મેટિની

ક્યા સે ક્યા હો ગયા… વીતી રહેલા આ વર્ષની સિનેમેટિક મોમેન્ટ્સનું સરવૈયું…

શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા

વધુ એક વર્ષ પૂરું થવામાં છે. મનોરંજન દેવની કૃપાથી અનેક માધ્યમથી આપણે ફિલ્મ્સ અને શોઝની મજા માણી.

અમુક એવાં પણ શીર્ષક કે ઘટનાઓ એમાં દેખાઈ આવે કે જે અપેક્ષા મુજબની સફળતા ન મેળવી શક્યા હોય. એટલે જ દર વર્ષના સિલસિલા પ્રમાણે ચાલો, વધુ એક વખત વાત કરીએ ૨૦૨૪ની સિનેમેટિક મોમેન્ટ્સ વિશે…

ઓ અક્ષય, કલ મત આના!
અક્ષય કુમાર માટે વધુ એક વર્ષ નિષ્ફ્ળતાભર્યું જ સાબિત થયું છે. ‘બડે મિયાં છોટે મિયાં’, ‘સરફિરા’ અને ‘ખેલ ખેલ મેં’ જેવી એની ત્રણ ફિલ્મ્સમાં દર્શકોએ કોઈ જ રસ દેખાડ્યો નથી.

એની યાદીમાં જે બે સફળ ફિલ્મ આ વર્ષે બોલે છે તેના કેન્દ્રમાં અક્ષય પોતે નથી. ‘સ્ત્રી ૨’માં અક્ષયનો ફક્ત કેમિયો છે તો ‘સિંઘમ અગેઇન’માં કેમિયો કરતાં વધુ રોલ છે, પણ આ બંને ફિલ્મ્સ તેના કારણે સફળ થઈ એવું જરા પણ કહી શકાય નહીં.

આમ છતાં વર્ષમાં ચાર-પાંચ ફિલ્મ્સ કરવાની તેની ફોર્મ્યુલા અક્ષયે પકડી રાખી છે. જોઈએ, ૨૦૨૫ અક્ષય કુમાર માટે કેવું રહે છે!

છોટા યુ ટર્ન
‘ટવેલ્થ ફેલ’ જેવી ૨૦૨૩ની સાલની સફળતમ ફિલ્મ્સમાં સામેલ ફિલ્મ આપ્યા પછી એક નવા સ્તરે પહોંચેલા વિક્રાંત મેસ્સીએ ‘ધ સાબરમતી રિપોર્ટ’ નામની પોતાની ફિલ્મની રિલીઝ સમયે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. પોસ્ટમાં એણે ચોખ્ખા શબ્દોમાં લખ્યું હતું કે હવે આપણે એક છેલ્લી વાર મળીશું પણ બે-ત્રણ દિવસમાં જ વિક્રાંતે યુ ટર્ન લેતા એવું કહ્યું કે મીડિયામાં મારા આ નિર્ણયને લઈને ગેરસમજ થઈ છે.

હું નિવૃત્તિ નહીં, માત્ર બ્રેક લઉં છું! વિક્રાંતનો એ બ્રેક કેવડો હશે એ તો એને જ ખબર!

વડ્ડી વડ્ડી ફ્રેન્ચાઈઝ કે છોટે દર્શન
‘મેડમ વેબ’ એટલે સોની સ્પાઈડર યુનિવર્સની ૨૦૨૪માં આવેલી એક મહા ફ્લોપ ફિલ્મ.

અમેરિકન સુપરહિરોઝની દુનિયા સિનેફાઇલ્સ સિવાય સામાન્ય દર્શકો માટે અટપટી છે માટે આપણે એમાં ન પડીએ, પણ ફક્ત એટલું જાણી લો કે આ સ્પાઈડર યુનિવર્સને અત્યારે ચાલતી સ્પાઈડર મેન ફિલ્મ્સ સાથે પણ કંઈ જ લાગતું વળગતું નથી.

