નિવૃત્તિ જાહેર કર્યાના 24 કલાકમાં રવિચંદ્રન અશ્વિન ઘરે પહોંચ્યો, ઉષ્માભર્યું સ્વાગત
ચેન્નઈ: બ્રિસ્બેન ટેસ્ટ બાદ ભારતના સ્પીન બોલર રવિચંદ્રન અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને સૌને ચોંકાવી (R Ashwin announced retirement) દીધા હતાં. ગઈ કાલે બુધવારે નિવૃત્તિની જાહેરાતના 24 કલાકથી ઓછા સમયમાં રવિચંદ્રન અશ્વિન તેના ચેન્નાઈમાં ઘરે પરત ફર્યો હતો.
ચેન્નઈમાં તેના ઘરે રવિચંદ્રન અશ્વિનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવાર ઉપરાંત આર અશ્વિનના નજીકના મિત્રો અને પડોશીઓ તેનું સન્માન કરવા એકઠા થયા હતાં. આર અશ્વિને 14 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં 537 વિકેટ લીધી હતી, અનિલ કુંબલે બાદ તે ભારતનો સૌથી સફળ ટેસ્ટ બોલર રહ્યો. અશ્વિનની કાર તેના પડોશમાં પ્રવેશતાની સાથે જ ઢોલ નગારા સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું, લોકોએ ફૂલહાર પહેરાવીને તેનું સન્માન કર્યું હતું.
આર અશ્વિન IPLમાં દેખાશે:
આજે ગુરુવારે ઘરે પહોંચીને પત્રકારોને અશ્વિનને કહ્યું.”હું CSK માટે જેટલા લાંબા સમય સુધી રમી શકાય તેટલો સમય રમતો રહીશ. આ ક્ષણ ઘણા લોકો માટે લાગણીશીલ છે, પરંતુ એ પણ શમી જશે. મારા માટે, આ રાહત અને સંતોષની લાગણી છે. નિવૃત્તિનો વિચાર થોડા સમયથી મારા મગજમાં ચાલી રહ્યો હતો.”
Also read: અશ્વિનની ઓચિંતી નિવૃત્તિ વિશે જાણો કોણે શું કહ્યું…
સાથીઓની પ્રશંસા:
ગઈ કાલે મેચ પછી અશ્વિન સત્તાવાર જાહેરાત કરવા કેપ્ટન રોહિત શર્માની સાથે મીડિયા સમક્ષ આવ્યો હતો અને તે પછી તરત જ નીકળી ગયો. તેમણે મીડિયાના સવાલોનો જવાબ આપ્યો ન હતો.
પ્રેસ કોન્ફરન્સમાં અશ્વિને જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ ફોર્મેટમાં ભારતીય ક્રિકેટર તરીકે આ મારો છેલ્લો દિવસ હશે. રોહિત અને મારા અન્ય સાથી ખેલાડીઓની સાથે ઘણી યાદો છે. રોહિત, વિરાટ (કોહલી), અજિંક્ય (રહાણે), (ચેતેશ્વર) પુજારા જેમણે બેટની આસપાસ ઉભા રહીને શાનદાર કેચ પકડ્યા હતાં, જેથી આટલી વિકેટ મેળવી શક્યો.