ધર્મતેજ

મનન : સંન્યાસ અને ત્યાગ…

-હેમંત વાળા

આ એક અનેરો ભેદ છે. ભેદ સૂક્ષ્મ છે પણ પ્રગટ છે. ભેદ વ્યવહારુ છે અને સચોટ છે. ભેદ મૂળભૂત છે છતાં તેમાં કંઈક સમાનતા છે. એમ કહી શકાય કે બંને એક જ વૃક્ષ પર ઊગેલી બે ડાળીઓ છે. અંતે તો બંનેમાં ‘છોડવા’ની વાત છે, પણ શું છોડવું અને કયા ભાવ સાથે છોડવું તે સમજ અગત્યની છે. છોડવા માટે તો ઘણું છે.

ઓળખ છોડી શકાય, ઇન્દ્રિયોના વિષય પ્રત્યેનો રાગ-દ્વેષ છોડી શકાય, બંધનમાં નાખનાર મોહ અને માયા, દેહભાવ અને દેહ સાથે જોડાયેલ ધર્મ, દેહવાસના – લોકવાસના – શાસ્ત્રવાસના પણ છોડી શકાય.

ગીતામાં કહેવાયું છે કે ‘કામ્યાનાં કર્મણાં ન્યાસં, સન્નયાસં કવયો વિદુ:, સર્વકર્મફલત્યાગં, પ્રાહુસ્ત્યાગં વિચક્ષણા’ આનો અર્થ એમ થાય છે કે ‘કેટલાક વિદ્વાનો કામના યુક્ત કર્મોના ત્યાગને સંન્યાસ માને છે તો કેટલાક બધા જ કર્મોના ફળના ત્યાગને જ ત્યાગ માને છે.’ આ રસપ્રદ વાત છે.

આ સત્યનિષ્ઠ વાત છે. સંપૂર્ણતામાં આ સંપૂર્ણ વાત છે. આ જ એક વાત છે, જે ત્યાગ અને સંન્યાસનો ભેદ સ્થાપિત કરે છે. આ શ્ર્લોક ઉપરથી તો એમ જણાય છે કે અત્યાર સુધી જે વાત થઈ તે ત્યાગની વાત છે.

ઈચ્છાથી કરાતા કર્મોનો ત્યાગ એટલે સન્યાસ અને સમગ્રતામાં દરેક પ્રકારના કર્મફળથી સંન્યાસ એટલે ત્યાગ. ભોજન લેવાની ઇચ્છા થાય અને ભોજન છોડવામાં આવે તે સંન્યાસ, અને ભોજન લેવાથી જે કાર્ય-કારણનું પરિણામ છોડવામાં આવે તે ત્યાગ.

ઇન્દ્રિયોની તેના જે તે વિષયોની આશક્તિને કારણે જે ઇચ્છા થાય અને તેનાથી એક સંભવિત કર્મ સંભવે તેને છોડવું એટલે સંન્યાસ, અને તે કર્મથી ઊભી થનારી સંભવિત લિપ્તતા ન થાય તેવી પરિસ્થિતિ ઊભી કરવા માટેનો પ્રયત્ન એટલે ત્યાગ.
એમ જણાય છે કે સંન્યાસ એ ક્રિયાલક્ષી છે જ્યારે ત્યાગ પરિણામલક્ષી.

એમ જણાય છે કે સંન્યાસમાં પ્રવૃત્તિ છોડવામાં આવે છે જ્યારે ત્યાગમાં તે પ્રવૃત્તિને કારણે ઊભા થનારા સંભવિત પરિણામને. એમ જણાય છે કે સન્યાસ એ પ્રારંભ છે અને ત્યાગ એ સંભવિત પૂર્ણાહુતિ. એમ જણાય છે કે સંન્યાસ એ પ્રારંભિક તબક્કાની ઘટના છે તો ત્યાગ એ અંતિમ ચરણ છે. સંન્યાસ ઘટિત થાય પછી જ ત્યાગની સંભાવના ઊભી થાય.

સનાતની સંસ્કૃતિમાં જીવનના સમયગાળાને ચાર આશ્રમ-વ્યવસ્થામાં વિભાજિત કરાયો છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. ચોથા તબક્કામાં સંન્યાસ લેવાનો હોય છે. અહીં બધું જ છોડીને કુદરતના ખોળામાં પોતાની જાતને આધીન કરી દેવાની હોય છે.

પ્રત્યેક સ્થાવર-જંગમ મિલકતને જેમની તેમ છોડીને જવાનું હોય છે. પ્રત્યેક કૌટુંબિક સંબંધ, પ્રત્યેક સામાજિક સમીકરણ, જીવનમાં મેળવેલી ખ્યાતિ, એકત્રિત કરેલી પ્રત્યેક ઉપાધિ, જેમની તેમ મૂકીને નીકળી જવાનું હોય છે. આ સંન્યાસ છે. બધું જ છોડી દેવાની આ શરૂઆત છે. ત્યાગની આ શરૂઆતની ભૂમિકા છે. બધું છોડવાની શરૂઆત અહીંથી થાય અને પછી અંતે બધું છૂટી જાય.

