પુરુષ

વિશ્ર્વ ટપાલ દિવસ ડાકિયા ડાક લાયા

બાળપણની સૌથી ખૂબસૂરત યાદો પૈકી એક યાદ ટપાલી છે

કવર સ્ટોરી -વિઠ્ઠલ વઘાસિયા

નવમી ઓક્ટોબરના રોજ વિશ્ર્વ ટપાલ દિવસ હતો.ભારતીય ટપાલ દિવસ દર વર્ષે દસમી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે, જ્યારે વિશ્ર્વ ટપાલ દિવસ એનાથી એક દિવસ આગળ નવમી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.

ભારતમાં ટપાલ સેવાની શરૂઆત બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ઈ.સ.૧૭૬૪ માં મુંબઈથી થઈ, અને ૧૮૫૪માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરૂ થયો હતો. બ્રિટિશ ભારતના ગવર્નર જનરલ હોસ્ટિંગ્સએ માર્ચ, ૧૯૭૪માં જાહેર જનતા માટે પોસ્ટ ખોલી હતી. આ પહેલા પોસ્ટ સિસ્ટમનો મુખ્ય હેતુ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વ્યાપારી હિતોની સેવા કરવાનો હતો. શાસક સત્તાધારીની આર્થિક અને રાજકીય જરૂરિયાતો પૂરી કરવી એ ટપાલ સેવાના વિકાસમાં પ્રેરકબળ રહ્યું હતું. પોસ્ટ ઓફિસ એક્ટ ૧૮૩૭એ સરકારને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના પ્રદેશોમાં પત્રો પહોંચાડવાનો વિશિષ્ટ અધિકાર અનામત રાખ્યો હતો.

વિશ્ર્વની પ્રથમ સત્તાવાર એર-મેલ ફ્લાઇટ ૧૮ ફેબ્રુઆરી, ૧૯૧૧ના રોજ ભારતમાં શરૂ થઈ હતી. ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ ૧૮૯૮ને ૨૨ માર્ચ, ૧૮૯૮ના રોજ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. તે પહેલી જુલાઈ, ૧૮૯૮ના રોજ સક્રિય થયો હતો.

ભારતમાં પ્રથમ પોસ્ટલ સ્ટેમ્પ ૧ જુલાઈ, ૧૮૫૨ના રોજ પાકિસ્તાનના સિંધમાંથી રજૂ કરવામાં આવી હતી ઈ.સ ૧૮૫૪માં એક સમાન ટપાલ દરોની રજૂઆતને કારણે સમગ્ર ભારતમાં તેના ઉપયોગ માટે માન્ય પ્રથમ ટપાલ ટિકિટનો વિકાસ થયો. બ્રિટનમાં એક સમાન ટપાલની રજૂઆતને કારણે ટપાલ વ્યવસ્થાના ઉપયોગમાં ઝડપી વધારો થયો. ઈ.સ. ૧૮૫૪ અને ૧૮૬૬ની વચ્ચે બમણું અને ફરીથી ૧૮૬૬ અને ૧૮૭૧ની વચ્ચે ટપાલનું પ્રમાણ ચાર ગણું થયું હતું.

ભારતમાં સૌ પ્રથમ ચિત્રવાળા સ્ટેમ્પ ૧૯૩૧માં જારી કરવામાં આવ્યા હતા.૧૯૪૬માં તેમાં વિજય અંક હતો. ત્યારબાદ ટૂંક સમયમાં પ્રથમ ડોમિનિયન ઈશ્યુ બહાર પાડવામાં આવ્યો હતો. ડોમિનિયન અંકમાં ત્રણ સ્ટેપમાં અશોક સ્તંભ,ભારતનો નવો રાષ્ટ્રધ્વજ અને એરોપ્લેન દર્શાવવામાં આવ્યા હતા.

