અક્ષરોનાં અસ્થિ
સંબંધના ગણિતમાં સમયનાં સરવાળા-બાદબાકીને કોઈ સ્થાન નથી પ્રણવ, એક મુલાકાત માત્ર એક મુલાકાતના ગુણાકારનો જવાબ ઘનિષ્ઠતા હોઈ શકે!

આજની વાર્તા -કિશોર અંધારિયા
સાંજ પડે એટલે શહેરની નસોમાં અંધારું ઊતરવા લાગે છે. સૂરજ પોતાના અજવાળાની ચાદર સંકેલવા લાગે છે. દૂર આવેલા ટાવરઘડિયાળમાં સાડાસાતનો એક ડંકો પડે છે. ક્ષણભર આખા હોસ્પિટલ કેમ્પસમાં પડઘાઈને સમય પોતાના અસ્તિત્વનો એકરાર કરે છે. આઠ વાગતાં જ નર્સીસની ડ્યૂટી બદલાય છે. વોર્ડ નંબર 10માં પોતાની ફરજ પૂરી કરી ધીમે પગલે સીમા બહાર નીકળે છે. ચાલતી ચાલતી લાંબી લોબી વટાવી તે ‘નર્સીસ હોસ્ટેલ’ પહોંચે છે. મેસનો જમવાનો બેલ વાગી ચૂક્યો હોય છે. તેની રૂમપાર્ટનર એલિસ ડિસોઝા સીમાને જમવા માટે પરાણે આગ્રહ કરે છે. હાથ પકડીને તેને મેસમાં ખેંચી જાય છે.
જમીને રૂમમાં પરત પહોંચતાં વેંત તેને ઊલટી થશે એમ લાગે છે. ઍન્ટાસિડ સિરપની બે ચમચી પી આંખો બંધ કરી પલંગમાં પડી રહે છે. વોર્ડ નંબર 10ની પોતાના આખા દિવસની ડ્યૂટી અને દરદીઓનો કણસાટ સીમાની ચારોતરફ ચામાચીડિયા માફક ઘૂમરાવા લાગે છે. બંધ આંખોમાં જાણે દાઝેલા દરદીઓના કોહવાઈ ગયેલા ચહેરા પરથી લીલીકાચ ફૂગ પોતાના તરફ ધસી આવતી હોય તેમ સીમાને લાગે છે. આજના દિવસમાં તેને બે વાર હેડ મેટ્રન નેલી ગોન્સાલ્વિસનો ઠપકો સાંભળવો પડ્યો હતો. બેડ નં. ર6ના દરદીને ગ્લુકોઝ સેલાઈન ચડાવવા માટે વેઈન શોધવામાં તેને તકલીફ પડી ગઈ હતી. પાંચ-છ પંક્ચર કરવાં પડ્યાં હતાં.
બીજી વાર એ બેધ્યાનપણે વોર્ડને છેવાડે આવેલ પોતાના ટેબલ પર બેઠી હતી અને ડોક્ટર્સ રાઉન્ડ પર આવ્યા હતા. ડોક્ટર અંતાણીએ ‘હલ્લો મિસ સીમા, ગુડ ઈવનિંગ!’ એમ બે વાર કહ્યું છતાં તેનું એ તરફ ધ્યાન નહોતું. મિસિસ નેલીએ આ માટે પણ તેને ઠપકો આપ્યો હતો. આજે પણ પ્રયત્ન કરવા છતાં સીમાને ઊંઘ નહોતી આવતી. એલિસ તો કોઈ ફિલ્મી મેગેઝિન વાંચતાં વાંચતાં જ સૂઈ ગઈ હતી. સીમાએ રૂમની લાઈટ ઓફ કરી. અચાનક રાફડાનાં છિદ્રોમાંથી જીવાત બહાર આવે તેમ ધૂંધળી સ્મૃતિનાં સાપોેલિયાં અસ્તવ્યસ્ત ફરકવા લાગ્યાં.
