવા મળતા ધુમ્મસને કારણે નહીં પણ
પ્રદૂષણને કારણે ધૂળ અને ધુમ્મસ ભેગું થતાં આવી પરિસ્થિતી ઉદ્ભવી છે.
અંગ્રેજીમાં આપણે સ્મોગ, સ્મોક અને ફોગ કહીએ છીએ એ તમામનું આ મિશ્રણ છે. ધૂળ અને ધુમ્મસ જ્યારે એકઠી થાય છે ત્યારે વાતાવરણ ધૂંધળું થઈ જાય છે. હવાની ગતિ જ્યારે અપેક્ષા કરતાં વધુ મંદ હોય છે ત્યારે ધૂળના રજકણો લાંબા સમય સુધી એક જ જગ્યાએ હવામાં તરંગતા રહે છે અને તેને કારણે કારણે વાતાવરણ ધૂંધળું થઈ જાય છે.
મુંબઈમાં હાલમાં સવારના સમયે આવા જ દ્રશ્ય જોવા મળી રહ્યા છે. વાહનોને કારણે પેદા થતો ધૂમાડો, ઠેકઠેકાણે ચાલી રહેલાં બાંધકામના કામો, વિકાસકામો આ બધામાં પેદા થતી ધૂળ હવામાં ભળી જાય છે એટલે વાતાવરણ ધૂંધળું થઈ જાય છે. ટૂંકમાં કહીએ તો આ ઝાકળ કે ધુમ્મસ નહીં પણ પ્રદુષણની ચાદર જોવા મળી રહી છે.
મુંબઈ અને શહેરની આસપાસમાં આવેલા ઉપનગરીય ભાગમાં મોટા પ્રમાણમાં નવી ઈમારતોનું બાંધકામ ચાલી રહ્યું છે. આ સિવાય શહેરમાં વાહનોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે, જેને કારણે શહેરમાં પ્રદૂષણમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. શેહરમાં પ્રદૂષણનું સ્તર જોતાં મુંબઈ અને દિલ્હી વચ્ચે હરિફાઈ ચાલી રહી હોય એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી.
શહેરમાં જોવા મળી રહેલાં આ વાતાવરણને કારણે શ્વસન સંબંધિત સમસ્યા અને અસ્થમાના દર્દીઓએ વધારે કાળજી લેવાની જરૂર છે એવી સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત પ્રદૂષણને કારણે શ્વસન સંબંધિક સમસ્યા સતાવે તો તાત્કાલિક તબીબની સલાહ લેવાની તેમ જ શક્ય હોય તો માસ્ક પહેરવાની ભલામણ પણ કરવામાં આવી છે