પોસ્ટલ વિશ્ર્વનું સૌથી મોટું લોજિસ્ટિક નેટવર્ક છે. દર વર્ષે ૧૫૦થી વધુ દેશો વિવિધ રીતે ‘વિશ્ર્વ પોસ્ટ દિવસ’ની ઉજવણી કરે છે. ભારતનો ટપાલ ઈતિહાસ ભારતના જટિલ રાજકીય ઈતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. જેમ જેમ પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ, ડેનિશ અને બ્રિટિશ સંસ્થાનવાદીઓએ ભારતમાં સત્તા મેળવી, તેમ તેમ સ્વતંત્ર રાજ્યની સાથે તેમની પોસ્ટલ સિસ્ટમ પણ અસ્તિત્વમાં આવી હતી. ભારતની ટપાલ સેવાઓમાં બ્રિટનની સંડોવણી ૧૮મી સદીમાં શરૂ થઈ હતી. શરૂઆતમાં આ સેવાનું સંચાલન ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા કરવામાં આવતું હતું. જેણે ઈ.સ.૧૭૬૪ અને ૧૭૬૬ વચ્ચે મુંબઈ, ચેન્નઈ અને કલકત્તામાં પોસ્ટ ઓફિસની સ્થાપના કરી હતી.

બ્રિટિશ ભારતની ટપાલ સેવાઓનું સંચાલન કરવા ઉપરાંત પોસ્ટ ઓફિસ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેના પત્ર વ્યવહારના પ્રસારણમાં સામેલ હતી. ૧૮૨૦ના દાયકામાં થોમસ વાધોર્નેએ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેના મેઈલ રૂટ સુધારવા માટે તપાસ શરૂ કરી. આનાથી એલેક્ઝાન્ડ્રિયા અને સુએઝ વચ્ચે ઓવરલેન્ડ રૂટની સ્થાપના થઈ. આ મેઈલ્સને અગાઉ ઇંગ્લેન્ડ પહોંચવામાં ત્રણ મહિનાનો સમય લાગતો હતો, પરંતુ વાધોર્નના પત્રોએ માત્ર ૩૫ દિવસમાં સફર પૂર્ણ કરી હતી.

સ્વતંત્રતા પછી, પોસ્ટલ સેવાઓની જવાબદારી નવી ભારત સરકારને સોંપવામાં આવી હતી. જો કે બ્રિટને ભારતીય ટપાલ સેવાઓમાં તે જ રીતે સામેલ થવાનું ચાલુ રાખ્યું, જે રીતે તે અન્ય આંતરરાષ્ટ્રીય ટપાલ સેવાઓનું સંચાલન કરવામાં આવતું હતું. આર્કાઈવમાંની ફાઈલોમાં ૧૯૬૦ના દાયકામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના બગડતા સંબંધો અને આ દેશોમાં પોસ્ટ પહોંચાડવા તથા પ્રાપ્ત કરવા પર તેની અસર જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આમ, ટપાલનો ઈતિહાસ તો રોચક અને અનોખો રહેવા પામ્યો છે. એક સમયમાં જ્યારે કબૂતરની ચાંચમાં અથવા તો પક્ષીઓ થકી એક પ્રદેશથી બીજા પ્રદેશમાં કાગળ મોકલવામાં આવતા એવું આપણે વાંચ્યું છે. ત્યાર પછી પોસ્ટલ વિભાગ અને ત્યાર પછી કુરિયર વિભાગની શરૂઆત થઈ. એક પગલું આગળ વધીને હવે તો પ્રવર્તમાન સમયમાં આપણે ઈમેલ અને વોટ્સઅપનો ઉપયોગ કરીને તમામ લેખ, વાત અને સંદેશ બીજાને મોકલતા થયા છીએ. તેમ છતાં ટપાલ યુગની કલ્પના કરીએ તો જ્યારે કોઈ ઈન્ટરનેટ જેવી સુવિધા નહોતી ત્યારે સમગ્ર વિશ્ર્વમાં પોતાની વાતો, લાગણીઓ કે કાર્યોની વાતને ટપાલ થકી આપ-લે કરવામાં આવતી હતી. આઝાદીની ચળવળના સમયની જો વાત કરીએ તો મહાત્મા ગાંધીજીએ હજારો પત્ર વાંચ્યા છે અને જવાબ લખ્યા છે. કહેવાય છે કે બાપુએ જીવન પર્યંત અઢી લાખ જેટલા પત્રો લખ્યા છે. આ પત્રોનો સંગ્રહ ૩૧ ગ્રંથોમાં પુસ્તક રૂપે ‘ગાંધીજીનો અક્ષર દેહ’ નામે પ્રસિદ્ધ થયો છે.