સીમા એકદમ નાની થઈ ગઈ… દસ-બાર વર્ષની નાનકડી છોકરી! જૂનું ખંડિયેર જેવું પછાત ગામ હતું અને તેના છેવાડાના ખૂણે એવું જ જર્જરિત પોતાનું ખોરડું અને આજે… પોતાના પિતાને દમનો મોટો હુમલો આવ્યો હતો. દમનો એ જૂનો રોગી હતો. શ્ર્વાસોશ્ર્વાસનો ફેફસાંફાડ અવાજ બાજુના ઘર સુધી સંભળાતો હતો. તે સઘળું સમજવા-વિચારવા માટે ઘણી નાની હતી. જોકે તેમની પીડા જોઈ એ રડવા લાગી હતી. પડોશીઓ ભેગા થયા હતા. ગામના દાક્તરની દવાની કોઈ અસર થતી નહોતી. પિતાનો તરફડાટ વધતો જતો હતો. આખરે થોડી વારમાં તેનો શ્ર્વાસ સાવ બેસી ગયો. તે ઊભી થઈ પિતાને પિવરાવવા પાણી લેવા પાણિયારા તરફ દોડી. એટલામાં કાનજી ડોસાનો અવાજ ફાટી ગયો, ‘સવલીનો બાપ મરી ગયો!’ એ શબવત ત્યાં જ ખોડાઈ ગઈ.
ધીરે ધીરે એ સવલીમાંથી સીમા બની ગઈ. અનાથ છોકરી માટે ગામના રતનશી શેઠ મદદે આવ્યા. શહેરમાં રહેવા-ભણવાની વ્યવસ્થા થઈ ગઈ. બીજી છોકરીઓ સાથે તેણે પણ નર્સિંગ કોર્સ જોઈન્ટ કર્યો. બાદમાં સરકારી હોસ્પિટલમાં નોકરી મળી ગઈ. મોડી રાત થઈ ગઈ હતી. દૂર દૂરથી કૂતરાઓનો ભસવાનો અવાજ આવતો હતો. ધીરે ધીરે અસહ્ય થાકને કારણે તેની આંખો ઘેરાવા લાગી.
***********
બીજે દિવસે સવારે ફરજ પર હાજર થઈ ત્યારે તેણે નક્કી કરી લીધું હતું કે વેદનાની છાંયા પોતાના ચહેરા પર પડવા નથી દેવી. આજે તેની ડ્યૂટી આંખના વોર્ડમાં હતી. અહીં ખાસ કંઈ કામ કરવાનું હતું નહીં. કેસ-ફાઈલ વાંચી દરદીઓને આંખમાં ટીપાં નાખવાનું કામ તો તેણે ઝડપભેર પતાવી નાખ્યું. એટલી વારમાં એલિસ ઉતાવળે તેની પાસે આવી અને પોતાને થોડા દિવસ માટે તાત્કાલિક બહારગામ જવાનું હોવાથી તેની જગ્યાએ એક્સિડન્ટ વોર્ડમાં જવાનું કહ્યું.
સીમા લિફ્ટ દ્વારા ત્રીજા માળે જઈ એક્સિડન્ટ વોર્ડમાં પહોંચી. મિસિસ ગોન્સાલ્વિસ અહીં પણ વોર્ડનાં ઈન્ચાર્જ હતાં. તેણે સીમા તરફ અણગમાપૂર્વક નજર નાખી. પહેલાં તે જનરલ વોર્ડ વટાવી સ્પેશિયલ રૂમ નં.-7મા પ્રવેશી. દરદી મોઢે ઓઢીને સૂતો હતો. તેણે કેસ વાંચ્યો. દરદીનું નામ: પ્રણવ વોરા ઉંમર: ર8 વર્ષ. કાર સાથે થયેલ બાઈકના અકસ્માતને પરિણામે જમણો પગ કાપી નાખવામાં આવ્યો હતો. ટેબ્લેટ્સ આપવા માટે સીમાએ પેલા દર્દીને જગાડ્યો. એને જોતાં જ કશા પણ કારણ વગર સીમાના શરીરમાં જાણે વીજસંચાર થયો! પેશન્ટે તેની તરફ સ્મિત કરવા પ્રયત્ન કર્યો, પરંતુ પગમાં થતી તીવ્ર વેદનાને કારણે એમ ન કરી શક્યો. ટેબ્લેટ્સ મૂકી તેને લેવાની સૂચના આપી સીમા ઝડપથી બહાર નીકળી ગઈ. તેના હૃદયના ધબકારા કોઈ કારણ વગર વધી ગયા હતા. થોડી વાર પછી વિચાર આવ્યો કે એની પાસે કોઈ સગું-સંબંધી હતું નહીં… ને સ્પેશ્યિલ રૂમમાં બીજું તો કોણ આવે? તો પછી એ દવા અને પાણી લેશે કઈ રીતે? સ્વાભાવિક છે, તે ઊભો ન જ થઈ શકે!