સંન્યાસ માટે ઘણી બાબતો છોડવી પડે. આમાંની કેટલીક બાબતો ભૌતિક તેમજ દુન્યવી હોય જ્યારે કેટલીક બાબતો સૂક્ષ્મ ભાવ સ્વરૂપે સ્થાપિત થયેલી હોય. ઘર, કુટુંબ, સંપત્તિ, પદ, સ્થાન, વ્યવહાર, જેવી દુન્યવી બાબતો છોડવાથી શરૂઆત થાય. પછી ક્રમશ: વસ્ત્ર છોડવા પડે, ધીમે ધીમે ખોરાક છૂટતો જાય. સમય આવ્યે શ્ર્વાસ પણ નિયંત્રિત થતો જાય, શ્વાસની સ્વાભાવિક ગતિ છૂટતી જાય.

આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, સાથે સાથે, સૂક્ષ્મ અસ્તિત્વના પ્રત્યેક સ્વરૂપ એક પછી એક છોડવાનું શરૂ થાય. દેહભાવ, અહંકાર, મોહ, માયા, રાગ, દ્વેષ, મમત્વ જેવી બાબતો જેમ છૂટે તેમ ઈચ્છાને આકાંક્ષા પણ છૂટતી જાય.

પરિસ્થિતિ એવી સર્જાય કે, પછી મોક્ષ મેળવવાની પણ આકાંક્ષા ન રહે, પછી મુક્તિની પણ ઈચ્છા ન હોય. અંતે દેહનો ત્યાગ કરવામાં આવે. પ્રત્યેક પ્રકારના બંધનથી મુક્ત થવાનો આ સ્વાભાવિક ક્રમ છે. આમાં પરિસ્થિતિ, કાર્ય અને ભૌતિક બાબતોથી મુક્ત થવું એટલે સંન્યાસ, અને સંપૂર્ણ પરિણામથી મુક્તિ માટેનો પ્રયત્ન એટલે ત્યાગ.

છોડવાની પ્રક્રિયાના શરૂઆતના તબક્કામાં જીવનની જરૂરિયાતો પણ ઓછી કરવી જોઈએ. જેના વગર સહેલાઈથી ચાલી શકતું હોય તેનો આગ્રહ ન રાખવો જોઈએ. જે લાંબા સમય સુધી ઉપયોગમાં આવે તેમ ન હોય અથવા તો જેના ઉપયોગમાં લાંબી પ્રતીક્ષા જરૂરી હોય તેવી બાબતોની પણ બાદબાકી થવી જોઈએ.

ભોજનમાં ઊણોદરીનો સિદ્ધાંત પણ અમલમાં મૂકવા જેવો છે – અંશત: ભોજન ઓછું કરવાની આ વાત છે. જે વિના ચાલી ન શકે તેમ લાગતું હોય, તેને તો છોડવું જ રહ્યું. ઘણીવાર સંન્યાસ અને ત્યાગ એકબીજા સાથે સંકળાઈ જાય. ક્યારેક બે વચ્ચેનો ભેદ ઘણો સૂક્ષ્મ હોય,

સ્વાભાવિક પ્રક્રિયામાં તે ધ્યાનમાં પણ ન આવે. બંને પરસ્પર આધારિત હોવાથી પણ ક્યાંક સમજમાં દ્વિધા ઊભી થઈ શકે. સમજમાં જો તકલીફ પડતી હોય તો બુદ્ધિને બાજુમાં મૂકી શ્રદ્ધાથી, સંન્યાસ કે ત્યાગ દ્વારા આગળના પ્રવાસે વધવાનું. અંતિમ હેતુ તો સંન્યાસ અને ત્યાગ, બંનેથી મુક્તિનો છે.

સંસારમાં ઘર, ધન-સંપત્તિ, કુટુંબ તથા કૌટુંબિક વ્યવહાર, સામાજિક સમીકરણો, પદ જેવી બાબતો થોડા પ્રયત્નથી – થોડી જાગ્રતતા સ્થાપિત થતાં છોડી શકાય. કામ-ક્રોધ, લોભ-મોહ, અહંકાર, મનની વૃત્તિઓ, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેનું ખેંચાણ, મનમાં પડેલી વિવિધ આંટી, વિવિધ પ્રકારના દ્વન્દ્વ પ્રત્યેનો લગાવ, માયાનું આવરણ – સૂચિ લાંબી છે – આ અને આવી બાબતો છોડવી પ્રમાણમાં મુશ્કેલ હોય છે. તેની માટે વધુ જાગ્રતતા, ઈચ્છા-શક્તિ અને આશીર્વાદ જરૂરી બને.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button