ભારતની કૉનેરુ હમ્પી રૅપિડ ચેસમાં વર્લ્ડ ચૅમ્પિયન બની, પણ આ ભારતીય ખેલાડી બીજા નંબર પર રહી ગઈ!
ન્યૂ યૉર્કઃ ભારતની 37 વર્ષીય ચેસ ગ્રાન્ડમાસ્ટર કૉનેરુ હમ્પી ફરી એકવાર રૅપિડ ચેસ સ્પર્ધામાં વિશ્વ વિજેતા બની છે. તેણે ઇન્ડોનેશિયાની ઇરીન સુક્નદરને હરાવીને ફિડે વિમેન્સ વર્લ્ડ રૅપિડ ચેસ ચૅમ્પિયનશિપ જીતી લીધી હતી. હમ્પીએ સૌથી વધુ 8.5 પૉઇન્ટ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો હતો. તેના પછી બીજા સ્થાને છ પ્લેયર એવી હતી જેમના 8.00 પૉઇન્ટ હતા અને એ છ ખેલાડીઓમાં ભારતની ડી. હરિકા પણ હતી.
આ પણ વાંચો : Chess: આ ભારતીય મહિલા ખેલાડી એ ઈતિહાસ રચ્યો, વર્લ્ડ રેપિડ ચેસનો ખિતાબ જીત્યો
હમ્પી આ પહેલાં 2019માં આ સ્પર્ધા જીતી હતી અને હમ્પી ચીનની જુ વેન્જુન પછીની બીજી એવી મહિલા ચેસ ખેલાડી છે જે રૅપિડ ચેસનું વિશ્વ વિજેતાપદ એક કરતાં વધુ વખત જીતી છે.
આ મહિનાની 12મી તારીખે ચેન્નઈનો 18 વર્ષની ઉંમરનો ડી. ગુકેશ ચીનના ડિન્ગ લિરેનને હરાવીને યંગેસ્ટ ચેસ વર્લ્ડ ચૅમ્પિયન બન્યો ત્યાર બાદ હવે હમ્પીએ ચેસ જગતમાં ભારતનું નામ રોશન કર્યું છે.
સપ્ટેમ્બરમાં ભારત બુડાપેસ્ટ ખાતેની ચેસ ઑલિમ્પિયાડમાં પહેલી જ વખત ચેસ ઑલિમ્પિયાડની ઓપન અને મહિલાઓની કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું.
હમ્પી અહીં ન્યૂ યૉર્કની સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ હારી ગઈ હતી, પરંતુ ત્યાર પછી તેણે એવું જબરદસ્ત કમબૅક કર્યું કે 11મા અને અંતિમ રાઉન્ડમાં એકમાત્ર તે વિજેતા તરીકે બાકી રહી હતી.
આ પણ વાંચો : નીતીશ રેડ્ડીને આંધ્ર ક્રિકેટ ઍસોસિયેશનનું પચીસ લાખ રૂપિયાનું ઇનામ
હમ્પીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રૅપિડ ચેસમાં વિશ્વ વિજેતાપદ હાંસલ કરવા બદલ સોશિયલ મીડિયામાં અભિનંદન પાઠવ્યા હતા.