મેટિની

શ્યામ બેનેગલ-રાજ કપૂરની ફિલ્મ કાગળ પર જ રહી ગઈ…

હેન્રી શાસ્ત્રી

અમિતાભ બચ્ચનના એંગ્રી યંગમેનના ઉદયકાળમાં 1970માં સમાંતર સિનેમાના દોરને વેગ મળ્યો એનો પ્રમુખ શ્રેય શ્યામ બેનેગલને જાય છે.

આ પણ વાંચો : હેં..રાજ કપૂરનેય લાફા પડ્યા હતા?!

નસીરુદ્દીન શાહ, શબાના આઝમી, સ્મિતા પાટીલ, અમરીશ પુરી, કુલભૂષણ ખરબંદા, ગિરીશ કર્નાર્ડ, અનંત નાગ, સાધુ મેહર, રજિત કપૂર… અભિનયના આસમાનના એક્કા એવા આ અફલાતૂન એક્ટરો જે ફિલ્મ દિગ્દર્શકનું વિઝન વહેંત ઊંચું સાબિત કરી શકવાનું કૌવત ધરાવતાં હતાં. આ બધા એવા એક્ટર છે જેમની હાજરીથી અભિનયના આલમમાં વધુ ઉજાસ પથરાયો છે.

આ કલાકારોની કાબેલિયત કલા રસિકો વિવિધ ફિલ્મોમાં માણી શક્યા એ માટે કલા વિશ્વ શ્યામ બેનેગલનું ઋણી છે. બેનેગલે આ કલાકારોને પોતાની ફિલ્મોમાં પ્રથમ તક આપી હતી. ફિલ્મ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ) અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના અફલાતૂન એક્ટરોથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પરિચિત થઈ એમાં બેનેગલજીનો સિંહફાળો છે.

અનેક જાતની બીમારી ધરાવતા બેનેગલ 90 વર્ષની ઉંમરે પણ ઉત્સાહ સાથે ‘હું બે ત્રણ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું’ એવું કહેતા હતા. તાજેતરમાં આપણી વચ્ચેથી શારીરિક વિદાય લીધી, પણ એમના અમૂલ્ય યોગદાન લોકોને મનોરંજન આપવાની સાથે સાથે એમના વિચાર વિશ્ર્વને ઢંઢોળવાનું કામ,એમને પ્રેરણા આપવાનું કામ કરતા રહેશે. શ્યામ બેનેગલની સ્મૃતિ હૈયામાં કોતરાઈ ગઈ છે.

કેટલાંક વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં નસીરુદ્દીન શાહએ કહેલી વાત શ્યામ બેનેગલનું મૂલ્ય બહુ સરસ રીતે સમજાવે છે. નસીરભાઈએ જણાવ્યું હતું કે ‘મારા જીવનની પહેલી ફિલ્મ (અંકુર) બેનેગલને કારણે મળી. અલબત્ત, બેનેગલનું યોગદાન વ્યક્તિગત સિદ્ધિના સીમાડા ઓળંગી ખૂબ આગળ વધ્યું.

શ્યામ (બેનેગલ)ને કારણે અનેક ફિલ્મમેકરો પોતાને જેમાં શ્રદ્ધા – વિશ્વાસ હોય એવી ફિલ્મો બનાવવાની હિંમત કરી શક્યા. સળંગ 50 વર્ષ સુધી પોતાને શ્રદ્ધા હોય એવી જ ફિલ્મો બનાવતા રહેવું એ બહુ મોટી વાત કહેવાય. શ્યામ સાથે કામ કરવા મળ્યું એને હું મારું સદભાગ્ય ગણું છું અને મને ગર્વ છે કે એમની સાથે કેટલીક ફિલ્મો કરવા મળી.’

પેરેલલ સિનેમા -સમાંતર સિનેમા તરીકે ઓળખાયેલી હિન્દી ભાષાની ફિલ્મ મેકિંગની શરૂઆત 1969માં ‘ભુવન શોમ’ (મૃણાલ સેન), ‘સારા આકાશ’ (બાસુ ચેટરજી) અને ‘ઉસકી રોટી’ (મણિ કૌલ)થી થઈ, પણ એને વેગ મળ્યો શ્યામ બેનેગલની પહેલી ફિલ્મ ‘અંકુર’ (1974)થી એ હકીકત છે.

હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના પીડિત- શોષિત વર્ગ માટે સહાનુભૂતિ, સદભાવના, અનુકંપા એમની ફિલ્મોનો મુખ્ય અને મજબૂત તંતુ હતો. ‘અંકુર’ ફિલ્મનો (ફિલ્મ ન જોઈ હોય તો યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે) લાસ્ટ સીન યાદ કરો. એક નાનકડો છોકરો પાણો ફેંકી જમીનદારના ઘરની બારીનો કાચ તોડી નાખે છે.

ફિલ્મની વાર્તાના દ્રષ્ટિકોણથી આ દ્રશ્ય પ્રતીકાત્મક રીતે સૂચવે છે કે ઉચ્ચ વર્ગના કારણે થતા દંભ અને શોષણને જડમૂળથી ઊખેડી નાખી હવે બળવાનો સમય આવી ગયો છે અને હવે કોઈ આ જુલમ સહન નહીં કરે. ચિત્તને ઢંઢોળવાનું કામ આ એક દ્રશ્ય કરે છે અને મનોરંજન સાથે કળાની આ જવાબદારી પણ બેનેગલની ફિલ્મોએ નિભાવી છે. એ પથ્થરે સમાંતર સિનેમાની ચળવળને ચાલના આપી એ હકીકત છે.