ટપાલ, ટપાલ ટિકિટ, પરબીડિયું, ટપાલપેટી અને પોસ્ટ ઓફિસ વર્ષોથી આપણે ત્યાં વાર્તા, નવલકથા, કવિતા, સાહિત્ય, ફિલ્મ અને ગીતોમાં જોવા મળ્યા છે.

ધૂમકેતુની ટૂંકી વાર્તા ‘પોસ્ટ ઓફિસ’ ખૂબ જાણીતી છે. સાસરે ગયેલી દીકરી મરિયમની ટપાલની રાહ જોઈને અલી ડોસો સતત પાંચ વર્ષ સુધી પોસ્ટ ઓફિસે વહેલી સવારે ચાર વાગે સૌની પહેલાં પહોંચી જાય છે. મરિયમની ટપાલ તો નથી આવતી, પણ ટપાલ મળતાં પહેલાં પોતે જ મૃત્યુ પામે છે. તેના આ નિત્યક્રમમાં ઘણી વખત મશ્કરીનો ભોગ પણ બને છે.

તો વળી મેઘાણી સાહેબ દ્વારા લખાયેલી ‘સૌરાષ્ટ્રની રસધાર’માં જટા હલકારાની વાત પણ એટલી જ રસપ્રદ છે. ‘દુનિયાના શુભ-અશુભનો પોટલો માથે ઉપાડીને જટો હલકારો ચાલી નીકળ્યો છે. કેટલાક પરદેશ ગયેલા દીકરાની ડોશીઓ અને કેટલાક દરિયો ખેડતા ધણીઓની ધણિયાણીઓ મહિને-છ મહિને કાગળના કટકાની વાટ જોતી જાગતી હશે એવી સમજણથી નહીં, પણ મોડું થશે તો પગાર કપાશે એવી બીકથી જટો હલકારો દોડતો જાય છે. ભાલાના ઘૂઘરા એની અંધારી એકાંતના ભેરુબંધ બન્યા છે.’

ભારતીય ટપાલ વિભાગ વિશ્ર્વમાં સૌથી મોટી વ્યવસ્થા છે. ભારતીય ટપાલ વિભાગમાં એક લાખ કરતાં વધારે ટપાલ ઘર રહેલા છે. વિશ્ર્વ ટપાલ દિવસ પોસ્ટમેન અથવા તો ટપાલીનો આભાર વ્યક્ત કરવાનો દિવસ છે. ટપાલી અને તેના પત્રોની યાદ આજે ફરી તાજી થઈ રહી છે. બાળપણની સૌથી ખૂબસૂરત યાદો પૈકી એક યાદ ટપાલી છે. અમારા ગામડાં ગામમાં અમારા ગામના જ વતની ટપાલી હતા. જેને સંબંધમાં અમે વશરામકાકા કહીને સંબોધતા. સરકારના નિયમોના ચુસ્ત આગ્રહી. કાયમ ટપાલીના ખાખી યુનિફોર્મમાં જ હોય. ટપાલીનો બેજ પણ લટકાડેલો હોય. સાઇકલમાં પોતાના હાથની એક આંગળી ઘંટડી પર હોય તો બીજા હાથની આંગળી બ્રેક પર હોય. તેના નીકળવાના સમયે અમે ડેલીએ રાહ જોઈને ઊભા રહેતા. જ્યારે વશરામ કાકા નીકળે ત્યારે અમે પૂછતા કે, ‘વશરામ કાકા! અમારી ટપાલ છે?’ તો એક અધિકારીની અદામાં કરડાકીભર્યા અવાજમાં તેઓ જવાબ આપતા કે, ‘હોય તો આપી દેવાની જ હોય શું…! એમાં પૂછવાનું નહીં.’ વળી, નવાઈની વાત તો એ છે કે ફરજ પૂરી થયા પછી તેઓનું વર્તન અને વ્યવહાર સામાન્ય પ્રકારનું રહેતું!

