આમચી મુંબઈ

નવી હૉર્ડિંગ્સ પૉલિસી મંજૂરીની રાહમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીના રિઝલ્ટ બાદ વિજયી ઉમેદવારોને શુભેચ્છા આપતા ઠેર ઠેર રાજકીય હૉર્ડિગો લાગ્યા હતા. સુધરાઈ દ્વારા હૉર્ડિંગ્સો અને પોસ્ટરોે હટાવવાનું કામ સતત ચાલતુ જ હોય છે, છતાં દર બીજા દિવસે ફરી હૉર્ડિંગો લાગી જતા હોય છે. શહેરમાં હૉર્ડિંગ્સ લગાડવા પર નિયંત્રણ રાખનારી ‘આઉટડોર એડવર્ટાઈઝલમેન્ટ ડિસ્પલે’ પૉલિસીના ડ્રાફ્ટને અંતિમરૂપ આપીને જ્યાં સુધી તેને અમલમાં મૂકવામાં આવશે નહીં ત્યાં સુધી આવી જ હાલત રહેવાની હોવાનું સુધરાઈના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. ચાલુ વર્ષે ૧૩ મેના, ૨૦૨૪માં ઘાટકોપર (પૂર્વ)માં પેટ્રોલપંપ પર હૉર્ડિંગ તૂટી પડતા ૧૭ના મોત થયા હતા અને દુર્ઘટના બાદ સપ્ટેમ્બર મહિનામાં સુધરાઈએ હૉર્ડિંગ્સને લગતી પૉલિસીનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો.

ગેરકાયદે હૉર્ડિંગ અને બેનરોને નિયંત્રણમાં લાવવાના હાઈ કોર્ટના આદેશને ગંભીરતાથી નહીં લેવા બદલ હજી થોડા દિવસ પહેલા જ બૉમ્બે હાઈ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને જુદી જુદી નગરપાલિકાઓેને આડે હાથ લીધા હતા. આ દરમિયાન રાજ્યની વિધાનસભાની ચૂંટણી દરમિયાન શહેરમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોના હૉર્ડિંગો ઠેર ઠેર લાગ્યા હતા. ચૂંટણી પૂરી થઈને રિઝલ્ટ આવી ગયા અને હવે સરકાર બનવાની છે, છતાં હજી અનેક ઠેકાણેથી પોસ્ટરો અને હૉર્ડિગો હટ્યા નથી. તેની સામે ઍક્ટિવિસ્ટની સાથે જ નાગરિકોએ પણ નારાજગી વ્યક્ત કરી છે અને ગેરકાયદે હૉર્ડિંગો સામે પગલા લેવામાં પાલિકાની ઉદાસીનતા સામે પણ પણ નારાજગી વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : વિધાનસભાની ચૂંટણીના પરિણામ પારદર્શકતાના અભાવનું પ્રતિબિંબ: પટોલે…

સામાન્ય રીતે દર વર્ષે સુધરાઈ લગભગ ૧૫,૦૦૦થી ૨૦,૦૦૦ ગેરકાયદે હૉર્ડિંગ હટાવતી હોય છે, જેમાં લગભગ ૪૫ ટકા રાજકીય નેતાઓ અને તહેવારોની ઊજવણી માટે શુભેચ્છા સંબંધિત હોય છે. ચૂંટણી તથા તહેવારો દરમિયાન હૉર્ડિંગ્સ અને પોસ્ટરોનું પ્રમાણ વધી જતું હોય છે. સુધરાઈની નવી હૉર્ડિંગ પૉલિસીના ડ્રાફ્ટ પ્લાનમાં તમામ જાહેરાતો માટે લેખિત પરવાનગી ફરજિયાત છે અને ગેરકાયદે રીતે લગાડવા બદલ બીએમસી એક્ટ, ૧૮૮૮ની કલમ ૪૭૧ અને મહારાષ્ટ્ર પ્રિવેન્શન ઓફ ડિફેસમેન્ટ ઓફ પ્રોપર્ટી એક્ટ ૧૯૯૫ હેઠળ દંડનો સામનો કરવો પડે છે, તેમ જ ત્રણ મહિનાની જેલ પણ થઈ જશે. અથવા તો ૨,૦૦૦ રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. જોકે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને પગલે લાગુ પડેલા આચારસંહિતાને કારણે હૉર્ડિગ્સની ડ્રાફ્ટ પોલિસીમાં વિલંબ આવી ગયો હતો

પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીના કહેવા મુજબ ગેરકાયદે હૉર્ડિગ્સ અને બેનરો હટાવવાનું કામ સતત ચાલતું જ હોય છે, છતાં લોકો ગેરકાયદે રીતે ફરી લગાવી દેતા હોય છે. હૉર્ડિંગ્સને લગતી નવી પૉલિસને ઝડપથી અંતિમ સ્વરૂપ આપીને વહેલીમાં વહેલી તકે તેને અમલમાં લાવવાના અમારા પ્રયાસ રહેશે. પાલિકાને સપ્ટેમ્બરમાં નાગરિકો, સરકારી એજેન્સી, સામાજિક કાર્યકર્તા અને એડવટાઈઝર તરફથી ૩૮૧ સૂચના અને વાંધાઓ આવ્યા હતા, તેની સમીક્ષા કરવાની બાકી છે. ત્યારપછી ડ્રાફ્ટ પૉલિસીની અંતિમ રૂપ આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button