મનમાં કશોક ફફડાટ થતો હતો, છતાં એ ફરી રૂમ નં.-7માં ગઈ. પ્રણવ વોરા તેને વિસ્મય ભાવે જોઈ રહ્યો. સીમાએ દૂર પડેલ જગમાંથી ગ્લાસ ભર્યો અને ટેબ્લેટ્સ તેના હાથમાં આપી. ગ્લાસ આપતી વખતે સીમાની આંગળીઓ તેના હાથને સહેજ સ્પર્શી. શરીરમાં જાણે રક્તકણોનું દબાણ વધી ગયું! પ્રણવે આભારવશ નજરે તેના તરફ જોયું. એ જરાતરા નજર મેળવી બહાર નીકળી ગઈ. એક ઝંઝાવાતી પૂર તેનામાં ઊમટ્યું હતું. આ પહેલાં તેને આવો અનુભવ ક્યારેય નહોતો થયો.
રાતે આજે શિફ્ટ અલગ હોવાને કારણે એલિસનો સંગાથ નહોતો. બાજુના રૂમમાંથી અન્ય પરિચારિકાઓ બહાર બગીચા સુધી લટાર મારવા નીકળી ત્યારે એમણે સીમાને બોલાવી, પરંતુ એ ન ગઈ. આજના દિવસમાં થયેલ પ્રણવની મુલાકાત વાગોળતી રહી. ગતિહીન ક્ષણો એ ઘટનાની આસપાસ સ્થિર થઈ ગઈ.
Also read: Free માં આધાર અપડેટ કરાવવાની તારીખ લંબાવવામાં આવી, જાણો કઈ છે અંતિમ તારીખ
બીજે દિવસે એ જાણી જોઈને પહેલાં જનરલ વોર્ડનાં અન્ય કામ પૂરાં કરી પછી પ્રણવના સ્પેશિયલ રૂમમાં પ્રવેશી. એ પલંગ પર દીવાલને અઢેલીને બેઠો હતો. હાથમાં અરીસો હતો અને એક હાથે માથાના વાળ સરખા કરતો હતો. તેણે અરીસામાં સીમાનું પ્રતિબિંબ જોયું ને એમાં જ જોતા રહીને હસીને ‘વેલકમ’ કહ્યું. પછી તેના તરફ મોં ફેરવી ખુરશી પર બેસવાનો ઈશારો કર્યો. એ બેસી. થોડી પળો એમ ને એમ વીતી. આખરે સીમાએ મૌન તોડતાં માંડ પૂછ્યું, ‘કેમ છે હવે?’ જવાબમાં ‘ઘણું સરસ!’ કહી પ્રણવ તો બસ બોલવા જ લાગ્યો… પોતે શું નોકરી કરતો હતો. ક્યાં રહેતો હતો, કારે તેની બાઈકને કેવી રીતે ટલ્લો માર્યો વગેરે વગેરે…
આ વાતોમાં ક્યાંય પોતાના કપાઈ ગયેલા પગના દુ:ખનો વલોપાત નહોતો. ક્યાંય વેદનાનો અણસાર સુધ્ધાં નહોતો. લાગતું હતું બહુ સિફતપૂર્વક એ વાસ્તવિકતાનો કડવો ઘૂંટ ગળી ગયો હતો. તે પછીની એની વાતો એવી હળવીફૂલ હતી કે એ સાંભળી સીમા હવામાં તરવા લાગી! ઘડીભર એ પોતાની જાતને પણ ભૂલી ગઈ. તેની વાત પ્રમાણે પ્રણવ પણ આ શહેરમાં સીમાની જેમ એકલો હતો. દૂરના મામા સિવાય આ શહેરમાં કોઈ નહોતું. સીમાનું ધ્યાન હવે ઘડિયાળ તરફ ગયું. સવાબે વાગ્યા હતા. એ જવા માટે ઊભી થઈ. પ્રણવે તેને ફરી આવવા માટે કહ્યું. હકારમાં ડોકું હલાવી તે રૂમની બહાર નીકળી ગઈ.
