મુખ્ય પ્રધાન બનતા જ સાઈન કરી આ પહેલી ફાઈલઃ મંત્રાલયમાં સ્વાગત
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસે ભવ્ય સમારોહમાં શપથ લીધા હતા અને તેમની સાથે અજિત પવાર અને એકનાથ શિંદેએ પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.
શપથ લીધા બાદ ફડણવીસ, શિંદે અને પવાર મંત્રાલય ગયા હતા જ્યાં દેવેન્દ્ર ફડણવીસનું બન્ને નાયબ મુખ્ય પ્રધાનોએ પુષ્પગુચ્છ સાથે સ્વાગત કર્યુ હતું અને ત્યારબાદ ચીફ સેક્રેટરી સુજાતા સૌનિકે પણ તેમનું સ્વાગત કર્યું હતું.
પહેલી ફાઈલ પર સીએમએ કરી સાઈન
નવી સરકાર રચાઈ ગઈ છે અને હવે કેબિનેટ રચાયા બાદ કેબિનેટની બેઠકો થશે અને નવા નિર્ણયો અને પોલીસી ઘડાશે, પરંતુ તે પહેલા જ ફડણવીસે એક ફાઈલ પર સાઈન કરી છે. આ ફાઈલ પુણેના ચંદ્રકાન્ત કુવ્હાડેની છે. તેમના પત્નીને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું હોવાથી તેમણે મુખ્ય પ્રધાન આરોગ્ય ફંડમાંથી ફંડ આપવા અરજી કરી હતી. ફડણવીસે તેમને રૂ. 5 લાખની મદદ આપતી ફાઈલ પર સાઈન કરી પોતાના નવા કાર્યકાળની શરૂઆત કરી હતી.
આ પણ વાંચો : Fadanvis Final: આવતીકાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજીવાર શપથ લેશે ભાજપના દેવાભાઉ
જનતાની અપેક્ષા પૂરી કરવા કામે લાગો
જે કર્મચારી સાથે પાંચ વર્ષ કામ કરવાનું છે તેમને દેવેન્દ્ર ફડણવીસે સંબોધ્યા હતા. તેમણે કર્મચારીઓને વધારે વેગથી કામ કરવા આહ્વાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે જનતાની અપેક્ષા પૂરી કરવા માટે આપણે વધારે ત્વરાથી કામ કરવું પડશે. હવે વધારે ઝડપી નિર્ણયો લેશું અને શાશ્વત વિકાસ કઈ રીતે થાય તે દૃષ્ટિકોણથી આગળ વધીશું.