નીતીશ રેડ્ડીને આંધ્ર ક્રિકેટ ઍસોસિયેશનનું પચીસ લાખ રૂપિયાનું ઇનામ
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાં જન્મેલા ભારતના નવા ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીએ ભારતને શનિવારે ઑસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટના પહેલા દાવમાં ફૉલો-ઑનથી બચાવ્યું તેમ જ ભારે સંઘર્ષ વચ્ચે પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી એનાથી આનંદિત થઈને આંધ્ર ક્રિકેટ ઍસોસિયેશનના સત્તાધીશોએ નીતીશ માટે પચીસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. નીતીશે ઑસ્ટ્રેલિયાના પડકારરૂપ બોલર્સ સામે ઝીંક ઝીલીને યાદગાર સદી ફટકારી હતી અને શનિવારે વરસાદને કારણે રમત વહેલી પૂરી થઈ ત્યારે 105 રને નૉટઆઉટ રહ્યો હતો. ત્યારે ભારતનો સ્કોર નવ વિકેટે 358 રન હતો.
નીતીશે આ અવિસ્મરણીય ઇનિંગ્સ દરમ્યાન જાડેજા, વૉશિંગ્ટન અને બુમરાહને આઉટ થતા જોયા હતા અને પોતે સદીની લગોલગ હતો ત્યારે 11મા નંબરના બૅટર મોહમ્મદ સિરાજ સાથેની જોડીમાં વિકેટ સાચવી રાખીને સદી પૂરી કરી હતી. ખરેખર તો સિરાજે ક્રીઝમાં ટકી રહીને નીતીશને સેન્ચુરી પૂરી કરવા પૂરો મોકો આપ્યો હતો.
નીતીશની રેકૉર્ડ-બુક
(1) નીતીશના અણનમ 105 રન મેલબર્નમાં રમાયેલી ટેસ્ટ મૅચોમાં આઠમા કે એનાથી નીચલા નંબરે બૅટિંગ કરનારા બૅટર્સમાં હાઇએસ્ટ છે. તેણે ઑસ્ટ્રેલિયાના રેગી ડફનો 122 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો છે. 1902 બાદ આ મેદાન પર ડફના 104 રન હાઇએસ્ટ હતા. તેઓ દસમા નંબરે રમ્યા હતા. મેલબર્ન વિશ્વનું સૌથી જૂનું ટેસ્ટ ગ્રાઉન્ડ છે. અહીં 1877માં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ હતી.
(2) ઑસ્ટ્રેલિયામાં ભારતની જે પણ ટેસ્ટ ટીમો રમી ચૂકી છે એના આઠમા નંબરના તમામ બૅટર્સમાં શનિવારની રમતને અંતે નીતીશના અણનમ 105 રન હાઇએસ્ટ હતા. આ પહેલાં કુંબલેના 87 રન સૌથી વધુ હતા.
(3) વર્તમાન ટેસ્ટ સિરીઝમાં ભારતીય બૅટર્સમાં નીતીશ રેડ્ડી 284 રન સાથે હાઇએસ્ટ છે. તમામ બૅટર્સમાં ટ્રેવિસ હેડના 409 રન સાથે મોખરે છે.
Also read: પિતાની પ્રાર્થના ફળી, નીતીશ રેડ્ડી સેન્ચુરી ફટકારવામાં સફળ
(4) ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મૅચોમાં આઠમા નંબરે કે એનાથી નીચલા નંબરે સેન્ચુરી કરનાર નીતીશ બીજો પ્લેયર છે. આ પહેલાં વૃદ્ધિમાન સાહાએ 2017માં રાંચીમાં ઑસ્ટ્રેલિયા સામે 117 રન બનાવ્યા હતા.
(5) નીતીશ રેડ્ડી ઑસ્ટ્રેલિયામાં સદી ફટકારનાર ભારતનો ત્રીજા નંબરનો સૌથી યુવાન ખેલાડી છે. તેની ઉંમર 21 વર્ષ અને 214 દિવસની છે. સચિને ઑસ્ટ્રેલિયામાં 18 વર્ષ, 253 દિવસની ઉંમરે અને રિષભ પંતે 21 વર્ષ, 91 દિવસની ઉંમરે સેન્ચુરી ફટકારી હતી.
(6) મેલબર્નમાં સદી ફટકારનાર નીતીશ રેડ્ડી ત્રીજો સૌથી યુવાન વિદેશી ખેલાડી પણ બન્યો છે.
(7) નીતીશ આઠ સિક્સર સાથે આ સિરીઝમાં રેકૉર્ડ બનાવી ચૂક્યો છે. ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર તે સંયુક્ત રીતે મોખરાનો વિદેશી ખેલાડી બન્યો છે. 2002માં માઇકલ વૉને અને 2009માં ક્રિસ ગેઇલે આઠ-આઠ સદી ફટકારી હતી.