છેલ્લાં 50 વર્ષમાં ઘણા ફિલ્મ મેકરોએ ચીલો ચાતર્યો છે એનો શ્રેય શ્યામ બેનેગલને જાય છે. 1974માં આવ્યો હતો એ પ્રકારના કોઈ બદલાવની જરૂર આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને છે એવી દલીલમાં વજૂદ છે. એંગ્રી યંગ મેન (ઝંઝીર – અમિતાભ) અને મલ્ટી સ્ટારર ફિલ્મો (યાદોં કી બારાત) ધૂમ મચાવી રહી હતી એ દોરમાં બેનેગલ વેગળી કેડી કંડારી સફળતા મેળવવામાં કામિયાબ રહ્યા.

1970ના દાયકામાં અને 1980ના પ્રારંભમાં વાસ્તવિકતાનું નિરૂપણ કરતી ફિલ્મોને મળેલી સફળતા શ્યામ બેનેગલની ચાર ફિલ્મને આભારી છે. એમની ‘અંકુર’ (1974), ‘નિશાંત’ (1975), ‘મંથન’ (1976) અને ’ભૂમિકા’ (1977) કલાત્મક દ્રષ્ટિએ વેગળી ભાત પાડતી હતી, પણ સાથે સાથે આ ફિલ્મો બે પૈસા કમાઈ પણ લેતી હતી.

આ બાબતે બેનેગલ મણિ કૌલ કે મૃણાલ સેનથી જુદા પડતા હતા. જમીનદારના શોષણને કેન્દ્રમાં રાખી બનાવેલી ‘અંકુર’ પછી ‘નિશાંત’ (વર્ગ અને વર્ણભેદ), ‘મંથન’ (શ્વેત ક્રાંતિ) અને ‘ભૂમિકા’ (વ્યક્તિત્વની તલાશ)ની સફળતાને કારણે 1980ના દાયકામાં શશી કપૂરને બેનેગલ સાથે ફિલ્મો બનાવવાની પ્રેરણા મળી હોવી જોઈએ અને આપણને ‘જુનૂન’ (1978 – 1857નો ભારતીય વિપ્લવ) અને ‘કલયુગ’ (1981-મહાભારતને કેન્દ્રમાં રાખી કોર્પોરેટ જગતનું રાજકારણ) જેવી ફિલ્મો મળી. જોકે, પહેલી ચાર ફિલ્મો જેવી વ્યવસાયિક સફળતા શશી કપૂર સાથેની ફિલ્મોને ન મળી.

હમણાં 14મી ડિસેમ્બરે શ્યામ બેનેગલએ આયુષ્યના 90 વર્ષ પૂરા કર્યા. એ દિવસ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ગ્રેટેસ્ટ શોમેન રાજ કપૂરની જન્મ શતાબ્દીનો હોવાથી બેનેગલની ઉજવણી દબાઈ ગઈ. જોકે, શોમેનશિપ બાબતે રાજ કપૂરથી બેનેગલ સાવ વિપરીત હતા. અલબત્ત, એમને રાજ કપૂર માટે આદર હતો. ‘રાજ કપૂર અફલાતૂન અભિનેતા હતા,’ બેનેગલએ જણાવ્યું હતું, ‘એમના દિમાગમાં સતત નવા વિચારો દોડાદોડ કરતા હતા. મેં એમની ફિલ્મો જોઈ છે. મને ‘શ્રી 420’ બહુ ગમી હતી.’
ભૂતકાળમાં રાજજી સાથેના સહયોગમાં ફિલ્મ બનાવવા અંગે વાતચીત થઈ હતી એમ જણાવી બેનેગલે કહ્યું હતું કે ‘અમે એક યોજના બનાવી હતી, પણ વાત કાગળ પર જ રહી ગઈ.’

અફસોસ. રાજ કપૂર અને શ્યામ બેનેગલના સહિયારા ફિલ્મ નિર્માણે જરૂર કમાલ કરી હોત એમ ખાતરીપૂર્વક કહી શકાય.
અમરીશ પુરીની આત્મકથા ‘ધ એક્ટ ઓફ લાઈફ’નો એક કિસ્સો જાણીએ, જેમાં શ્યામ બેનેગલની સૂઝનું અલગ જ પ્રતિબિંબ જોવા મળે છે.

આ પણ વાંચો : ૭૫ વર્ષ પહેલાં મ્યુઝિકના કોપીરાઈટ માટે હતા ૩૫ હજાર!

અમરીશજીએ લખ્યું છે કે ‘બેનેગલની ફિલ્મ ‘ભૂમિકા’માં મારો સાવ અલગ રોલ હતો – ગોવાના લેન્ડલોર્ડનો. ફિલ્મ બની રહી હતી ત્યારે શ્યામે મને કહ્યું કે ‘તારો ચહેરો બહુ રુક્ષ લાગે છે અને આ રોલ માટે બીજા કોઈ એક્ટરને હું લઈ શકું એમ નથી માટે તારો ચહેરો થોડો મુલાયમ દેખાય એવી મારી ઈચ્છા છે.’ એટલે મેં પૂછ્યું કે એને માટે મારે શું કરવાનું છે? જવાબમાં એમણે કહ્યું કે ‘બ્યુટી પાર્લરમાં જઈ ફેશિયલ કરાવી આવ.’ આ સાંભળી મેં દલીલ કરી કે પણ મારા ચહેરામાં કોઈ ફરક નહીં પડે. મારી વાત સાંભળી બેનેગલે કહ્યું કે ‘ના, તારો ચહેરો થોડો મુલાયમ બની જશે.’ મેં ફેશિયલના 10 સેશન કર્યા અને ખરેખર મારા ચહેરામાં બદલાવ આવ્યો. ચહેરો હતો એના કરતાં ખરેખર મુલાયમ થઈ ગયો!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button