ડાકોટા જહોન્સન અભિનીત આ ફિલ્મ વિવેચકો અને દર્શકો બંને તરફથી સુપર ફ્લોપ સાબિત કરવામાં આવી છે. ‘મેડ મેક્સ’ નામની બીજી મોટી ફ્રેન્ચાઈઝની ‘મેડ મેક્સ:

ફ્યુરીઓસા’માં પણ લોકોએ બહુ રુચિ દેખાડી નથી અને એ પણ મોટી અપેક્ષા છતાં હીટ સાબિત થઈ નથી.

તૃપ્ત-અતૃપ્ત

તૃપ્તિ ડિમરીના દિવસો બદલાયાં છે. તમને થશે કે એની ફિલ્મ્સ તો સારું કરી રહી છે તો ‘ક્યા સે ક્યા હો ગયા’માં કેમ તેનો સમાવેશ?

હા, એને કમર્શિયલ સક્સેસ જરૂર મળી રહી છે, પણ એની કારકિર્દી જોતાં એવું બિલકુલ કહી શકાય કે ‘એનિમલ’ પછીની એની પ્રસિદ્ધિ અને સ્તર ઊંચકાયા છે, પણ સિનેમાની ગુણવત્તામાં ધરખમ ઘટાડો થયો છે.

જોકે, એ માટે કંઈ તૃપ્તિનો વાંક કાઢવાની જરૂર નથી. પણ ‘લૈલા મજનુ’, ‘બુલબુલ’ અને ‘કલા’ જેવી પ્રભાવી ફિલ્મ્સ પછી એક કલાકારના કામને ચાહતા દર્શકો ચોક્કસ જ એમ કહેવાના કે તૃપ્તિ વધુ અર્થપૂર્ણ ફિલ્મ્સ કરે તો સારું!

રોહિત, અગેઇન?

‘સિંઘમ અગેઇન’ ફિલ્મ પહેલાંની રોહિત શેટ્ટીની છેલ્લી ફિલ્મ હતી ‘સર્કસ’. એને દર્શકોએ એમ કહીને જાકારો આપ્યો હતો કે ફિલ્મમાં કોમેડીના નામે મીડું છે અને રોહિત શેટ્ટીએ વેઠ ઉતારી છે. હવે ‘સિંઘમ અગેઇન’ પણ ફિલ્મ તરીકે સૌને ખાસ પસંદ નથી આવી, છતાં દિવાળીની રજાના કારણે કમાઈ ગઈ છે એવું તારણ નીકળ્યું છે.

સાથે વધુ ચર્ચા તો ટ્રેલરમાં પૂરી ફિલ્મ અને સ્ટાર્સને બતાવી દેવાની રોહિતની ટેક્નિકની થઈ છે અને એથી પણ વધુ ચર્ચા નબળા શૂટ અને એડિટ સાથે છેલ્લે આવેલા ચુલબુલ પાંડે (સલમાન ખાન)ના બેમતલબ કેમિયોની થઈ છે.
અરે, આપ કબ આયે?

૨૦૨૪માં વર્ષો પહેલાંની અમુક સફળ ફિલ્મ્સની સિક્વલ્સ પણ ટ્રેન્ડ મુજબ આવી છે, પણ સિક્વલ હોવા છતાં ન તો કોઈને તેની ખાસ જાણ થઈ છે કે તેને થિયેટરમાં જઈને જોવાની તસ્દી લીધી છે. એવી ફિલ્મ્સની યાદીમાં સામેલ થાય છે, ‘એલએસડી ૨’. દિબાકર બેનર્જીની ‘એલએસડી’ પ્રયોગાત્મક ફિલ્મ હતી અને ખૂબ વખણાઈ હતી, પણ તેની સિક્વલના ન તો વિવેચકોએ વખાણ કર્યા છે, ન દર્શકોએ. શાહિદ કપૂરની પહેલી ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક’ની પણ સિક્વલ ‘ઇશ્ક વિશ્ક: રિબાઉન્ડ’ નામે બનાવવામાં આવી છે. તેના પણ કોઈ જ ખરીદદાર નીકળ્યા નથી!

લાસ્ટ શોટ

ગયા સપ્તાહે રિલીઝ થયેલી ‘ક્રેવન: ધ હન્ટર’ પણ સોની સ્પાઈડર યુનિવર્સની જ ફિલ્મ છે અને તેને ‘મેડમ વેબ’ કરતાં પણ વધુ નેગેટિવ રિવ્યુઝ મળી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button