આજે સીમાને દુનિયા કંઈક જુદી લાગતી હતી. સઘળું એનું એ જ હતું. હોસ્પિટલ, અજગરની જેમ પથરાયેલી તેની લાંબી-લાંબી લોબીઓ, ઊંચી છતવાળા મોટા મોટા વોર્ડ્સ, એની સફેદ દીવાલો,એ જ જ્ંતુનાશક દ્રવની વાસ, દાદર, લિફ્ટ અને એકસરખા ચહેરા ધરાવતા દરદીઓ… છતાં આજે તેને કંઈક નવીન લાગતું હતું. જો કે તેણે કોઈને કંઈ કહ્યું નહીં. સંબંધ સાથે સંકળાયેલી સંવેદના કેટલી અંગત હોય છે તે એ અનુભવી રહી. પોતાના મનોજગતમાં એક નવું વિશ્ર્વ સર્જાતું એ સાક્ષીભાવે જોઈ રહી.
તેને થયું આજે એલિસ રૂમ પર હોત તો એની પાસે પોતાનો ચહેરો ચાડી ખાઈ જાત કે કંઈક બન્યું છે જરૂર! એને ખબર હતી, ઈસુના ક્રોસ પાસે ઊભી રહીને પ્રાર્થના કરતી એલિસ માત્ર પોતાના માટે નહીં, તેના માટે પણ સુખ માગતી.
તેને વિચાર આવ્યો કે તે હમણાં કેટલાક સમયથી બજાર નથી ગઈ. ટૂથપેસ્ટ, સાબુ અને બીજી કેટલીક વસ્તુઓ લાવવાની હતી. તૈયાર થઈ એ એકલી જ બહાર નીકળી ગઈ. પ્રણવ માટે કંઈક લઈ જવાનું મન થયું. બંગાળી મીઠાઈનું બોક્સ ખરીદ્યું. બીજે દિવસે સવારે સીમાએ પ્રણવના રૂમમાં મીઠાઈનું પેકેટ ખોલ્યું. ‘શેની ખુશાલીમાં છે એ જણાવશો, પ્લીઝ!’ સૂતાં સૂતાં તેના તરફ નજર નાખી એ હસીને પૂછ્યું. ક્ષણિક અવઢવ અનુભવી સીમાએ જવાબ આપ્યો: ‘જસ્ટ, આનંદ-હર્ષ…’ આ સઘળા શબ્દો મારા મનના શબ્દકોશમાંથી ક્યાંય ગુમ થઈ ગયા હતા પ્રણવ, લાગે છે હવે એ મારા બારણે ટકોરો મારી પ્રવેશવા થનગની રહ્યા છે!’