એ જમાનામાં સંદેશા વ્યવહારનું માધ્યમ માત્ર ટપાલ જ હતી, ત્યારે ભણતી વખતે ટપાલ લખવાનો મહાવરો ફરજિયાતપણે કરાવવામાં આવતો હતો. મને પણ ટપાલ લખવાનો ખૂબ શોખ હતો. સગાં સંબધીઓની આવેલી ટપાલ જોઈ જોઈને હું ટપાલ લખતાં શીખી ગયેલો. ઠીક ઠીક આવડત કેળવી લીધેલી. સોશ્યલ મીડિયા વિકસ્યું ત્યાં સુધી હું સિદ્ધિઓ મેળવનારને નિયમિત પત્રો લખી અભિનંદન આપતો. આ ક્રમ ચાલુ જ છે, પત્ર લખવાનું માધ્યમ બદલાયું છે.

અમારા ગામમાં એક ભરવાડ જ્ઞાતિના માજી રહેતા હતા. રાજીમા તેનું નામ. તેઓને કોઈ સગાં-સંબંધીને ટપાલ લખવાની હોય તો મને બોલાવતા. રાજીમાને હું ટપાલ લખી આપતો. તેઓ કહેતા કે, ‘તારી લખેલી ટપાલ જ પુગે છે, બીજા કોઈની લખેલી ટપાલ પુગતી જ નથી!’ આવા વખાણ સાંભળીને હું મારી જાતને ધન્ય ગણતો અને ફુલાઈ પણ જતો! આ ટપાલ લખી આપવાના બદલામાં રાજીમા મને બકરાના દૂધની સરસ મજાની ચા પાતા. વિશ્ર્વ ટપાલ દિવસે આ સ્મરણો તાજાં થયાં વગર રહેતાં નથી.

કોઈ શોકના સમાચારનું પોસ્ટકાર્ડ હોય તો તે પોસ્ટકાર્ડમાં પાછળની બાજુ ‘અશુભ’ લખેલું જોવા મળતું. જ્યારે પોસ્ટકાર્ડ હાથમાં આવે ત્યારે સૌથી પ્રથમ તો એ ખાતરી કરી લેવામાં આવતી કે અશુભ તો નથી ને?

એ દિવસોમાં ટપાલીને દેવદૂત માનવામાં આવતો. સાસરે વિદાય થયેલી દીકરી ફક્ત એક આંતરદેશીય પત્રના માધ્યમે પોતાના માતા પિતા, ભાઈ બહેન સાથે જોડાયેલી રહેતી હતી. વર્ષોથી ઘરથી દૂર રહેલો ફોજી પણ આ એક પોસ્ટકાર્ડની રાહમાં દિવસો પસાર કરતો. પત્રના માધ્યમે સગાં સંબંધીઓ એકબીજાના સુખ દુ:ખમાં સામેલ થઈ શકતા હતાં. દૂર દૂર વસવાટ હોવા છતાં બધામાં પોતીકાપણું જોવા મળતું હતું. આજના સમયમાં દરેક પળની ખબર મળતી હોવા છતાં એ પત્રના સમયનો પ્રેમ ખોવાઈ ગયો છે. આજના મોબાઈલના જમાનામાં એ સમયના આનંદનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. પત્ર એવું માધ્યમ હતું કે જેના સહારે વ્યક્તિ પોતાના સ્વજનોની યાદમાં વર્ષો પસાર કરી નાખતા. આ સંદર્ભમાં ‘વિશ્ર્વ ટપાલ દિવસ’ આપણને એ દિવસોની યાદ કરાવે છે.

The Theam for world post ‘Togather for trust: colleborating for a safe and connected future.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button