‘પરંતુ, હું એનું કારણ પૂછું છું…’ પ્રણવે ફરી પ્રશ્નાર્થ કર્યો. ‘સમજોને, કોઈ અજાણી, અડાબીડ લાં…બી યાત્રા કરી રહેલા એકાકી મુસાફરને કોઈક અન્ય વટેમાર્ગુનો સાથ મળી ગયો…’ ‘પરંતુ એ વટેમાર્ગુ પણ અજાણ્યો હોયને!’ સીમાએ જવાબ વાળ્યો, ‘માર્ગ કે મંઝિલ એક હોય તો અજાણ્યો મુસાફર પણ સંગાથી બની જાય છે…’ ‘સીમા, આપણને મળ્યાને હજુ કેટલો સમય થયો? વિચારીએ તો માંડ…’
તેને બોલતો અટકાવી સીમાએ કહ્યું, ‘સંબંધના ગણિતમાં સમયનાં સરવાળા-બાદબાકીને કોઈ સ્થાન નથી પ્રણવ, એક મુલાકાત માત્ર એક મુલાકાતના ગુણાકારનો જવાબ ઘનિષ્ઠતા હોઈ શકે!’ ‘ઓ.કે. સીમા, ગણિત હંમેશાં મને કંટાળાજનક લાગ્યું છે, પરંતુ તમારું સંબંધનું સમીકરણ ખરેખર રસપ્રદ છે…’ કહી વાતનું પૂર્ણવિરામ લાવતાં પ્રણવે સ્મિત સાથે સીમાને પોતાના હાથે મીઠાઈ મોઢામાં મૂકવા કહ્યું. સીમાએ એક કટકો લઈ તેના મોઢામાં મૂક્યો, પરંતુ ગળપણ જાણે પોતાના મોંમાં ઊભરાયું!
*********
પ્રણવને હવે સારું હતું, પણ હજી એક મહિનો અહીં દવાખાનામાં રહેવાનું હતું. હવે એ વોકર વડે એક પગે થોડું ચાલી શકતો હતો. બંનેની મુલાકાતો થતી રહેતી હતી. પ્રણવના પ્રેમની હૂંફને લીધે સીમામાં ચેતનાની ગજબની લહેરો દોડવા લાગી હતી. ગઈ કાલે સીમાએ તેને કહી રાખ્યું હતું કે ‘આવતી કાલે પોતાનો જન્મદિવસ છે.’
જવાબમાં પ્રણવે કહ્યું હતું કે તે એક અણમોલ ગિફ્ટ તેને આપશે. આજે સીમા રજા ઉપર હતી. યુનિફોર્મ સિવાયનો સુંદર ગુલાબી ડ્રેસ પહેરી એ સવારમાં જ પ્રણવના રૂમ પર પહોંચી. ડોરબેલ માર્યો પણ તેનો અવાજ સંભળાયો નહીં. બારણું અમસ્તું જ બંધ હતું. એ અંદર પ્રવેશી. ચારેબાજુ નજર ફેરવી. પ્રણવ અંદર નહોતો. એ બેબાકળી બની ગઈ. પલંગ પર નજર ગઈ, ત્યાં એક ખૂબસૂરત ગુલાબ પડ્યું હતું અને બાજુમાં સુંદર અક્ષરે લખેલી ચિઠ્ઠી. તરત હાથમાં લઈ તેણે વાંચી…
પ્રિય સીમા, જન્મદિવસ મુબારક! હું તને ચાહું છું, અત્યંત ચાહું છું એટલે જન્મદિવસની અણમોલ ભેટ તરીકે મારાથી, એક અપંગ-અધૂરા માણસથી સ્વતંત્ર એવી તારી પોતાની જિંદગીની ભેટ ધરું છું. મારે તને ભારરૂપ બની તારું આખું જીવતર ખારું નથી કરવું. તું ખૂબ ખૂબ સુખી થજે… હું અહીંથી, તારી જિંદગીથી હંમેશ માટે દૂર ચાલ્યો જાઉં છું… લિ. પ્રણવ ઘડીભર તો આના આઘાતથી સીમાને ચક્કર આવી ગયાં. હાથમાં આવેલું સુખ સ્વપ્ન હતું કે પછી મૃગજળ? પ્રણવને શું ખબર હોય તેના સ્પર્શની સંજીવનીથી તો પોતાના શરીરમાં જીવ આવ્યો હતો. કદાચ હવે અપંગ તો એ પોતે બની ગઈ હતી-મનથી. પ્રણવની ચિઠ્ઠીમાંના અક્ષરો અસ્થિ બની સીમાના ગુમનામ ભવિષ્ય આસપાસ વીંટળાઈ વળ્યા…